<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 11th July 2026

ગુજરાતમાં ચોમાસુ 2026ની ધીમી શરૂઆત વચ્ચે અત્યાર સુધીમાં સરેરાશ 8.81 ઇંચ વરસાદ નોંધાયો : રાજ્યના જળાશયોમાં પાણીની આવક વધતાં કુલ 24.63 ટકા પાણીનો સંગ્રહ થયો : રાજ્યમાં ખરીફ પાકનું વાવેતર 21.74 ટકાએ પહોંચ્યું

છેલ્લા 24 કલાક સંપૂર્ણ કોરા ધાકોર રહ્યા છતાં જળસંકટ હળવું થયું : નર્મદા ડેમ 65.71 ટકા અને અન્ય 206 જળાશયો 41.06 ટકા ભરાયા : અમરેલી તથા ભાવનગર જિલ્લા સહિત રાજ્યના 10 ડેમો હાઈ એલર્ટ પર મુકાયા : 38 રસ્તાઓ વાહનવ્યવહાર માટે બંધ : 964 વીજ પોલ અને 119 ટ્રાન્સફોર્મર સેન્ટરનું સમારકામ કામગીરી હેઠળ : જાણો જિલ્લાવાર કુલ વરસાદની આંકડાકીય સ્થિતિ

ગાંધીનગર: રાજ્યમાં ચોમાસુ 2026ની સિઝન અત્યાર સુધી મધ્યમ રહી છે. રાજ્ય કક્ષાના ચોમાસાના સંકલિત અહેવાલ મુજબ, આજ સવારના, તા. 11.07.2026 નાં રોજ સવારે 06.00 કલાક સુધીમાં ગુજરાતમાં કુલ એકંદર 223.88 મિમિ એટલે કે 8.81 ઇંચ વરસાદ નોંધાયો છે, જે સિઝનના સરેરાશ વરસાદની સામે 24.63 ટકા જેટલો થવા જાય છે. પાછલા વર્ષોની સરખામણી કરીએ તો વર્ષ 2023માં 108.16 ટકા, વર્ષ 2024માં 143.14 ટકા અને વર્ષ 2025માં 128.57 ટકા વરસાદ નોંધાયો હતો, જેની સામે ચાલુ વર્ષે પ્રારંભિક વરસાદ ઓછો રહ્યો છે.

રાજ્યના કુલ તાલુકાઓ પૈકી 28 તાલુકામાં 0 થી 50 મિમિ, 88 તાલુકામાં 51 થી 125 મિમિ, 78 તાલુકામાં 126 થી 250 મિમિ, 35 તાલુકામાં 251 થી 500 મિમિ તેમજ 29 તાલુકામાં 501 થી 1000 મિમિ વરસાદ વરસ્યો છે, જ્યારે માત્ર 3 તાલુકાઓ એવા છે જ્યાં 1000 મિમિથી વધુ વરસાદ નોંધાયો છે. રીજીયન વાઈઝ સ્થિતિ પર નજર કરીએ તો દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ 534.92 મિમિ (21.05 ઇંચ) વરસાદ પડી ચૂક્યો છે, જ્યારે કચ્છ રીજીયનમાં સૌથી ઓછો માત્ર 9.60 મિમિ (0.37 ઇંચ) વરસાદ નોંધાયો છે. આ સિવાય ઉત્તર ગુજરાતમાં 102.93 મિમિ, પૂર્વ મધ્ય ગુજરાતમાં 141.74 મિમિ અને સૌરાષ્ટ્રમાં 210.44 મિમિ સરેરાશ વરસાદ નોંધાયો છે.

છેલ્લા 24 કલાકમાં 'નીલ' વરસાદ, માછીમારોને દરિયો ન ખેડવા ચેતવણી:
આશ્ચર્યજનક રીતે, છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના તમામ 268 તાલુકાઓમાં કોઈ વરસાદ નોંધાયો નથી અને સરેરાશ વરસાદ શૂન્ય મિમિ રહ્યો છે. આ જ પ્રમાણે સવારે 06.00 થી 10.00 વાગ્યા સુધીના સમયગાળામાં પણ તમામ જિલ્લાઓમાં વરસાદની સ્થિતિ નીલ રહી છે. જો કે, હવામાન વિભાગ (IMD) દ્વારા માછીમારો માટે દરિયા કિનારે ચેતવણી જારી કરવામાં આવી છે અને માછીમારોને તા. 11-07-2026 થી તા. 12-07-2026 સુધી દરિયો ન ખેડવા માટે કડક સૂચના આપવામાં આવી છે.

નર્મદા ડેમ સહિત જળાશયોની સ્થિતિ - 10 ડેમ હાઈ એલર્ટ પર:
વરસાદ ભલે ધીમો હોય પરંતુ ઉપરવાસની આવકના કારણે જળાશયોમાં પાણીની સ્થિતિ મજબૂત બની છે. સરદાર સરોવર નર્મદા નિગમ લિમિટેડ (નર્મદા ડેમ) માં હાલ 2,19,518 mcft પાણીનો સંગ્રહ છે, જે તેની કુલ ક્ષમતાના 65.71 ટકા છે. ડેમમાં હાલ 8833 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે અને નદીમાં 619 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. રાજ્યના અન્ય 206 જળાશયોમાં 2,29,079 mcft પાણીનો સંગ્રહ થયો છે, જે કુલ સંગ્રહ ક્ષમતાના 41.06 ટકા છે. આ પૈકી 06 ડેમ સંપૂર્ણ 100 ટકા ભરાઈ ચૂક્યા છે, જ્યારે 18 ડેમ 70 થી 100 ટકા અને 25 ડેમ 50 થી 70 ટકા ભરાયા છે.

પાણીની અતિશય આવકના લીધે રાજ્યના 10 ડેમોને 'હાઈ એલર્ટ' પર, 4 ડેમોને 'એલર્ટ' પર અને 10 ડેમોને 'વોર્નિંગ' પર રાખવામાં આવ્યા છે. અમરેલી જિલ્લાના રાજુલાનો ધાતરવડી અને ધાતરવાડી-II ડેમ, સાવરકુંડલાનો સૂરજવાડી ડેમ, ધારીનો ખોડિયાર ડેમ અને ખાંભાનો રાયડી ડેમ હાઈ એલર્ટ પર છે. આ ઉપરાંત ભાવનગર જિલ્લાના મહુવાનો રોજકી તથા માલણ ડેમ, પાલિતણાનો શેત્રુંજી ડેમ અને ઉમરાળાનો રંગહોલા ડેમ પણ હાઈ એલર્ટ પર મુકાયા છે. તાપી જિલ્લાના સોનગઢનો દોસવાડા ડેમ પણ 100 ટકા ભરાઈ જતાં હાઈ એલર્ટ પર છે. સુરેન્દ્રનગરના ચુડાનો વંસલ ડેમ, મહીસાગરના બાલાસિનોરનો વણાકબોરી ડેમ, જૂનાગઢના માણાવદરનો બાંટવા-ખારો ડેમ અને ગીર સોમનાથના ગીર-ગઢડાનો રાવલ ડેમ હાલ એલર્ટ પર રાખવામાં આવ્યા છે. મુખ્ય ડેમોની સ્થિતિ જોઈએ તો શેત્રુંજી ડેમ 100 ટકા, સુખી ડેમ 72.68 ટકા, પાનમ 55.97 ટકા, હાથ મતી 49.03 ટકા, ધરોઈ 47.01 ટકા અને ઉકાઈ ડેમ 39.43 ટકા ભરાયેલ છે.

8 હજારથી વધુ લોકોનું સ્થળાંતર, સુરતમાં સૌથી વધુ રેસ્ક્યુ કરાયા:
ચોમાસાની ચાલુ સિઝન દરમિયાન રાજ્યમાં વ્યાપક અસર જોવા મળી છે અને વહીવટી તંત્ર દ્વારા અત્યાર સુધીમાં કુલ 8,324 લોકોનું સુરક્ષિત સ્થળોએ સ્થળાંતર કરવામાં આવ્યું છે, જ્યારે 3,711 લોકોનું સફળતાપૂર્વક રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. સૌથી વધુ પ્રભાવિત સુરત જિલ્લામાં 4,683 લોકોનું સ્થળાંતર અને 3,416 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. નવસારી જિલ્લામાં 2,113 લોકોનું સ્થળાંતર અને 120 લોકોનું રેસ્ક્યુ કરાયું છે. આ ઉપરાંત અમરેલીમાંથી 641 સ્થળાંતર અને 116 રેસ્ક્યુ, ગીર સોમનાથમાંથી 480 સ્થળાંતર અને 12 રેસ્ક્યુ તેમજ જૂનાગઢમાંથી 297 લોકોનું સ્થળાંતર અને 3 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે.

બચાવ કામગીરી માટે રાજ્યભરમાં NDRFની 12 ટીમો અને SDRFની 26 પ્લાટૂનો તૈનાત કરવામાં આવી છે. સુરતમાં NDRFની 2 અને SDRFની 5 ટીમો કાર્યરત છે. જ્યારે અમદાવાદમાં 2 SDRF અને અમરેલીમાં 2 NDRFની ટીમ તૈનાત છે. વડોદરા ખાતે અનામત રાખવામાં આવેલી 2 SDRF પ્લાટૂન પૈકી 1 પ્લાટૂનને ઉચ્ચ કક્ષાની સૂચના અનુસાર સુરત મહાનગરપાલિકાના હવાલે સોંપવામાં આવી છે.

વીજ પુરવઠો અને રસ્તાઓની સ્થિતિ - 38 રસ્તાઓ વાહનવ્યવહાર માટે બંધ
ભારે વરસાદના કારણે ઊર્જા વિભાગ (GUVNL) હેઠળ રાજ્યના 3,321 ગામો અને 6,734 ફીડરો પ્રભાવિત થયા હતા, જેને સંપૂર્ણપણે પૂર્વવત કરી દેવામાં આવ્યા છે. જો કે, હજુ પણ 964 વીજ પોલ અને 119 ટ્રાન્સફોર્મર સેન્ટરનું સમારકામ કામગીરી હેઠળ બાકી છે.

માર્ગ અને મકાન વિભાગના અહેવાલ મુજબ રાજ્યમાં કુલ 38 રસ્તાઓ વાહનવ્યવહાર માટે બંધ છે, જેમાં 1 સ્ટેટ હાઈવે, 3 અન્ય મુખ્ય માર્ગો અને પંચાયત હસ્તકના 35 રસ્તાઓનો સમાવેશ થાય છે. રસ્તા બંધ થવામાં સૌથી વધુ અમરેલી જિલ્લામાં 11 રસ્તા, જૂનાગઢમાં 8 રસ્તા, પોરબંદરમાં 7 રસ્તા અને ભાવનગરમાં 5 રસ્તાઓ બંધ છે, જ્યારે ખેડા જિલ્લામાં 1 સ્ટેટ હાઈવે બંધ હાલતમાં છે. એસટી નિગમ (GSRTC) દ્વારા જણાવ્યા અનુસાર ચોમાસા દરમિયાન હાલમાં કોઈ પણ રૂટ કે ટ્રીપ બંધ નથી અને તમામ વ્યવહાર પૂર્વવત ચાલુ છે.

ખરીફ પાકનું વાવેતર 21.74 ટકાએ પહોંચ્યું:
વરસાદી માહોલ વચ્ચે રાજ્યમાં ખરીફ પાકના વાવેતરમાં પણ વેગ આવ્યો છે. તારીખ 06-07-2026 સુધીની સ્થિતિએ રાજ્યમાં કુલ 18,54,564 હેક્ટરમાં પ્રગતિશીલ વાવેતર નોંધાયું છે, જે સામાન્ય વાવેતર વિસ્તારની સરખામણીએ 21.74 ટકા જેટલું થાય છે. સૌથી વધુ વાવેતર રોકડીયા પાક કપાસનું થયું છે, જે 9,31,926 હેક્ટરમાં (39.1 ટકા) નોંધાયું છે. તેલીબિયાં પાકોમાં મગફળીનું વાવેતર 6,28,888 હેક્ટર (32.83 ટકા) અને સોયાબીનનું વાવેતર 35,200 હેક્ટર થયું છે. ધાન્ય પાકોમાં ડાંગરનું વાવેતર 30,435 હેક્ટર અને જુવારનું વાવેતર 540 હેક્ટરમાં થયું છે, જ્યારે કઠોળ પાકોમાં તુવેરનું વાવેતર 14,097 હેક્ટર અને મગનું વાવેતર 540 હેક્ટરમાં પૂર્ણ થયું છે.

જિલ્લાવાર કુલ વરસાદની આંકડાકીય સ્થિતિ (મિમિમાં)
ચોમાસાની સિઝન દરમિયાન અત્યાર સુધીમાં રાજ્યના વિવિધ જિલ્લાઓમાં નોંધાયેલો કુલ વરસાદ નીચે મુજબ છે:
ડાંગ - 864 મિમિ (34.01 ઇંચ), નવસારી - 812 મિમિ (31.96 ઇંચ), વલસાડ - 774 મિમિ (30.47 ઇંચ), સુરત - 666 મિમિ (26.22 ઇંચ), જૂનાગઢ - 450 મિમિ (17.71 ઇંચ), તાપી - 427 મિમિ (16.81 ઇંચ), ગીર સોમનાથ - 411 મિમિ (16.18 ઇંચ), અમરેલી - 305 મિમિ (12.00 ઇંચ), પંચમહાલ - 263 મિમિ (10.35 ઇંચ), ભાવનગર - 215 મિમિ (8.46 ઇંચ), ભરૂચ - 200 મિમિ (7.87 ઇંચ), નર્મદા - 198 મિમિ (7.79 ઇંચ), મહીસાગર - 193 મિમિ (7.59 ઇંચ), બોટાદ - 155 મિમિ (6.10 ઇંચ), વડોદરા - 155 મિમિ (6.10 ઇંચ), અરવલ્લી - 142 મિમિ (5.59 ઇંચ), મહેસાણા - 140 મિમિ (5.51 ઇંચ), રાજકોટ - 138 મિમિ (5.43 ઇંચ), છોટાઉદેપુર - 134 મિમિ (5.27 ઇંચ), ખેડા - 132 મિમિ (5.19 ઇંચ), ગાંધીનગર - 123 મિમિ (4.84 ઇંચ), સુરેન્દ્રનગર - 121 મિમિ (4.76 ઇંચ), અમદાવાદ - 116 મિમિ (4.56 ઇંચ), પાટણ - 105 મિમિ (4.13 ઇંચ), સાબરકાંઠા - 105 મિમિ (4.13 ઇંચ), પોરબંદર - 98 મિમિ (3.85 ઇંચ), દાહોદ - 95 મિમિ (3.74 ઇંચ), આણંદ - 86 મિમિ (3.38 ઇંચ), જામનગર - 67 મિમિ (2.63 ઇંચ), વાવ-થરાદ - 62 મિમિ (2.44 ઇંચ), મોરબી - 56 મિમિ (2.20 ઇંચ), બનાસકાંઠા - 56 મિમિ (2.20 ઇંચ), કચ્છ - 10 મિમિ (0.39 ઇંચ), દેવભૂમિ દ્વારકા - 8 મિમિ (0.31 ઇંચ).

(10:48 AM IST)