News of Sunday, 21st June 2026
ગાંધીનગરમાં ૨૩ જૂને "ગુજરાત ટુ ગ્લોબલ : એમ્પાવરિંગ ધ મેડટેક ઇકોસિસ્ટમ" ઉચ્ચ સ્તરીય પરિષદનું ભવ્ય આયોજન કરાશે
જીઆરઆઈટી અને ઇપીસીએમડી ઇન્ડિયા ના સંયુક્ત ઉપક્રમે યોજાનારા આ મિશનમાં વૈશ્વિક મેડિકલ ડિવાઇસ માર્કેટમાં ગુજરાતના નિકાસલક્ષી ઉત્પાદનોની ઉડાનને ગતિ અપાશે

ગાંધીનગર:ગુજરાત રાજ્ય ઇન્સ્ટિટ્યુશન ફોર ટ્રાન્સફોર્મેશન-GRIT અને ભારત સરકાર દ્વારા સ્થાપિત એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ ફોર મેડિકલ ડિવાઇસિસ-EPCMD India ના સંયુક્ત ઉપક્રમે આગામી ૨૩ જૂન, ૨૦૨૬ મંગળવારના રોજ ગાંધીનગર ખાતે એક અત્યંત મહત્વપૂર્ણ પરિષદનું આયોજન કરવામાં આવ્યું છે. "ગુજરાત ટુ ગ્લોબલ: એમ્પાવરિંગ ધ મેડટેક ઇકોસિસ્ટમ" શીર્ષક હેઠળ યોજાનારી આ ઉચ્ચ પરિષદનો મુખ્ય ઉદ્દેશ્ય સ્થાનિક સ્તરે તબીબી ઉપકરણોની ઉત્પાદન ક્ષમતા વધારવા અને વૈશ્વિક બજારોમાં ભારતીય ઉત્પાદનોના પ્રવેશ વચ્ચેના અંતરને દૂર કરવાનો છે. આ ભવ્ય મંચ પર દેશના અગ્રણી નીતિ નિર્માતાઓ, વિવિધ નિયમનકારી સંસ્થાઓના ઉચ્ચ અધિકારીઓ અને મેડિકલ ઇન્ડસ્ટ્રીના અગ્રણીઓને એકસાથે લાવીને વિસ્તૃત વિચાર-વિમર્શ કરવામાં આવશે.
આ ખાસ પરિષદ એવા સમયે યોજાઈ રહી છે જ્યારે ગુજરાતનું મેડિકલ ડિવાઇસ ક્ષેત્ર એક નવા ઐતિહાસિક તબક્કામાં પ્રવેશી રહ્યું છે. રાજકોટ નજીક આવેલા નાગલપર મેડિકલ ડિવાઇસ પાર્કના સક્રિય બનવાની સાથે જ, રાજ્યના ઉત્પાદકો હવે સામાન્ય એસેમ્બલીની મર્યાદિત કામગીરીમાંથી બહાર નીકળીને ઉચ્ચ ટેકનોલોજી આધારિત અને નિકાસલક્ષી વૈશ્વિક ઉત્પાદનો તરફ મજબૂતાઈથી આગળ વધી રહ્યા છે. આ સમગ્ર ઉચ્ચ સ્તરીય કાર્યક્રમની અધ્યક્ષતા GRITના સીઇઓ (CEO) શ્રીમતી એસ. અપર્ણા દ્વારા કરવામાં આવશે. આ ઇવેન્ટમાં ભારત સરકારના ફાર્માસ્યુટિકલ્સ વિભાગ તેમજ વાણિજ્ય વિભાગના વરિષ્ઠ અધિકારીઓ ઉપરાંત સરકાર અને ઉદ્યોગ જગતના બે ડઝનથી પણ વધુ પ્રતિષ્ઠિત પ્રતિનિધિઓ અલગ-અલગ તકનીકી સત્રોમાં સક્રિયપણે ભાગ લઈને પોતાનું માર્ગદર્શન પૂરું પાડશે.
દિવસભર ચાલનારી આ પરિષદના પ્રથમ સત્રની શરૂઆત નીતિ અને ઉદ્યોગ સંબંધિત મુખ્ય મુદ્દાઓથી થશે, જેમાં "૨૦૩૦ રોડમેપ: દેશના ૩૦ અબજ ડોલરના મેડટેક વિઝનમાં ગુજરાતની ભૂમિકા" વિષય પર વિશેષ રજૂઆત કરી ભવિષ્યના આયોજનનો પરિપ્રેક્ષ્ય રજૂ કરાશે. ત્યારબાદ, ગુજરાતના સ્થાનિક ઉત્પાદકોના દૃષ્ટિકોણથી નીતિગત બાબતો, નિયમનકારી માળખું અને વૈશ્વિક બજાર સુધી પહોંચવામાં નડતા પડકારો અંગે ખુલ્લો સંવાદ યોજાશે. આ સત્રમાં કેન્દ્રીય ફાર્માસ્યુટિકલ્સ વિભાગ, વાણિજ્ય વિભાગ અને CDSCO ના વરિષ્ઠ સરકારી અધિકારીઓ ઉપરાંત એસએમટી (SMT), બીપીએલ (BPL), મેરિલ લાઇફ સાયન્સીસ (Meril Life Sciences) અને ફિલિપ્સ ઇન્ડિયા (Philips India) જેવી નામાંકિત અગ્રણી કંપનીઓના પ્રતિનિધિઓ ખાસ ઉપસ્થિત રહીને ચર્ચા કરશે.
પરિષદના એક વિશેષ તકનીકી સત્રમાં તબીબી ઉપકરણો માટે વૈશ્વિક નિયમનકારી મંજૂરીઓ મેળવવા અંગેનું નિર્ણાયક માળખું સમજાવવામાં આવશે. જેમાં યુએસ એફડીએ (FDA) ના વિવિધ મંજૂરી માર્ગો જેવા કે 510(k), De Novo, PMA તેમજ યુરોપિયન યુનિયનના EU MDR અને IVDR ની જટિલ આવશ્યકતાઓ સાથે સ્થાનિક ઉત્પાદનોની સુસંગતતા કેવી રીતે સ્થાપિત કરવી તે અંગે વિગતવાર ચર્ચા થશે. આ સત્રમાં CDSCO, FDA ની અધિકૃત થર્ડપાર્ટી સમીક્ષા સંસ્થાઓ અને યુરોપિયન નોટિફાઇડ બોડીઝના વૈશ્વિક નિષ્ણાતો ઉત્પાદકોને માર્ગદર્શન આપશે. ત્યારબાદના સત્રમાં આંતરરાષ્ટ્રીય બજારો માટે નિકાસલક્ષી ગુણવત્તા નિર્માણ પર ધ્યાન કેન્દ્રિત કરાશે, જેમાં ZED પરિમાણોને વૈશ્વિક સ્ટાન્ડર્ડ સાથે સાંકળવા અને મુક્ત વેપાર કરારો (FTA) નો અસરકારક ઉપયોગ કરવાની વ્યૂહરચના પર ઇન્વેસ્ટ ઇન્ડિયા (Invest India), એડીએમઆઈ (ADMI), પેનાસિયા મેડિકલ ટેક્નોલોજીસ અને વિપ્રો જીઇ હેલ્થકેર (Wipro GE Healthcare) ના નિષ્ણાતો પોતાના મંતવ્યો રજૂ કરશે.
આ ભવ્ય પરિષદનું અંતિમ સત્ર ગુજરાતના મેડિકલ ડિવાઇસ પાર્ક માટે એક મજબૂત અને સહાયક ઇકોસિસ્ટમ વિકસાવવા પર કેન્દ્રિત રહેશે. આ સત્રમાં ઉદ્યોગો માટે જરૂરી પાયાની સુવિધાઓ, કાનૂની અને નિયમનકારી સહાય, નવીન સંશોધનો, સપ્લાય ચેઇનનું સ્થાનિકીકરણ, કૌશલ્ય વિકાસ તેમજ શૈક્ષણિક સંસ્થાઓ અને ઉદ્યોગો વચ્ચેના પરસ્પર સહયોગ જેવા મહત્વના મુદ્દાઓ પર વ્યાપક મંથન કરવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાત રાજ્ય ઇન્સ્ટિટ્યુશન ફોર ટ્રાન્સફોર્મેશન-GRIT એ રાજ્યનું સર્વોચ્ચ નીતિવિષયક વિચારમંચ (થિંક ટેન્ક) છે જે શાસન સુધારણા અને વિકાસની વ્યૂહરચનાઓ ઘડે છે, જ્યારે ભારત સરકારના ફાર્માસ્યુટિકલ્સ વિભાગ હેઠળ કાર્યરત EPCMD India દેશના તબીબી ઉપકરણોના વૈશ્વિક નિકાસ પ્રોત્સાહનની મુખ્ય જવાબદારી સંભાળે છે.
(12:54 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
