<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 28th June 2026

આણંદમાં પોલીસની ગંભીર બેદરકારી: SOG કચેરીમાં આરોપીના આપઘાતના પ્રયાસ બાદ PI સસ્પેન્ડ

જમીન કૌભાંડની તપાસમાં ફરિયાદી બનીને જાતે જ તપાસ હાથ ધરનાર PI બી. એમ. માળી સામે ઉચ્ચ અધિકારીઓનું લાલ આંખ, પોલીસ તંત્રમાં ભારે ચકચાર

આણંદ : પેટલાદના પાળજ ગામમાં સામે આવેલા કરોડોના 'બોગસ ખેડૂત' જમીન કૌભાંડમાં આણંદ SOG ના તત્કાલીન ઇન્ચાર્જ PI બી. એમ. માળીને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. પોલીસની કસ્ટડી જેવી સુરક્ષિત જગ્યાએ SOG કચેરીમાં એક આરોપી દ્વારા ઝેરી ગોળીઓ ખાઈ આત્મહત્યાનો પ્રયાસ કરવામાં આવતા અને તપાસ પ્રક્રિયામાં ગંભીર ટેકનિકલ ક્ષતિઓ બહાર આવતા પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો છે.

પેટલાદના પાળજ ગામની જમીનમાં અમદાવાદના બે ભાઈઓ મૈરૂલાલ અને પ્રીતલાલ ચોપરાએ બોગસ વારસાઈ અને બનાવટી દસ્તાવેજોના આધારે પોતાની ઉંમર ૨૦ થી ૨૨ વર્ષ બતાવીને ખેડૂત હોવાનો દાવો કરી જમીન ખરીદી હતી. આ અંગે નવઘણ રબારીએ રજૂઆત કર્યા બાદ, PI બી.એમ. માળીએ પોતે જ ફરિયાદી બનીને ૧૦ શખ્સો વિરુદ્ધ છેતરપિંડીનો ગુનો નોંધ્યો હતો. તપાસમાં સૌથી મોટી ભૂલ એ હતી કે પી.આઈ. પોતે જ ફરિયાદી હતા અને તપાસ પણ પોતાની પાસે જ રાખી હતી, જે નિયમોનું સીધું ઉલ્લંઘન હતું.

આ કેસની તપાસ દરમિયાન પોલીસ સ્ટાફની હાજરીમાં જ એક આરોપીએ ઝેરી ગોળીઓ ગળી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો, જે ઘટના બાદ ઉચ્ચ કક્ષાએથી તપાસના આદેશ આપવામાં આવ્યા હતા. આ ઘટના અને તપાસમાં રહેલી ગંભીર ખામીઓનો અહેવાલ ઉચ્ચ અધિકારીઓને સોંપવામાં આવતા, PI બી.એમ. માળીને ફરજમાંથી તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવાનો આદેશ કરવામાં આવ્યો છે.

આ આકરા પગલાં બાદ હવે સમગ્ર જમીન કૌભાંડની તપાસ નવા અધિકારીઓને સોંપવામાં આવે તેવી શક્યતા છે. કાયદાકીય પ્રક્રિયામાં ફરિયાદી અને તપાસકર્તા એક જ હોવાને કારણે આરોપીઓને કાયદાકીય લાભ ન મળે તે માટે હવે આ સમગ્ર પ્રકરણમાં વધુ ઊંડાણપૂર્વકની તપાસ હાથ ધરવામાં આવશે.

(10:47 AM IST)