<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 17th September 2026

લોકભવન ખાતે "સામાજિક સમરસતા મહોત્સવ" ના દ્વિતીય ચરણનું ભવ્ય આયોજન : ગ્રામ કલ્યાણ કાર્યક્રમ હેઠળ આત્મીય ભોજન ગ્રહણ કરનાર ૨૧ પરિવારોનું લોકભવનમાં સન્માન : આ સામાજિક સમરસતા મહોત્સવ સેવા-સંકલ્પ અભિયાનને વધુ પ્રેરણા આપશે: મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ ગ્રામ કલ્યાણ કાર્યક્રમ દરમિયાન જે ૨૧ અનુસૂચિત જાતિ અને જનજાતિ પરિવારના ઘરે આત્મીયતાથી ભોજન ગ્રહણ કર્યું હતુ તે પરિવારોને લોકભવન ખાતે વિશેષ નિમંત્રણ આપી સન્માનિત કરવામાં આવ્યા

અમદાવાદ તા.૧૭ : વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિને લોકભવન ખાતે "સામાજિક સમરસતા મહોત્સવ"ના દ્વિતીય ચરણનું અત્યંત ગૌરવપૂર્ણ આયોજન કરવામાં આવ્યું હતું. 

 

"સામાજિક સમરસતા મહોત્સવ"ના દ્વિતીય ચરણમાં રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ ગ્રામ કલ્યાણ કાર્યક્રમ દરમિયાન જે ૨૧ અનુસૂચિત જાતિ અને જનજાતિ પરિવારના ઘરે આત્મીયતાથી ભોજન ગ્રહણ કર્યું હતું, તે પરિવારોને લોકભવન ખાતે વિશેષ નિમંત્રણ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. 

 

રાજ્યપાલ  આચાર્ય દેવવ્રતજીએ છેલ્લા એક વર્ષથી તેમના દ્વારા ચલાવવામાં આવી રહેલા ગ્રામ કલ્યાણ કાર્યક્રમના અનુભવો વર્ણવતા જણાવ્યું હતું કે, દર અઠવાડિયે રાજ્યના એક તાલુકાના ગામડામાં જઈને વૃક્ષારોપણ, સ્વચ્છતા અભિયાન, ગામના અનુસૂચિત જાતિ-જનજાતિ પરિવારના ઘરે અતિથિ બની ભોજન અને રાત્રિ સમયે ગ્રામસભાનું આયોજન કરવામાં આવે છે. ગામની શાળામાં રાત્રિ રોકાણ કરીને સવારે વિદ્યાર્થીઓ અને ગ્રામજનો સાથે એક કલાક યોગાભ્યાસ તથા ખેતરોમાં જઈને જીવામૃત-ઘનજીવામૃત બનાવવાની અને પ્રાકૃતિક કૃષિ અંગેની પ્રાયોગિક તાલીમ આપવામાં આવે છે. સવારે અન્ય નજીકના ગામના અનુસૂચિત જાતિ-જનજાતિ પરિવારના ઘરે અલ્પાહાર કરવામાં આવે છે. આ સતત પ્રયાસોના પરિણામે ગામડાઓમાં કૃષિ, પશુપાલન, સ્વચ્છતા, શિક્ષણ વગેરે ક્ષેત્રે પરિવર્તન આવી રહ્યું છે.

 

રાજ્યપાલશ્રીએ મહર્ષિ દયાનંદ સરસ્વતી અને વેદોના ઉદાહરણો આપતા કહ્યું હતું કે, આ પૃથ્વી પર તમામ માનવો એક જ છે. સમાજમાં ઊંચ-નીચ, નાના-મોટાનો ભેદભાવ એ માનવસર્જિત છે. રાજ્યપાલશ્રીએ ઉમેર્યું કે, સામાજિક સમરસતા એ માત્ર એક વિચાર નથી, પરંતુ સમૃદ્ધ અને સશક્ત રાષ્ટ્રના નિર્માણનો મુખ્ય આધારસ્તંભ છે. જ્યારે, સમાજમાં જાતિ, ધર્મ, વર્ગ કે ઊંચ-નીચના ભેદભાવોથી પર થઈને દરેક વ્યક્તિને સમાનતા અને આદરનો ભાવ મળે છે, ત્યારે સાચી સમરસતા સ્થાપિત થાય છે. આપણા મહાપુરુષો અને સનાતન સંસ્કૃતિએ પણ એ જ સંદેશ આપ્યો છે કે આ પૃથ્વી પરના તમામ મનુષ્યો એક જ ઈશ્વરનું સંતાન છે. એકબીજાના સુખ-દુઃખમાં ભાગીદાર બની, પરસ્પર સ્નેહ, સન્માન અને સહયોગથી જીવન જીવવું એ જ સાચો માનવધર્મ છે. જ્યારે, સમાજનો છેવાડાનો માનવી પણ આત્મસન્માન સાથે જીવી શકે અને દેશના વિકાસમાં પોતાનું યોગદાન આપી શકે, ત્યારે જ એક અખંડ, સદભાવપૂર્ણ અને આત્મનિર્ભર સમાજનું સ્વપ્ન સાકાર થાય છે.

 

રાજ્યપાલશ્રીએ શિક્ષણ અને વ્યસનમુક્તિ પર વિશેષ ભાર મૂકીને વાલીઓને વિનંતી કરી હતી કે પોતાના બાળકો, ખાસ કરીને દીકરીઓને ઉચ્ચ શિક્ષણ આપવું જોઈએ, કારણ કે એક ભણેલો-ગણેલો વ્યક્તિ સમગ્ર કુટુંબની તસવીર બદલી નાખે છે. વ્યસનમુક્તિની ગંભીરતા સમજાવતા તેમણે સૌને વ્યસનથી દૂર રહેવા અપીલ પણ કરી હતી.

 

તેમણે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીને જન્મદિવસની શુભકામનાઓ પાઠવતા જણાવ્યું હતું કે, છેલ્લા એક દાયકામાં દેશના ૨૫ કરોડથી વધુ નાગરિકો ગરીબી રેખાથી ઉપર આવ્યા છે અને ભારત વૈશ્વિક સ્તરે આર્થિક મહાસત્તા તરીકે ઉભરી આવ્યું છે. રાજ્યપાલશ્રીએ ઉમેર્યું હતું કે, અગાઉ સામાન્ય માણસ રાજભવનમાં પ્રવેશ કરી શકતો નહોતો, પરંતુ આજે રાજભવન લોકભવન બન્યું છે, રાજ્યના છેવાડાના શ્રમિકો, વંચિતો અને ખેડૂતો માટે દરવાજા સદાય માટે ખુલ્લા મૂકી દેવામાં આવ્યા છે.

 

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે સામાજિક સમરસતાનો આધ્યાત્મિકતા સાથે સંદર્ભ આપતા કહ્યું કે, દરેક માનવમાં આત્મા છે અને આત્મા એ જ પરમાત્મા છે.

 

પરમાત્મા દરેકમાં સમાન હોય છે. માનવ સમાજે એમાં ઉંચનીચ, જાતિ-પાતિના ભેદભાવ ઉભા કર્યા છે તે દૂર કરીને સૌના સાથ, સૌના વિકાસ, સૌના વિશ્વાસ અને સૌના પ્રયાસના મંત્રથી સાચી સમરસતા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈના નેતૃત્વમાં આવી છે તેમ પણ તેમણે ઉમેર્યુ હતું.

 

મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વંચિત, દલિત, પછાત વર્ગોના હિતોને કેન્દ્રમાં રાખીને જ કલ્યાણ યોજનાઓ બનાવી છે. એટલું જ નહિ, દરેક યોજનાના લાભ લાભાર્થીઓને મળે અને તેમના જીવનમાં આર્થિક સામાજિક પરિવર્તન આવે તે માટે સેચ્યુરેશન એપ્રોચ અપનાવ્યો છે.

 

વડાપ્રધાનશ્રીએ પોતાનું સમગ્ર જીવન રાષ્ટ્ર સમર્પિત અને ૨૫ વર્ષની જન સેવા સાધનાથી ગરીબોના કલ્યાણ માટે વ્યતિત કર્યુ છે. તેની વિસ્તૃત ભૂમિકા પણ મુખ્યમંત્રીશ્રીએ આપી હતી. તેમના આવા સેવા સમર્પણને જન જન સુધી પહોંચાડવા સેવા સંકલ્પ અભિયાન દેશમાં યોજાઈ રહ્યું છે તેમ પણ તેમણે ઉમેર્યુ હતું. આ સામાજિક સમરસતા મહોત્સવ સેવા સંકલ્પ અભિયાનમાં વધુને વધુ જન ભાગીદારી જોડશે એવો વિશ્વાસ મુખ્યમંત્રીશ્રીએ વ્યક્ત કર્યો હતો.

 

સામાજિક ન્યાય અને અધીકારિતા વિભાગના માનનીય મંત્રી શ્રીમતી દર્શનાબહેન વાઘેલાએ જણાવ્યું હતું કે, ગુજરાતના રાજ્યપાલશ્રી સામાજિક સમરસતાને પ્રોત્સાહન આપવાનું એક ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડી રહ્યા છે. તેઓ ગ્રામીણ વિસ્તારોની મુલાકાત લઈ અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના પરિવારોના આંગણે આત્મીયતાપૂર્વક ભોજન ગ્રહણ કરે છે તથા તેમનાં સુખ-દુઃખમાં સહભાગી થાય છે. આપણા યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકેના તેમના કાર્યકાળ દરમિયાન સામાજિક સમરસતાના સુદ્રઢ નિર્માણ અર્થે ભગીરથ પ્રયાસોનો પ્રારંભ કર્યો હતો. આવાસ યોજનાઓ સહિતની વિવિધ જનકલ્યાણકારી યોજનાઓ અને અભિયાનો વડાપ્રધાનશ્રીની દૂરંદેશીનું પ્રત્યક્ષ ઉદાહરણ છે.

 

ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે, સર્વ સમાજને સાથે રાખીને આગળ વધવાની આપણી સંસ્કૃતિ અને સંતોની પવિત્ર પરંપરા રહી છે. આ જ પરંપરાનું અનુસરણ કરીને રાજ્યપાલશ્રી સામાજિક સમરસતાના સુદ્રઢ નિર્માણ અર્થે નિરંતર કાર્યરત છે. આપણા યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા, ત્યારે તેમણે મુખ્યમંત્રીના નિવાસસ્થાને અનુસૂચિત જાતિ પરિવારની એક દીકરીના વરદ હસ્તે કુંભ સ્થાપન કરાવીને ગૃહપ્રવેશ કર્યો હતો. આ પ્રસંગે રાજ્યપાલશ્રીએ સૌને કેવળ સહભોજન અર્થે જ આમંત્રિત નથી કર્યા, પરંતુ હૃદયપૂર્વકના આત્મીય ભાવથી નિમંત્રણ પાઠવ્યું છે; જે ખરા અર્થમાં પ્રધાનમંત્રીશ્રીના જન્મદિનની સાર્થક અને પ્રેરણાદાયી ઉજવણી છે.

 

અત્રે ઉલ્લેખનીય છે કે, અગાઉ ૧૪ એપ્રિલ ૨૦૨૬ના રોજ ડૉ. બાબાસાહેબ આંબેડકર જન્મજયંતિ પ્રસંગે માનનીય રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુજીની અધ્યક્ષતામાં યોજાયેલા પ્રથમ ચરણમાં ૨૪ પરિવારોને સન્માનિત કરવામાં આવ્યા હતા. 

 

આ પ્રસંગે રાજ્યના અનેક ગામોથી આવેલા લાભાર્થીઓ તેમના પરિવાર સાથે કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા.

(4:59 PM IST)