<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 1st August 2026

ગુજરાત સરકારનો રાજ્યના કર્મચારીઓના હિતમાં મોટો નિર્ણય : ૧ એપ્રિલ ૨૦૦૫ પહેલાં રહેમરાહે નિમણૂક મેળવનાર કે ભલામણ પામેલ કર્મચારીઓને મળશે જૂની પેન્શન યોજનાનો લાભ

સામાન્ય વહીવટ વિભાગના નાયબ સચિવ વસીમ ચૌહાણ દ્વારા મહત્વપૂર્ણ ઠરાવ જાહેર : લાભાર્થી કર્મચારીઓએ ૩ માસની અંદર અરજી કરવાની રહેશે : રાજ્યપાલના હુકમથી નિર્ણય અમલી

(અશ્વિન વ્યાસ દ્વારા) ગાંધીનગર: ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા ચાલુ નોકરી દરમ્યાન અવસાન પામનાર વર્ગ-૩ અને વર્ગ-૪ના કર્મચારીઓના વારસદારો માટે એક અત્યંત મહત્વપૂર્ણ અને રાહતરૂપ નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્ય સરકાર દ્વારા તારીખ ૦૧/૦૮/૨૦૨૬ના રોજ બહાર પાડવામાં આવેલા અધિકૃત ઠરાવ (ક્રમાંક: રહમ/૧૦૨૦૧૮/યુ.ઓ./૨૦૧/કા.મૂ.અ.) મુજબ, રહેમરાહે નિમણૂક પામેલા કર્મચારીઓને જૂની પેન્શન યોજના (OPS) નો લાભ આપવાની મંજૂરી આપવામાં આવી છે.

 

સરકારના ઠરાવ મુજબના મુખ્ય નિયમો અને પાત્રતા:

રાજ્ય સરકારના સામાન્ય વહીવટ વિભાગના નાયબ સચિવ વસીમ ચૌહાણની સહીથી પ્રસિદ્ધ થયેલા આ ઠરાવ અન્વયે નીચે મુજબના કિસ્સાઓમાં આવરી લેવાયેલા કર્મચારીઓને નાણા વિભાગના તારીખ ૦૮/૧૧/૨૦૨૪ અને તારીખ ૧૬/૦૪/૨૦૨૫ના ઠરાવોની જોગવાઈઓ મુજબ જૂની પેન્શન યોજનાનો લાભ આપવામાં આવશે:

૧. સામાન્ય વહીવટ વિભાગના તા.૧૫/૦૬/૨૦૦૪ના ઠરાવ મુજબ તા.૧૫/૦૬/૨૦૦૪ થી તા.૩૧/૦૩/૨૦૦૫ સુધીમાં અર્થાત તા.૦૧/૦૪/૨૦૦૫ પહેલાં રહેમરાહે નિમણૂક પામેલ હોય તેવા કર્મચારીઓ.

૨. તા.૧૫/૦૬/૨૦૦૪ થી તા.૩૧/૦૩/૨૦૦૫ સુધીમાં અર્થાત તા.૦૧/૦૪/૨૦૦૫ પહેલાં ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ અથવા પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ દ્વારા રહેમરાહે નિમણૂક માટે ફાળવણી (ભલામણ) કરવામાં આવેલ હોય, પરંતુ તા.૦૧/૦૪/૨૦૦૫ પછી નિમણૂક આપવામાં આવી હોય તેવા કર્મચારીઓ.

૩. ઉક્ત બંને કિસ્સાઓ મુજબ નિમણૂક કે ભલામણ મેળવ્યા બાદ તા.૦૧/૦૪/૨૦૦૫ પછી ફિક્સ પગારનો નિયત સમયગાળો પૂર્ણ કરીને નિયમિત નિમણૂક પામેલ હોય તેવા તમામ કર્મચારીઓ આ યોજના માટે પાત્ર ઠરશે.

 

૩ મહિનામાં અરજી કરવી ફરજિયાત:

આ ઠરાવમાં સ્પષ્ટપણે જણાવવામાં આવ્યું છે કે જૂની પેન્શન યોજનાનો લાભ મેળવવા માટે પાત્રતા ધરાવતાં અધિકારીઓ અને કર્મચારીઓએ આ ઠરાવ પ્રસિદ્ધ થયાની તારીખથી ૩ (ત્રણ) માસની અંદર સંબંધિત કચેરી ખાતે નિયમાનુસાર અરજી કરવાની રહેશે. આ પ્રક્રિયા સંદર્ભે નાણા વિભાગની તા.૦૮/૧૧/૨૦૨૪ તથા તા.૧૬/૦૪/૨૦૨૫ની અન્ય તમામ સૂચનાઓનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે.

 

આ મહત્વપૂર્ણ નિર્ણય નાણા વિભાગની તા.૧૮/૦૯/૨૦૨૫ તથા સરકારની તા.૦૧/૦૮/૨૦૨૬ની નોંધથી મળેલી મંજૂરી અન્વયે ગુજરાતના રાજ્યપાલના હુકમથી અને તેમના નામે જાહેર કરવામાં આવ્યો છે. આ ઠરાવની નકલ રાજ્યપાલના અગ્રસચિવ, મુખ્યમંત્રીના અધિક મુખ્યસચિવ, તમામ મંત્રીઓના અંગત સચિવો, હાઈકોર્ટના રજિસ્ટ્રાર તેમજ તમામ વિભાગો અને ખાતાના વડાઓને જાણ તથા યોગ્ય અમલવારી અર્થે મોકલી આપવામાં આવી છે.

(9:20 PM IST)