News of Friday, 8th May 2026
ઈરાન-અમેરિકા વચ્ચેના ભીષણ જંગમાં ગુજરાતનું વહાણ ડૂબ્યું : સલાયાના યુવાન ખલાસીનું મોત : ૧૭નો આબાદ બચાવ
હોર્મુઝની સામુદ્રધુનીમાં ક્રોસ ફાયરિંગને કારણે 'MSV અલ ફૈઝ નૂરે સુલેમાની-1'માં ગાબડાં પડતા જળસમાધિ લીધી : અન્ય એક ભારતીય જહાજ 'પ્રેમ સાગર-1' એ સમયસૂચકતા વાપરી ડૂબતા ખલાસીઓને ઉગાર્યા

સલાયા:આંતરરાષ્ટ્રીય જળસીમામાં વકરી રહેલા તણાવ અને ઈરાન-અમેરિકા નેવી વચ્ચેના ખૌફનાક ગોળીબારે ગુજરાતના એક ખલાસી પરિવારની ખુશીઓ છીનવી લીધી છે. ગત ૭ મેના રોજ મધરાતે સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં બંને દેશોની નૌસેના વચ્ચે થયેલા સામસામે ફાયરિંગમાં સલાયાનું માલવાહક વહાણ 'MSV અલ ફૈઝ નૂરે સુલેમાની-1' ફસાઈ ગયું હતું. આ ક્રોસ ફાયરિંગમાં વહાણના એન્જિન રૂમમાં ફરજ બજાવતા અલ્તાફ તાલબ કેરનું ગંભીર ઈજાઓ થવાથી કરુણ મોત નીપજ્યું છે, જ્યારે સમગ્ર વહાણ સમુદ્રમાં ગરકાવ થઈ ગયું છે.
ભીષણ ગોળીબારની ઝપેટમાં આવ્યું વહાણ:
ઇન્ડિયન સેલિંગ વેસલ્સ એસોસિયેશનના જનરલ સેક્રેટરી આદમ ભાયાના જણાવ્યા અનુસાર, સલાયાનું માલવાહક વહાણ 'MSV AL FAIZE NOORE SULEMANI-I' (BDI-1494) ગત 7 મેના રોજ દુબઈથી જનરલ કાર્ગો ભરીને યમનના મુકાલા બંદર તરફ જઈ રહ્યું હતું. આ વહાણ પર ટંડેલ સહિત કુલ 18 ખલાસીઓ સવાર હતા. વહેલી સવારે અંદાજે 1:00 વાગ્યે જ્યારે વહાણ સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાંથી પસાર થઈ રહ્યું હતું, ત્યારે અચાનક ઈરાની અને યુએસ નેવી વચ્ચે સામસામે ભારે ફાયરિંગ શરૂ થયું હતું. ગુજરાતનું આ વહાણ આ ક્રોસ ફાયરિંગની ઝપેટમાં આવી જતાં તેમાં મોટા ગાબડાં પડ્યા હતા અને પાણી ભરાવાને કારણે તે સમુદ્રમાં ગરકાવ થઈ ગયું હતું.
17 ખલાસીઓનો ચમત્કારિક બચાવ અને રેસ્ક્યુ ઓપરેશન:
જ્યારે વહાણ ડૂબી રહ્યું હતું ત્યારે સર્જાયેલી અંધાધૂંધીમાં એન્જિન રૂમમાં રહેલા અલ્તાફ તાલબ કેર ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા અને સ્થળ પર જ તેમનું મોત થયું હતું. અન્ય 17 ખલાસીઓ દરિયામાં જીવ બચાવવા સંઘર્ષ કરી રહ્યા હતા, ત્યારે જ નજીકથી પસાર થઈ રહેલા અન્ય એક ભારતીય વહાણ 'MSV પ્રેમ સાગર-I' એ દેવદૂત બનીને તમામ ખલાસીઓને ઉગારી લીધા હતા. બચેલા તમામ ખલાસીઓ 8 મેના રોજ સુરક્ષિત રીતે દુબઈ પોર્ટ પર પહોંચ્યા છે.
મૃતદેહ વતન લાવવા દૂતાવાસ સમક્ષ માંગ:
આ ઘટનાને પગલે સલાયા પંથકમાં શોકનું મોજું ફરી વળ્યું છે. એસોસિયેશન દ્વારા દુબઈ સ્થિત ભારતીય દૂતાવાસને તાત્કાલિક ઈમેલ કરીને મૃતક અલ્તાફ તાલબ કેરના પાર્થિવ દેહને કાયદેસરની પ્રક્રિયા પૂર્ણ કરી ભારત લાવવા વિનંતી કરવામાં આવી છે. આ ઉપરાંત, દુબઈ પહોંચેલા અન્ય 17 ખલાસીઓને ભારત પરત લાવવા અને આંતરરાષ્ટ્રીય જળસીમામાં ભારતીય જહાજોની સુરક્ષા વધારવા માટે કેન્દ્ર સરકાર અને દૂતાવાસ સક્રિય ભૂમિકા ભજવે તેવી માંગણી કરવામાં આવી છે.
(6:18 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
