<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 13th July 2026

અમદાવાદમાં ભગવાન જગન્નાથની રથયાત્રાને લઈને ભારે ઉત્સાહ :45,000 કિલો મગનો પ્રસાદ, 500 કિલો જાંબુ અને 500 કિલો કેરી સહિતનો પ્રસાદ તૈયાર કરાયો

રથયાત્રામાં 18 શણગારેલા ગજરાજો મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બનશે:ભારતીય સંસ્કૃતિની ઝાંખી કરાવતી 101 શોભાયાત્રાની ટ્રકો જોડાશે: શારીરિક કૌશલ્યોના પ્રદર્શન માટે 30 અખાડાઓ અને ભક્તિમય વાતાવરણ જાળવવા માટે 18 ભજન મંડળીઓ તેમજ 3 બેન્ડવાજાની ટીમ તૈનાત રહેશે.

અમદાવાદમાં ભગવાન જગન્નાથની 149 મી ઐતિહાસિક રથયાત્રાને હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે સમગ્ર શહેર ભક્તિના રંગે રંગાઈ ગયું છે. આગામી 16 જુલાઈ, ગુરુવારના રોજ ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બલરામ પરંપરાગત માર્ગ પર નગરચર્યાએ નીકળશે. પોલીસ કમિશનર દ્વારા રથયાત્રાની મંજૂરી મળતા જ મંદિર ટ્રસ્ટ અને વહીવટીતંત્ર દ્વારા તૈયારીઓને અંતિમ ઓપ આપવામાં આવી રહ્યો છે. આ વર્ષની રથયાત્રામાં ભક્તિ, એકતા અને સૌહાર્દનો અદભૂત સંગમ જોવા મળશે, જે ભક્તો માટે એક અવિસ્મરણીય અનુભવ બની રહેશે.

રથયાત્રાને આકર્ષક બનાવવા માટે વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં 18 શણગારેલા ગજરાજો મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બનશે, જ્યારે ભારતીય સંસ્કૃતિની ઝાંખી કરાવતી 101 શોભાયાત્રાની ટ્રકો રથયાત્રામાં જોડાશે. શારીરિક કૌશલ્યોના પ્રદર્શન માટે 30 અખાડાઓ અને ભક્તિમય વાતાવરણ જાળવવા માટે 18 ભજન મંડળીઓ તેમજ 3 બેન્ડવાજાની ટીમ તૈનાત રહેશે. ભગવાનના રથને ખેંચવા માટે 1000 થી 1200 ખલાસી ભાઈઓ જોડાયા છે, અને દેશભરમાંથી 2500 થી વધુ સાધુ-સંતો આ યાત્રામાં ભાગ લઈ ભક્તોને આશીર્વાદ આપશે.

રથયાત્રા પૂર્વે 14 જુલાઈએ નેત્રોત્સવ પૂજા અને ધ્વજારોહણ જેવા કાર્યક્રમો થશે. ત્યારબાદ 15 જુલાઈએ ભગવાનના સોનાવેશના દર્શન અને ત્રણેય રથોની પૂજન વિધિ યોજાશે. આ વર્ષે પ્રસાદનું વિતરણ પણ ખૂબ જ મોટા પાયે કરવામાં આવશે. ભક્તો માટે 45,000 કિલો મગનો પ્રસાદ, 500 કિલો જાંબુ, 500 કિલો કેરી, તથા 400 કિલો કાકડી અને દાડમનો પ્રસાદ તૈયાર કરાયો છે. આ ઉપરાંત, દર્શનાર્થીઓને ભગવાનના આશીર્વાદરૂપ 2,00,000 ઉપેરણાંનું પણ વિતરણ કરવામાં આવશે, જે રથયાત્રાના ભક્તિમય વાતાવરણને વધુ દિવ્ય બનાવશે.

16 જુલાઈની સવારે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા પરંપરાગત રીતે ‘પહિંદ વિધિ’ કરવામાં આવશે, જે બાદ રથયાત્રાનો ભવ્ય શુભારંભ થશે. મંગળા આરતીથી શરૂ થયેલો આ ઉત્સવ આદિવાસી નૃત્ય અને રાસ-ગરબાની રમઝટ સાથે આગળ વધશે. મંદિર ટ્રસ્ટ દ્વારા ભક્તોને શાંતિ અને શિસ્ત જાળવવા અપીલ કરવામાં આવી છે. શહેરના દરેક ખૂણે ભક્તિનું વાતાવરણ છવાયેલું છે અને લાખો ભક્તો ભગવાનના દર્શન કરવા આતુર બન્યા છે. અમદાવાદ શહેર પરંપરા અને વિશાળ લોકસમૂહની હાજરીમાં ઉત્સવના રંગમાં રંગાવા માટે સંપૂર્ણપણે તૈયાર છે.

   

(1:55 PM IST)