<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 9th May 2026

આણંદમાં પર્યાવરણના રખેવાળોની ઘોર બેદરકારી: આંકલાવની તલાવડીમાં ઝેરી કેમિકલ ભળતા હજારો માછલીઓના મોત, અબોલ જીવોની સામૂહિક 'જળસમાધિ'!

રાજોડપુરા ગામની તલાવડીમાં કોઈએ ઝેર રેડ્યું હોવાની પ્રબળ આશંકા; મૃત માછલીઓના કારણે વિસ્તારમાં અસહ્ય દુર્ગંધ, રોગચાળો ફાટી નીકળવાની ભીતિથી ગ્રામજનોમાં ફફડાટ

આણંદ : પર્યાવરણ અને જળચર જીવો પ્રત્યે માનવીની ક્રૂરતા અને બેદરકારીનો એક અત્યંત ચોંકાવનારો કિસ્સો આણંદ જિલ્લાના આંકલાવ તાલુકામાંથી સામે આવ્યો છે. આંકલાવના રાજોડપુરા ગામની એક નાની તલાવડીમાં અચાનક હજારોની સંખ્યામાં માછલીઓના મોત થતાં સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે. આ ઘટનાને પગલે પર્યાવરણ પ્રેમીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. 
અચાનક તળાવની સપાટી પર તરવા લાગ્યા 'મૃતદેહો': પ્રાપ્ત વિગતો અનુસાર, રાજોડપુરા ગામની આ તલાવડીમાં મોટી સંખ્યામાં માછલીઓ વસવાટ કરતી હતી. પરંતુ આજે સવારે જ્યારે ગ્રામજનો તળાવ કિનારે પહોંચ્યા ત્યારે દ્રશ્ય જોઈને હચમચી ગયા હતા. તળાવના પાણી પર હજારો માછલીઓના મૃતદેહો તરતા જોવા મળ્યા હતા. એકસાથે આટલા મોટા પ્રમાણમાં જળચર જીવોના મોત પાછળ કોઈ અસામાજિક તત્વોએ જાણીજોઈને ઝેરી દવા કે જોખમી કેમિકલ તળાવમાં ઠાલવ્યું હોવાની શંકા ગ્રામજનો વ્યક્ત કરી રહ્યા છે. 
ગામમાં રોગચાળો ફાટી નીકળવાની ભીતિ: માછલીઓના સડી ગયેલા મૃતદેહોના કારણે સમગ્ર વિસ્તારમાં અત્યંત તીવ્ર અને અસહ્ય દુર્ગંધ ફેલાઈ ગઈ છે. આ તીવ્ર વાસને કારણે આસપાસ રહેતા સ્થાનિકોના આરોગ્ય પર ગંભીર ખતરો મંડાઈ રહ્યો છે. ગ્રામજનોને ચિંતા છે કે જો વહેલી તકે તળાવની સાફ-સફાઈ કરવામાં નહીં આવે અને મૃત માછલીઓનો નિકાલ નહીં કરાય, તો ગામમાં ભયંકર રોગચાળો ફાટી નીકળશે. 
દોષિતો સામે કડક કાર્યવાહીની માંગ: આ અરેરાટીભરી ઘટના બાદ લોકોમાં વહીવટી તંત્ર પ્રત્યે ભારે રોષ જોવા મળી રહ્યો છે. અબોલ જીવોનો ભોગ લેનારા તત્વો સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે અને આ મામલાની ઉચ્ચસ્તરીય તપાસ થાય તેવી ઉગ્ર માંગ ઉઠી છે. તંત્ર દ્વારા પાણીના નમૂના લઈ તપાસ કરવામાં આવે કે કયા પ્રકારનું કેમિકલ ભળ્યું છે તે જાણવું પણ હવે અનિવાર્ય બન્યું છે.

(6:53 PM IST)