News of Saturday, 20th June 2026
NEET UG પરીક્ષાને લઈને ગુજરાત પોલીસ હાઈ-એલર્ટ: ગેરરીતિ રોકવા અમદાવાદમાં 'થ્રી-લેયર' સુરક્ષાનું અભેદ્ય કવચ, કંટ્રોલ રૂમથી રાખાશે બાજ નજર
પેપર લીકની ઘટનાઓ બાદ તંત્ર સંપૂર્ણ સજ્જ; લાખો વિદ્યાર્થીઓના ભવિષ્યને સુરક્ષિત રાખવા CCTV થી લઈને સાયબર સર્વેલન્સ સુધીની આકરી તૈયારીઓ

અમદાવાદ, તા.20: દેશભરના લાખો મેડિકલના વિદ્યાર્થીઓ માટે અત્યંત મહત્વની અને પ્રતિષ્ઠાનો વિષય બનેલી NEET UG પરીક્ષા આવતીકાલે યોજાવા જઈ રહી છે. અગાઉ પેપર લીક અને ગેરરીતિના કડવા અનુભવો બાદ, આ વખતે ગુજરાત પોલીસ કોઈ પણ કચાશ રાખવા માંગતી નથી. અમદાવાદ સહિત રાજ્યભરમાં પરીક્ષા પારદર્શક અને તણાવમુક્ત વાતાવરણમાં સંપન્ન થાય તે માટે પોલીસ તંત્ર દ્વારા અભેદ્ય સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.
પરીક્ષાની તૈયારીઓ અંગે માહિતી આપતા અધિકારીઓએ જણાવ્યું કે, સમગ્ર સુરક્ષા વ્યવસ્થાને 'થ્રી-લેયર' સુરક્ષા કવચ આપવામાં આવ્યું છે. પરીક્ષા કેન્દ્રની બહાર BSF અને CAPF ના જવાનો તૈનાત રહેશે, જે કોઈ પણ પ્રકારની અનિચ્છનીય હિલચાલ પર કડક નજર રાખશે. આ ઉપરાંત, અમદાવાદ પોલીસ કમિશનર કચેરી ખાતે આવેલા અદ્યતન કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરથી રાજ્યના તમામ પરીક્ષા કેન્દ્રો અને તેની આસપાસની ગતિવિધિઓનું લાઈવ મોનિટરિંગ કરવામાં આવશે. દરેક સેન્ટર પર લગાવવામાં આવેલા CCTV કેમેરા પરીક્ષાર્થીઓ અને સેન્ટરમાં આવતા દરેક વ્યક્તિની એક-એક હિલચાલને કેદ કરશે.
ગેરરીતિઓ પર લગામ લગાવવા માટે સાયબર સેલને પણ એલર્ટ મોડ પર મૂકવામાં આવ્યું છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ જેવા કે WhatsApp, Telegram અને અન્ય મેસેજિંગ એપ્સ પર સતત ચાંપતી નજર રાખવામાં આવશે, જેથી પેપર લીક અંગેની કોઈ પણ અફવા કે ગતિવિધિને શરૂઆતમાં જ ડામી શકાય. આ સાથે 'ઇનપર્સનેશન' (બીજાના બદલે પરીક્ષા આપવી) જેવી પ્રવૃત્તિઓ અટકાવવા માટે વિદ્યાર્થીઓની કડક તપાસ (ફ્રિસ્કીંગ) કરવામાં આવશે. IGP મકરંદ ચૌહાણને નોડલ અધિકારી તરીકે નિયુક્ત કરીને સમગ્ર પ્રક્રિયાને NTAની માર્ગદર્શિકા મુજબ પારદર્શક બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.
નોંધનીય છે કે ગત 3 મેના રોજ આયોજિત NEET UG પરીક્ષામાં પેપર લીકના ગંભીર આરોપો લાગ્યા હતા, જેના કારણે 23 લાખ વિદ્યાર્થીઓની મહેનત પર પાણી ફરી વળ્યું હતું. આ કમનસીબ ઘટના બાદ સરકાર દ્વારા CBI તપાસના આદેશ પણ આપવામાં આવ્યા હતા. હવે આવતીકાલની પરીક્ષામાં વિદ્યાર્થીઓ કોઈપણ ડર વગર, શાંતિપૂર્ણ માહોલમાં પોતાનું શ્રેષ્ઠ પ્રદર્શન કરી શકે તે માટે ગુજરાત પોલીસ કટિબદ્ધ છે. તંત્ર દ્વારા તમામ વાલીઓ અને વિદ્યાર્થીઓને અપીલ કરવામાં આવી છે કે તેઓ અફવાઓથી દૂર રહે અને નિયત સમય મર્યાદામાં પરીક્ષા કેન્દ્ર પર પહોંચે.
(7:18 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
