News of Sunday, 31st May 2026
૨૦ રાજ્યોને પછાડી ગુજરાત બન્યું નેશનલ ચેમ્પિયનઃ બરફની રમતમાં સુરતના ખેલાડીઓએ મચાવી ધૂમ
આ પ્રતિષ્ઠિત સ્પર્ધામાં ગુજરાતની ટીમે અદભુત પ્રદર્શન કરતા કુલ ૧૭ મેડલ પોતાના નામે કર્યા છે

સુરત, તા.૩૧:દેહરાદૂનમાં યોજાયેલી ૩૫મી આઇસસ્ટોક સ્પોર્ટ્સ નેશનલ ચેમ્પિયનશિપમાં ગુજરાતે સર્વાંગી પ્રદર્શન કરીને ઓવરઓલ નેશનલ ચેમ્પિયન બનવાનો ગૌરવ મેળવ્યો છે. ૨૨થી ૨૬ મે દરમિયાન યોજાયેલી આ પ્રતિષ્ઠિત સ્પર્ધામાં દેશના ૨૦ રાજ્યોમાંથી આશરે ૨૫૦ ખેલાડીઓએ ભાગ લીધો હતો. કઠિન સ્પર્ધા વચ્ચે ગુજરાતના ખેલાડીઓએ પોતાની પ્રતિભા અને રમતગમત કૌશલ્યનો ઉત્તમ પરિચય આપ્યો હતો.
ગુજરાતની ટીમમાં સુરતના ૧૪ યુવા ખેલાડીઓનો સમાવેશ થયો હતો. આ ખેલાડીઓએ વિવિધ ઇવેન્ટ્સમાં નોંધપાત્ર પ્રદર્શન કરીને રાજ્યને મેડલ ટેબલમાં ટોચના સ્થાને પહોંચાડવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. ગુજરાતે કુલ ૧૭ મેડલ જીત્યા હતા, જેમાં ૯ સુવર્ણ, ૪ રજત અને ૪ કાંસ્ય મેડલનો સમાવેશ થાય છે.
સુરતના પ્રિયદર્શી રાજ તિવારી, મંતવ્ય ચલોડિયા, બ્રોન્ઝી કુકાડિયા, મીર પટેલ, મન્ન ધનકરા, મન્ન દેસાઈ, મુમુક્ષુ ઈરાની, આંશી પાંડે, ઋષિ સુરતી, પ્રતિક મવાંડિયા, નીલમ મિશ્રા, અન્નુ મિશ્રા, આયુષ અને વત્સલ રૂચિ ગૌડ સહિતના ખેલાડીઓએ બરફ પર પોતાની રમતની કુશળતા સાબિત કરી હતી.
ગુજરાત આઇસસ્ટોક સ્પોર્ટ્સ એસોસિએશનના હોદ્દેદારો અને કોચિંગ સ્ટાફે ખેલાડીઓની સિદ્ધિને રાજ્ય માટે ગૌરવની ક્ષણ ગણાવી હતી. કોચ વિકાસ વર્માના જણાવ્યા અનુસાર ખેલાડીઓની સતત મહેનત, નિયમિત તાલીમ અને સમર્પણના કારણે આ સફળતા પ્રાપ્ત થઈ છે.
તેમણે આશા વ્યક્ત કરી હતી કે આ યુવા પ્રતિભાઓ ભવિષ્યમાં આંતરરાષ્ટ્રીય મંચ પર પણ દેશનું પ્રતિનિધિત્વ કરીને નવી સિદ્ધિઓ હાંસલ કરશે. ગુજરાતની આ ઐતિહાસિક જીત બાદ ખેલાડીઓના વતન પરત ફરતા તેમના સન્માન માટે વિવિધ કાર્યક્રમો યોજાવાની શક્યતા છે.
(11:37 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
