તા. ૬ સપ્ટેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૦ ભાદરવા સુદ -૩, શુક્રવાર
News of Wednesday, 29th July 2026
ગુજરાત બન્યું દેશનું પ્રથમ રાજ્ય: NCERTના સહયોગથી NEP-2020 મુજબ ડિજિટલ હોલિસ્ટિક પ્રોગ્રેસ કાર્ડ-HPC લાગુ કરનાર પ્રથમ રાજ્ય, હવે વિદ્યાર્થીનું માત્ર ગુણ આધારિત નહીં પરંતુ 360° સર્વાંગી મૂલ્યાંકન થશે
વર્ષ 2026-27 થી દરેક જિલ્લાની 10% શાળાઓમાં પાયલોટ પ્રોજેક્ટ શરૂ, પરીક્ષા ઉપરાંત સ્વ-મૂલ્યાંકન, સહપાઠી, વાલી અને શિક્ષકના મૂલ્યાંકનને પણ મળશે મહત્વ, શિક્ષણ બોર્ડે સુરત-ગાંધીનગર-અમદાવાદ-રાજકોટમાં તાલીમ વર્કશોપ પણ કર્યા

ગાંધીનગર તા.૨૯ : રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-2020 ને અમલમાં મૂકવાની દિશામાં ગુજરાતે દેશમાં પહેલ કરી છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા NCERT-PARAKHના સહયોગથી તૈયાર કરાયેલ ડિજિટલ સર્વાંગી પ્રગતિ પત્રક એટલે કે Holistic Progress Card - HPC ને લાગુ કરનાર ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય બન્યું છે. આ અંગે NCERT દ્વારા પણ ગુજરાતની આ પહેલને બિરદાવવામાં આવી છે.
પરંપરાગત રીતે અત્યાર સુધી વિદ્યાર્થીઓનું મૂલ્યાંકન માત્ર પરીક્ષામાં મળતા ગુણના આધારે થતું હતું. પરંતુ હવે HPCમાં વિદ્યાર્થીના જ્ઞાનાત્મક, ભાવાત્મક અને મનોશારીરિક એમ ત્રણેય પાસાનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ કાર્ડમાં વિદ્યાર્થીના શૈક્ષણિક વિકાસની સાથે-સાથે તેની સર્જનાત્મકતા, જીવન મૂલ્યો, નેતૃત્વ ક્ષમતા, સંવાદ કૌશલ્ય, રમતગમત, કલા અને સામાજિક-ભાવનાત્મક વિકાસ જેવા વિવિધ પાસાઓનું પણ વિશ્લેષણ કરવામાં આવશે.
HPC એ માત્ર શિક્ષકનું મૂલ્યાંકન નથી. તેમાં વિદ્યાર્થીનું સ્વ-મૂલ્યાંકન, સહપાઠીનું મૂલ્યાંકન, માતા-પિતા એટલે કે વાલીનું મૂલ્યાંકન અને શિક્ષક દ્વારા કરવામાં આવતું મૂલ્યાંકન એમ ચારેયનું સંકલન હશે. આનાથી શિક્ષકો અને વાલીઓને બાળકની શક્તિઓ, રસના વિષયો અને સુધારાની જરૂરિયાત અંગે સ્પષ્ટ માહિતી મળી શકશે. જેના આધારે દરેક વિદ્યાર્થીની ક્ષમતા અનુસાર માર્ગદર્શન આપીને તેને ભવિષ્યમાં આગળ વધવામાં મદદ મળશે.
શિક્ષણ મંત્રાલયના માર્ગદર્શન હેઠળ HPCનું ડિજિટલ વર્ઝન તૈયાર કરવામાં આવ્યું છે. ગુજરાત બોર્ડ અને SSAના સહયોગથી તેનું ઓનલાઈન મોડ્યુલ પણ બનાવવામાં આવ્યું છે, જેમાં શિક્ષકો અને વિદ્યાર્થીઓ સરળતાથી માહિતી ભરી શકશે અને તે ડિજિટલ સ્વરૂપે સચવાશે.
વર્ષ 2026-27 થી દરેક જિલ્લાની 10% સરકારી, ગ્રાન્ટેડ અને નોન-ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં HPCને પાયલોટ પ્રોજેક્ટ તરીકે અમલમાં મૂકવામાં આવશે. ત્યારબાદ તબક્કાવાર તમામ શાળાઓમાં તેનો અમલ કરવામાં આવશે.
HPCને સફળતાપૂર્વક લાગુ કરવા માટે 20/07/2026 ના રોજ સુરત, 21/07/2026 ના રોજ ગાંધીનગર, 22/07/2026 ના રોજ અમદાવાદ અને 24/07/2026 ના રોજ રાજકોટ ખાતે શાળાના આચાર્યો, જિલ્લા શિક્ષણાધિકારીઓ અને HPCના નોડલ અધિકારીઓ માટે ઓનલાઈન વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ વર્કશોપમાં PARAKH-NCERTના CEO અને Head દ્વારા પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે ગુજરાતે ડિજિટલ વર્ઝન સાથે HPCનો અમલ કરીને દેશમાં પ્રથમ રાજ્ય બનવાનો માન હાંસલ કર્યો છે.
શિક્ષણ બોર્ડના અધ્યક્ષશ્રીએ જણાવ્યું કે HPC માત્ર મૂલ્યાંકનનું સાધન નથી, પરંતુ તે વિદ્યાર્થીના સર્વાંગી વિકાસ માટેનું માર્ગદર્શન પણ છે. આનાથી શિક્ષણ પદ્ધતિમાં ગુણાત્મક બદલાવ આવશે અને વિદ્યાર્થીઓને તેમની સંપૂર્ણ ક્ષમતા ખીલવવામાં મદદ મળશે.
(4:11 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
