News of Thursday, 19th November 2026
આદિજાતિ વિદ્યાર્થીઓના શૈક્ષણિક ઉત્કર્ષ માટે પ્રતિબદ્ધ ગુજરાત સરકાર : પ્રિ-મેટ્રિક શિષ્યવૃત્તિ યોજના હેઠળ છેલ્લાં પાંચ વર્ષમાં ₹438.27 કરોડના ખર્ચે 58.38 લાખથી વધુ વિદ્યાર્થીઓને સહાય
પોસ્ટ-મેટ્રિક શિષ્યવૃત્તિ યોજના હેઠળ પાંચ વર્ષમાં ₹420.28 કરોડના ખર્ચે 32,226 આદિજાતિ વિદ્યાર્થિનીઓને સહાય અપાઈ : પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ માટે રાજ્ય સરકાર દ્વારા આવકમર્યાદા ₹2.50 લાખથી વધારીને ₹6 લાખ કરાઈ

ગાંધીનગર તા .૧૯વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા ત્યારથી જ આદિજાતિ બાંધવોના સર્વાંગી વિકાસનો સંકલ્પ કર્યો હતો. આજે અંબાજીથી ઉમરગામ સુધી આદિવાસી વિસ્તારમાં શિક્ષણ, સુવિધાઓ, યોજનાઓ અને આર્થિક ગતિવિધિઓનો વ્યાપ નિરંતર વધી રહ્યો છે. આદિજાતિ વિદ્યાર્થીઓના શૈક્ષણિક ઉત્કર્ષ માટે ગુજરાત સરકાર દ્વારા પ્રિ-મેટ્રિક અને પોસ્ટ-મેટ્રિક શિષ્યવૃત્તિ યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં છેલ્લાં પાંચ વર્ષમાં રાજ્ય સરકારની પ્રિ-મેટ્રિક શિષ્યવૃત્તિ યોજના હેઠળ ₹438.27 કરોડના ખર્ચે 58.38 લાખથી વધુ વિદ્યાર્થીઓને સહાય આપવામાં આવી છે. જ્યારે પોસ્ટ-મેટ્રિક શિષ્યવૃત્તિ યોજના હેઠળ ₹420.28 કરોડના ખર્ચે 32,226 આદિજાતિ વિદ્યાર્થિનીઓને સહાય આપવામાં આવી છે.
પ્રિ-મેટ્રિક શિષ્યવૃત્તિ: પાંચ વર્ષમાં ₹438.27 કરોડના ખર્ચે 58.38 લાખથી વધુ વિદ્યાર્થીઓને સહાય
ગુજરાત સરકારની પ્રિ-મેટ્રિક શિષ્યવૃત્તિ યોજના હેઠળ ધોરણ 1થી 10માં અભ્યાસ કરતા તમામ અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓને કૌટુંબિક આવકમર્યાદા ધ્યાને લીધા વિના સહાય આપવામાં આવે છે. વર્ષ 2021-22થી 2025-26 દરમિયાન આ યોજના હેઠળ ₹438.27 કરોડના ખર્ચે 58.38 લાખથી વધુ વિદ્યાર્થીઓને સહાય આપવામાં આવી છે.
યોજના હેઠળ ધોરણ 1થી 5ના વિદ્યાર્થીઓને ₹750, ધોરણ 6થી 8ના કુમારોને ₹750 અને કન્યાઓને ₹1,000, જ્યારે ધોરણ 9 અને 10ના વિદ્યાર્થીઓને ₹1,000ની સહાય મળે છે. અતિ-પછાત જૂથોના વિદ્યાર્થીઓને ધોરણ 1થી 5 અને 6થી 8 માટે ₹1,000 તથા ધોરણ 9 અને 10 માટે ₹1,500ની સહાય આપવામાં આવે છે.
આ ઉપરાંત, ભારત સરકારની પ્રિ-મેટ્રિક શિષ્યવૃત્તિ યોજના હેઠળ ધોરણ 9 અને 10ના આદિજાતિ વિદ્યાર્થીઓને વાર્ષિક ₹3,000 (ડે-સ્કોલર) અને ₹6,250 (હોસ્ટેલર)ની સહાય આપવામાં આવે છે. આ યોજના માટે કુટુંબની વાર્ષિક આવક ₹2.50 લાખથી ઓછી હોવી જરૂરી છે, જ્યારે અનાથ વિદ્યાર્થીઓને આવકમર્યાદામાંથી મુક્તિ આપવામાં આવી છે. વર્ષ 2021-22થી 2025-26 દરમિયાન ભારત સરકારની પ્રિ-મેટ્રિક શિષ્યવૃત્તિ યોજના હેઠળ ₹184.19 કરોડના ખર્ચે 5.37 લાખથી વધુ વિદ્યાર્થીઓને સહાય આપવામાં આવી છે.
પોસ્ટ-મેટ્રિક શિષ્યવૃત્તિ: પાંચ વર્ષમાં ₹420 કરોડથી વધુના ખર્ચે 32,226 આદિજાતિ વિદ્યાર્થિનીઓને સહાય
આદિજાતિ વિદ્યાર્થિનીઓના ઉચ્ચ શિક્ષણને પ્રોત્સાહન આપવા ગુજરાત સરકાર દ્વારા વિશેષ પોસ્ટ-મેટ્રિક શિષ્યવૃત્તિ યોજના અમલમાં મૂકવામાં આવી છે. વર્ષ 2021-22થી 2025-26 દરમિયાન આ યોજના હેઠળ ₹420.28 કરોડના ખર્ચે 32,226 વિદ્યાર્થિનીઓને સહાય આપવામાં આવી છે.
પોસ્ટ-મેટ્રિક શિષ્યવૃત્તિ હેઠળ ધોરણ 10 પછી ઉચ્ચ અભ્યાસ કરતા પાત્ર વિદ્યાર્થીઓને અભ્યાસક્રમના પ્રકાર અને ડે-સ્કોલર કે હોસ્ટેલર હોવાના આધારે સ્ટાઇપેન્ડ તથા નોન-રીફંડેબલ ફીની સહાય આપવામાં આવે છે. ગુજરાત સરકારની વિશેષ પોસ્ટ-મેટ્રિક યોજના હેઠળ આદિજાતિ વિદ્યાર્થિનીઓને કુટુંબની આવકમર્યાદા વિના લાભ આપવામાં આવે છે. જ્યારે ભારત સરકારની પોસ્ટ-મેટ્રિક યોજના હેઠળ કુટુંબની વાર્ષિક આવક ₹2.50 લાખથી ઓછી હોવી જરૂરી છે. અનાથ વિદ્યાર્થીઓને આ આવકમર્યાદામાંથી મુક્તિ આપવામાં આવી છે. વર્ષ 2021-22થી 2025-26 દરમિયાન ભારત સરકારની પોસ્ટ-મેટ્રિક શિષ્યવૃત્તિ યોજના હેઠળ ₹2,830.77 કરોડના ખર્ચે 11.39 લાખથી વધુ વિદ્યાર્થીઓને સહાય આપવામાં આવી છે.
પોસ્ટ-મેટ્રિક શિષ્યવૃત્તિ માટે રાજ્ય સરકાર દ્વારા આવકમર્યાદા ₹2.50 લાખથી વધારીને ₹6 લાખ કરવામાં આવી
આદિજાતિ વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ માટે શિષ્યવૃત્તિનો લાભ મળી રહે તે હેતુથી રાજ્ય સરકારે પોસ્ટ-મેટ્રિક શિષ્યવૃત્તિ માટેની વાર્ષિક કૌટુંબિક આવકમર્યાદા ₹2.50 લાખથી વધારીને ₹6 લાખ કરી છે. ભારત સરકારની પોસ્ટ-મેટ્રિક શિષ્યવૃત્તિ યોજનામાં વાર્ષિક કૌટુંબિક આવક ₹2.50 લાખથી ઓછી હોવાની મર્યાદા છે. આથી, આ મર્યાદા કરતાં વધુ અને ₹6 લાખ સુધીની વાર્ષિક કૌટુંબિક આવક ધરાવતા પાત્ર આદિજાતિ વિદ્યાર્થીઓને પણ રાજ્ય સરકાર દ્વારા શિષ્યવૃત્તિનો લાભ આપવામાં આવે છે. જ્યારે આદિજાતિ વિદ્યાર્થિનીઓને રાજ્ય સરકારની વિશેષ પોસ્ટ-મેટ્રિક શિષ્યવૃત્તિ યોજના હેઠળ આવકમર્યાદા વિના સહાય આપવામાં આવે છે.
ઉલ્લેખનીય છે કે, રાજ્ય સરકારની શિષ્યવૃત્તિ યોજનાઓ માટે અરજીઓ ડિજિટલ ગુજરાત પોર્ટલ મારફતે મેળવવામાં આવે છે. ચકાસણી અને મંજૂરીની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ સહાયની રકમ સીધી લાભાર્થીના બૅન્ક ખાતામાં જમા કરવામાં આવે છે.
(4:12 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
