<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 26th April 2026

ગુજરાત લાઈવ: લોકશાહીનો જંગ જામ્યો

44 ડિગ્રીની આકરી ગરમી વચ્ચે મતદારોનો મિજાજ ગરમ, ક્યાંક મીણબત્તીના અજવાળે તો ક્યાંક ઈવીએમની અડચણ છતાં લોકશાહીના મહાપર્વમાં ઉત્સાહનો ઉમળકો, 9 વાગ્યા સુધીમાં સરેરાશ 5 ટકા મતદાન સાથે નેતાઓના શ્વાસ અધ્ધર

ગાંધીનગર: ગુજરાતમાં મિનિ વિધાનસભા સમાન સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો શંખનાદ ફૂંકાઈ ગયો છે અને સવારના પ્રથમ બે કલાકમાં જ લોકશાહીના રંગો જોવા મળી રહ્યા છે. રાજ્યના ખૂણેખૂણેથી આવતા અહેવાલો મુજબ સવારે 9 વાગ્યા સુધીમાં આશરે 5 ટકા જેટલું મધ્યમ મતદાન નોંધાયું છે. આ આંકડાઓમાં નગરપાલિકા વિસ્તારો 6.50 ટકા સાથે મોખરે રહ્યા છે, જ્યારે મહાનગરપાલિકાઓમાં હજુ મતદારોની સુસ્તી ઉડી નથી અને ત્યાં 4 ટકાની આસપાસ મતદાન થયું છે. 44 ડિગ્રીની ભયાનક ગરમી પડવાની આગાહી હોવાથી રાજકીય પક્ષો બપોર પહેલા વધુમાં વધુ મતદાન કરાવી લેવા માટે એડીચોટીનું જોર લગાવી રહ્યા છે, કારણ કે આ વખતે તમામ સંસ્થાઓની ચૂંટણી એકસાથે હોવાથી વ્યવસ્થાપનનો મોટો પડકાર સામે આવ્યો છે.

ચૂંટણી પ્રક્રિયા દરમિયાન ભરૂચ અને જામનગર જેવા શહેરોમાં અણધારી આફતો અને ટેકનિકલ ખામીઓએ તંત્રની ઊંઘ ઉડાડી દીધી હતી. ભરૂચમાં અચાનક વીજ પુરવઠો ગુલ થઈ જતાં મતદાન કેન્દ્રો પર અંધારપટ છવાયો હતો, પરંતુ લોકશાહી પ્રત્યેની અતૂટ આસ્થા જોતા કર્મચારીઓએ મીણબત્તીના પ્રકાશમાં મતદાન પ્રક્રિયા ચાલુ રાખી હતી. બીજી તરફ જામનગરમાં અનેક બૂથ પર ઈવીએમ મશીનો ખોટકાયા હોવાની ફરિયાદો ઉઠી હતી, જેના કારણે એક કલાક જેટલો સમય મતદાન રોકાયેલું રહ્યું હતું. આ ટેકનિકલ અવરોધો છતાં મતદારોનો ઉત્સાહ ઓસયો નહોતો અને લોકો લાઈનમાં ઊભા રહીને પોતાની પસંદગીના ઉમેદવાર માટે રાહ જોતા નજરે પડ્યા હતા.

આ ચૂંટણીમાં માત્ર આંકડા જ નહીં પરંતુ માનવીય સંવેદનાઓ અને જાગૃતિના દ્રશ્યોએ પણ આકર્ષણ જમાવ્યું છે. સુરેન્દ્રનગરમાં શતાયુ વટાવી ચૂકેલા વૃદ્ધો અને રાજકોટના ગોંડલ પંથકમાં લગ્નના મંડપે જતાં પહેલા વરરાજાએ મતદાન કરીને નવી પેઢીને પ્રેરણા આપી છે. 25 હજારથી વધુ ઉમેદવારોનું ભાવિ આજે ઈવીએમમાં કેદ થઈ રહ્યું છે, ત્યારે ગ્રામીણ વિસ્તારોમાં ખેડૂતો અને શહેરોમાં યુવાનોની જંગી ભીડ પરથી એવું લાગે છે કે સાંજ સુધીમાં મતદાનનો આંકડો મોટો ઉછાળો મારી શકે છે. હવે જોવાનું એ રહેશે કે ગરમીનો પારો વધતા મતદારો ઘરે બેસી રહે છે કે પછી મતાધિકારનો ઉપયોગ કરીને પરિવર્તન અથવા પુનરાવર્તનની પટકથા લખે છે.

(10:44 AM IST)