News of Monday, 4th May 2026
ગુજરાત બોર્ડ ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહનું 84.33% ઉજ્જવળ પરિણામ જાહેર : રાજ્યમાં મોરબી જિલ્લો 94.85% સાથે મોખરે, જ્યારે કુંભારિયા કેન્દ્ર 98.62% સાથે સૌથી વધુ પરિણામ મેળવવામાં સફળ : જુઓ વિગતવાર રીઝલ્ટ
રાજ્યભરમાં 1.11 લાખથી વધુ વિદ્યાર્થીઓએ આપી હતી પરીક્ષા, જેમાં 1,576 વિદ્યાર્થીઓએ મેળવ્યો A1 ગ્રેડ : અંગ્રેજી માધ્યમનું પરિણામ ગુજરાતી માધ્યમ કરતા સામાન્ય ઊંચું રહ્યું : વિદ્યાર્થિનીઓએ ફરી એકવાર બાજી મારી

ગાંધીનગર, 04 મે 2026 : ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. આ વર્ષે રાજ્યનું કુલ પરિણામ 84.33% રહ્યું છે. મુખ્યમંત્રી અને શિક્ષણમંત્રીના માર્ગદર્શન હેઠળ બોર્ડ દ્વારા સુવ્યવસ્થિત રીતે પરીક્ષા અને પરિણામની કામગીરી સંપન્ન કરવામાં આવી છે.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના અધ્યક્ષ મુકેશ પંડયા દ્વારા આજે ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહ અને ગુજકેટ-2026નું પરિણામ સત્તાવાર રીતે જાહેર કરવામાં આવ્યું છે. આ વર્ષે રાજ્યનું સરેરાશ પરિણામ 84.33% નોંધાયું છે, જે ગત વર્ષના 83.51% કરતા થોડો વધારો દર્શાવે છે. બોર્ડ દ્વારા અત્યંત ગોપનીય અને જટિલ કામગીરી બાદ સમયસર પરિણામ જાહેર કરી વિદ્યાર્થીઓની કારકિર્દીના મહત્વના પડાવને ગતિ આપવામાં આવી છે.
પરિણામની આંકડાકીય વિગતો
ચાલુ વર્ષે વિજ્ઞાન પ્રવાહની પરીક્ષામાં કુલ 1,11,270 નિયમિત વિદ્યાર્થીઓ નોંધાયા હતા, જેમાંથી 1,11,090 વિદ્યાર્થીઓ પરીક્ષામાં ઉપસ્થિત રહ્યા હતા. આ પૈકી 93,678 વિદ્યાર્થીઓ "પ્રમાણપત્ર મેળવવાને પાત્ર" (E.Q.C.) ઠર્યા છે. જાતિવાર પરિણામની વાત કરીએ તો, વિદ્યાર્થીઓનું પરિણામ 84.04% અને વિદ્યાર્થિનીઓનું પરિણામ 84.65% રહ્યું છે, આમ વિદ્યાર્થિનીઓએ સફળતામાં સરસાઈ મેળવી છે.
જિલ્લા અને કેન્દ્રવાર સ્થિતિ
* સૌથી વધુ પરિણામ ધરાવતો જિલ્લો: મોરબી (94.85%).
* સૌથી ઓછું પરિણામ ધરાવતો જિલ્લો: દાહોદ (57.44%).
* સૌથી વધુ પરિણામ ધરાવતું કેન્દ્ર: કુંભારિયા (98.62%).
* સૌથી ઓછું પરિણામ ધરાવતું કેન્દ્ર: લીમડી-દાહોદ (42.98%).
* રાજ્યની 209 શાળાઓએ 100% પરિણામ પ્રાપ્ત કર્યું છે, જ્યારે 22 શાળાઓનું પરિણામ 10% કરતા પણ ઓછું રહ્યું છે.
ગ્રુપ અને માધ્યમ મુજબ પરિણામ
ગ્રુપવાર વિગતોમાં 'A' ગ્રુપના ઉમેદવારોનું પરિણામ 90.79%, 'B' ગ્રુપનું 79.87% અને 'AB' ગ્રુપનું પરિણામ 69.44% આવ્યું છે. માધ્યમ મુજબ જોઈએ તો, અંગ્રેજી માધ્યમનું પરિણામ 85.13% અને ગુજરાતી માધ્યમનું પરિણામ 84.32% નોંધાયું છે. આ ઉપરાંત હિન્દી માધ્યમનું 63.30%, મરાઠીનું 71.52% અને ઉર્દૂ માધ્યમનું પરિણામ 85.71% રહ્યું છે.
ગ્રેડ મેળવનાર વિદ્યાર્થીઓની સંખ્યા
* A1 ગ્રેડ: 1,576 વિદ્યાર્થીઓ
* A2 ગ્રેડ: 11,756 વિદ્યાર્થીઓ
* B1 ગ્રેડ: 19,310 વિદ્યાર્થીઓ
* B2 ગ્રેડ: 20,791 વિદ્યાર્થીઓ
* C1 ગ્રેડ: 20,859 વિદ્યાર્થીઓ
દિવ્યાંગ ઉમેદવારોનું પ્રોત્સાહક પરિણામ
આ પરીક્ષામાં કુલ 194 દિવ્યાંગ ઉમેદવારો ઉપસ્થિત રહ્યા હતા, જેમાંથી 157 ઉમેદવારો પ્રમાણપત્ર મેળવવાને પાત્ર થયા છે. બોર્ડ દ્વારા 20% પાસિંગ સ્ટાન્ડર્ડના લાભ સાથે 36 દિવ્યાંગ વિદ્યાર્થીઓને સફળ જાહેર કરવામાં આવ્યા છે.
પૂરક પરીક્ષા અને ટેકનોલોજીનો ઉપયોગ
અધ્યક્ષ મુકેશ પંડયાએ જણાવ્યું કે જે વિદ્યાર્થીઓ સફળ નથી થઈ શક્યા તેમના માટે તમામ વિષયોની પૂરક પરીક્ષા યોજાશે, જેમાં તેમને "Best of Two" નો લાભ મળશે. પરીક્ષા દરમિયાન પારદર્શિતા જાળવવા માટે 'PAPER BOX AUTHENTICATION AND TRACKING APPLICATION' અને GPS તેમજ CCTV મોનીટરીંગનો વ્યાપક ઉપયોગ કરવામાં આવ્યો હતો.
પરિણામ પ્રસિદ્ધિના આ અવસરે બોર્ડના મદદનીશ સચિવ પી.આર.દેસાઈ, નાયબ નિયામક ડૉ. એન.ડી. પટેલ અને નાયબ અધ્યક્ષ એ. બી. રાદડિયાએ તમામ સફળ વિદ્યાર્થીઓને ઉજ્જવળ ભવિષ્યની શુભકામનાઓ પાઠવી છે.
રીઝલ્ટ ની વિગતવાર માહિતી વાંચવા માટે આ સાથે આપેલ pdf ફાઈલ ડાઉનલોડ કરો...
(10:40 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
