News of Monday, 1st June 2026
ગુજરાત સરકારના કાયદા વિભાગ દ્વારા સચિવાલય સેવાના ૧૮ સેકશન અધિકારીઓને હંગામી ધોરણે ‘ઇન-સીટુ’ બઢતીના હુકમો જાહેર : વર્ગ-૨ માંથી ઉપ સચિવ વર્ગ-૧ સંવર્ગના પગાર ધોરણમાં અપગ્રેડેશન સાથે મોટી નિમણૂક : જુઓ લિસ્ટ
કાયદા વિભાગ, ગૃહ વિભાગ તેમજ વૈધાનિક અને સંસદીય બાબતોના વિભાગમાં ફરજ બજાવતા અધિકારીઓની જે-તે હાલની જગ્યાઓ પર જ બઢતી સાથે બદલી સમાન કામગીરી સોંપાઈ

ગાંધીનગર: ગુજરાત સરકારના કાયદા વિભાગ, સચિવાલય દ્વારા વહીવટી માળખાને વધુ મજબૂત અને ગતિશીલ બનાવવા માટે એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. કાયદા વિભાગના સત્તાવાર સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, સચિવાલય સેવાના વર્ગ-૨ ના સેકશન અધિકારી (કાયદાકીય બાજુ) સંવર્ગમાં ફરજ બજાવતા કુલ ૧૮ અધિકારીઓને ઉપ સચિવ (કાયદાકીય બાજુ) વર્ગ-૧ સંવર્ગમાં હંગામી ધોરણે ‘ઇન-સીટુ’ (In-situ) બઢતી આપવામાં આવી છે. ઇન્ચાર્જ ઉપ સચિવ (મહેકમ) સી.વી. બ્રહ્મભટ્ટ દ્વારા રાજ્યપાલના હુકમથી આ અંગેની સત્તાવાર અધિસૂચના ક્રમાંક: મહક/૧૦૨૦૨૫/૩૫૯/ફ-૧ જારી કરવામાં આવી છે.
પગાર ધોરણમાં મોટો ફાયદો અને જગ્યાઓ અપગ્રેડ કરાઈ
આ હુકમો અન્વયે બઢતી મેળવનારા તમામ અધિકારીઓને પે-મેટ્રિક્સ લેવલ-૮ (રૂ. ૪૪,૯૦૦ થી રૂ. ૧,૪૨,૪૦૦) ના પગાર ધોરણમાંથી સીધા જ પે-મેટ્રિક્સ લેવલ-૧૦ (રૂ. ૫૬,૧૦૦ થી રૂ. ૧,૭૭,૫૦૦/-) ના ઉપ સચિવ સંવર્ગના ઉચ્ચ પગાર ધોરણમાં મૂકવામાં આવ્યા છે. બોર્ડના નિયમો અનુસાર, આ તમામ અધિકારીઓ હાલની જગ્યાએ કામગીરી બજાવે ત્યાં સુધી તેમની જે-તે સેકશન અધિકારીની જગ્યાને ઉપ સચિવ સંવર્ગમાં અપગ્રેડ થયેલી ગણવામાં આવશે. આગામી સમયમાં જ્યારે આ અધિકારીઓના વિગતવાર નિમણૂકના અલગથી હુકમો થશે અને તેઓ નવી જગ્યાએ હાજર થશે, ત્યારથી આ જગ્યાઓ ફરીથી સેકશન અધિકારી સંવર્ગમાં ડાઉનગ્રેડ થઈ જશે.
કયા અધિકારીને કઈ જગ્યા પરથી કઈ જગ્યાએ મુકાયા તેની વિગતવાર યાદી:
બઢતી મેળવનારા તમામ ૧૮ અધિકારીઓની અગાઉની ફરજની જગ્યા અને હાલમાં તેઓને કઈ કચેરી કે વિભાગ હેઠળ કઈ જગ્યાએ મૂકવામાં આવ્યા છે તેની સંપૂર્ણ વિગતો નીચે મુજબ છે:
* યુ.બી. દેસાઇ: તેઓ સરકારી વકીલની કચેરી, કાયદા વિભાગ ખાતે સેકશન અધિકારી તરીકે કાર્યરત હતા, તેઓને તે જ જગ્યાએ ઉપ સચિવ તરીકે બઢતી સાથે કામગીરી સોંપાઈ છે.
* જે.એસ. ખટાણા: કાયદા વિભાગના સેકશન અધિકારીમાંથી બઢતી આપી કાયદા વિભાગમાં જ રાખવામાં આવ્યા છે.
* એસ.એસ. ખટાણા: વૈધાનિક અને સંસદીય બાબતોના વિભાગના સેકશન અધિકારીમાંથી બઢતી આપી તે જ વિભાગમાં નિમણૂક અપાઈ છે.
* કે.પી. દેસાઈ: આર્બીટ્રેશન ટ્રીબ્યુનલ, કાયદા વિભાગના સેકશન અધિકારી તરીકે કાર્યરત હતા, જ્યાં તેઓને બઢતી સાથે યથાવત રખાયા છે.
* પી.કે. બારોટ: કાયદા વિભાગના સેકશન અધિકારીમાંથી બઢતી મેળવી કાયદા વિભાગમાં જ નિયુક્ત થયા છે.
* બી.ડી. પરમાર: કાયદા વિભાગના સેકશન અધિકારી તરીકે સેવા આપતા હતા, તેઓને કાયદા વિભાગમાં જ બઢતી અપાઈ છે.
* એ.બી. રાદડીયા: તેઓ મૂળ કાયદા વિભાગના સેકશન અધિકારી હતા અને “ઓર્ડર ટુ વર્ક" હેઠળ વૈધાનિક અને સંસદીય બાબતોના વિભાગમાં ફરજ બજાવતા હતા, તેઓને બઢતી બાદ તે જ વ્યવસ્થા હેઠળ ત્યાં જ નિયુક્ત કરાયા છે.
* શ્રીમતી એન.એચ. રાવલ: કાયદા વિભાગના સેકશન અધિકારી તરીકે ફરજ બજાવતા હતા, તેઓને કાયદા વિભાગમાં જ આગળની કામગીરી સોંપવામાં આવી છે.
* કે.વી. સારગાણી: કાયદા વિભાગના સેકશન અધિકારી હતા અને “ઓર્ડર ટુ વર્ક” હેઠળ ગૃહ વિભાગમાં કાર્યરત હતા, તેઓ બઢતી બાદ ગૃહ વિભાગમાં જ પોતાની સેવાઓ ચાલુ રાખશે.
* એમ.ટી. દેસાઈ: કાયદા વિભાગના સેકશન અધિકારીમાંથી બઢતી મેળવી કાયદા વિભાગમાં જ નિયુક્ત કરાયા છે.
* ટી.વાય. રાધનપુરા: વૈધાનિક અને સંસદીય બાબતોના વિભાગના સેકશન અધિકારીમાંથી બઢતી આપી તે જ વિભાગમાં રાખવામાં આવ્યા છે.
* શ્રીમતી એસ.એસ. પ્રજાપતિ: ગૃહ વિભાગના સેકશન અધિકારી તરીકે કાર્યરત હતા, તેઓને ગૃહ વિભાગમાં જ બઢતી સાથે નિમણૂક અપાઈ છે.
* શ્રીમતી જે.એમ. પરમાર: કાયદા વિભાગના સેકશન અધિકારીમાંથી બઢતી આપી કાયદા વિભાગમાં જ યથાવત રાખવામાં આવ્યા છે.
* આર.બી. કંથારીયા: વૈધાનિક અને સંસદીય બાબતોના વિભાગના સેકશન અધિકારી તરીકે સેવા આપતા હતા, તેઓને તે જ વિભાગમાં બઢતી અપાઈ છે.
* વી.આર. પંચાલ: વૈધાનિક અને સંસદીય બાબતોના વિભાગના સેકશન અધિકારીમાંથી બઢતી મેળવી તે જ વિભાગમાં નિયુક્ત થયા છે.
* વી.બી. નાગર: કાયદા વિભાગના સેકશન અધિકારી હતા અને “ઓર્ડર ટુ વર્ક” હેઠળ ગૃહ વિભાગમાં ફરજ પર હતા, તેઓ બઢતી બાદ પણ ગૃહ વિભાગમાં જ કાર્યરત રહેશે.
* એમ.એલ. મોડીયા: કાયદા વિભાગના સેકશન અધિકારી તરીકે સેવા આપતા હતા, તેઓને કાયદા વિભાગમાં જ બઢતી સાથે રાખવામાં આવ્યા છે.
* એચ.બી. પટેલ: ગુજરાત રાજ્ય વકફ ટ્રીબ્યુનલ, કાયદા વિભાગના સેકશન અધિકારી તરીકે ફરજ બજાવતા હતા, તેઓને તે જ ટ્રીબ્યુનલમાં બઢતી સાથે નિયુક્ત કરાયા છે.
ઉચ્ચ વહીવટી શાખાઓને જાણ કરી દિન-૩ માં રેકોર્ડ પર લેવા આદેશ
કાયદા વિભાગ દ્વારા આ અધિસૂચનાની નકલ મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ, નાયબ મુખ્યમંત્રીના અંગત સચિવ, રાજ્ય કક્ષાના કાયદા મંત્રીના અંગત સચિવ, તેમજ મુખ્ય સચિવના અધિક સચિવને સત્તાવાર જાણ માટે મોકલી આપવામાં આવી છે. આ ઉપરાંત સામાન્ય વહીવટ વિભાગના અધિક મુખ્ય સચિવ (ક.ગ.) અને ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ સહિત તમામ સંબંધિત વિભાગોની મહેકમ અને રોકડ શાખાઓને પણ આ અંગે યોગ્ય કાર્યવાહી કરવા સૂચના અપાઈ છે. કાયદા વિભાગના ઇન્ચાર્જ સેકશન અધિકારી ડી.જે. ત્રિવેદીની સહીથી જારી કરાયેલી યાદી મુજબ, પગાર અને હિસાબી અધિકારી તેમજ તમામ સંબંધિત અધિકારીઓએ દિન-૩ માં પોતાની પસંદગી ફાઇલ-૨૦૨૬ ના આધારો સાથે જરૂરી વહીવટી નોંધ પૂર્ણ કરવાની રહેશે.
(3:45 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
