<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 18th May 2026

રોયલ્‍ટી વિવાદમાં જીએસટી વિભાગને ફટકો

ખોટી કલમનો ઉપયોગ કરીને કાર્યવાહી કરવામાં આવી હોવાથી અપીલમાં આપેલો ચુકાદો : જીએસટી અધિકારીઓએ પૂરતી જાણકારી વિના જ આડેધડ રીતે કરેલી કાર્યવાહીમાં લપડાક

અમદાવાદ,તા.૧૮: રોયલ્‍ટી વિવાદમાં જીએસટી વિભાગે અનેક રોયલ્‍ટીધારકોને ૧૮ ટકા આરસીએમ ઉપરાંત વ્‍યાજ અને ૧૦૦ ટકા દંડ ભરવા માટેની નોટિસ ફટકારવામાં આવી હતી. પરંતુ જીએસટી અધિકારીઓ દ્વારા ખોટી કલમનો ઉપયોગ કરીને કાર્યવાહી કરી હોવાના લીધે અપીલમાં જે કેસને રદ કરી દેવામાં આવ્‍યો છે. આ કારણોસર રોયલ્‍ટીધારકોને ફટકારવામાં આવેલા દંડ સહિતની નોટિસમાં મોટી રાહત થઇ છે. સાથે સાથે તેઓ સામે આગળની કાર્યવાહી પણ સમયમર્યાદા પૂરી થવાના લીધે થઇ શકે તેમ નથી.

રેતી, માટી કાઢવા માટે સરકારમાંથી રોયલ્‍ટી લેનારાઓને જીએસટી વિભાગે વર્ષ ૨૦૧૭-૧૮થી લઈને ૨૦૨૨-૨૩ સુધી નોટિસ ફટકારી હતી. તેમાં જણાવવામાં આવ્‍યું હતું કે નિયમ પ્રમાણે ૧૮ ટકા લેખે આરસીએમ ભરવાનો થાય છે, પરંતુ આ નોટિસ રોયલ્‍ટીધારકોને કલમ ૭૪ પ્રમાણે આપવામાં આવી હતી. ત્‍યારબાદ જેને પણ નોટિસ આપવામાં આવી હતી તેઓએ જવાબ રજૂ કર્યા હતા.

તેમ છતાં અધિકારીઓએ આડેધડ રીતે ઓર્ડર કરીને રોયલ્‍ટીધારકોને ટેક્‍સની રકમ ઉપરાંત વ્‍યાજ અને ૧૦૦ ટકા પેનલ્‍ટી એટલે કે દંડ ભરવા માટેનો ઓર્ડર કરી દીધો હતો. જેથી તેની સામે જીએસટી અપીલમાં રોયલ્‍ટીધારક ગયા હતા. તે કેસમાં અપીલમાં એવો ચુકાદો આપ્‍યો હતો કે નિયમ પ્રમાણે કલમ ૭૪ના બદલે કલમ ૭૩મા કાર્યવાહી કરવામાં આવી હોવી જોઈએ. જેથી કેસ જ રદ કરી દેવામાં આવ્‍યો હતો. સાથે સાથે કલમ ૭૪ અને કલમ ૭૩ની સમયમર્યાદા પણ પૂરી થઇ ગઇ હોવાથી અધિકારીઓ હવે આગળની કાર્યવાહી જ થઈ શકે નહીં તેવી સ્‍થિતિ ઊભી થઇ છે.

ટેક્‍સ વસૂલાત નહીં કરવાનો પરિપત્ર બહાર પડાયો છતાં નોટિસ

જીએસટી અધિકારીએ આરસીએમ વસૂલાત માટે રોયલ્‍ટીમાં કેટલી રકમ ભરપાઇ કરી હતી તેની વિગતો મંગાવી હતી. તેના આધારે ૧૦ ટકા ડીએમએફ (ડિસ્‍ટ્રિક્‍ટ મિનરલ ફાઉન્‍ડેશન) અને ૨ ટકા એનએમઇટી (નેશનલ મિનરલ એક્‍સપ્‍લોરેશન ટ્રસ્‍ટ) અને ૧૮ ટકા આરસીએમની ગણતરી કરીને નોટિસ ફટકારી હતી. જ્‍યારે એનએમઇટી પર ટેક્‍સ વસુલાત નહીં કરવા માટે જીઓલોજી વિભાગ દ્વારા જ પરિપત્ર બહાર પાડવામાં આવ્‍યો છે. તેમ છતાં અધિકારીઓએ આવી કોઇ પણ બાબતની પુરતી જાણકારી વિના જ કાર્યવાહી કરી નાંખી હતી. જેથી આ મુદ્દો અપીલમાં ઉઠાવવામાં આવતા કેસ જ રદ કરી દેવામાં આવ્‍યો હતો.

કલમ ૭૪ અને ૭૩ વચ્‍ચે રહેલા તફાવત

જીએસટીની કલમ ૭૪મા જે પણ કરદાતાએ બોગસ બિલિગ કરવા ઉપરાંત સરકારને જાણી જોઇને યુનો ચોપડયો હોય, ખોટી રીતે આઇટીસી લીધી હોય, ટેક્‍સ બચાવવા માટે ગેરરીતિ કરી હોય તેવા કિસ્‍સામાં કલમ ૭૪ પ્રમાણે કાર્યવાહી કરવામાં આવતી હોય છે. તેમજ આ કલમમાં ચોરી પકડાયા બાદ પાંચ વર્ષની અંદર કાર્યવાહી પૂરી કરી દેવાની હોય છે. જ્‍યારે કલમ ૭૩મા અજાણતા ટેક્‍સ ચોરી કરી હોય, ટેક્‍સ ચોરી છુપાવવાનો ઇરાદો નહીં હોય તેવા કિસ્‍સામાં આ કલમ હેઠળ કાર્યવાહી થતી હોય છે. તેમજ કરદાતાને નોટિસ ફટકારવા માટે ત્રણ વર્ષની સમયમર્યાદા નક્કી કરવામાં આવી હોય છે

અપીલના ચુકાદાને લીધે રોયલ્‍ટીધારકોને રાહત

રોયલ્‍ટી વિવાદમાં જીએસટી વિભાગ દ્વારા જે કાર્યવાહી કરવામાં આવી હતી તે ખોટી હોવાના કારણે અપીલમાં કેસ ગયો હતો. તેમાં કલમ ૭૪ના બદલે કલમ ૭૩ પ્રમાણે કાર્યવાહી કરવામાં આવે, એનએમઇટીમાં ટેક્‍સ લેવાનો નિયમ નથી. અગાઉ નાણાં ભર્યા હોવા છતાં તેની ગણતરી બાદ કર્યા વિના જ નોટીસ ફટકારવામાં આવી હતી તે સહિતના મુદ્દે અપીલમાં રજૂઆત કરવામાં આવી હતી. જેથી અપીલમાં કરદાતાની તરફેણમાં ચુકાદો આવતા મોટી સંખ્‍યામાં રોયલ્‍ટીધારકોને રાહત થવાની છે.(ટેક્‍સ કન્‍સલ્‍ટન્‍ટ)

 

(10:35 AM IST)