<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 28th November 2026

શેરબજારમાં ગુજરાતનો ડંકો: મહારાષ્ટ્રને પછાડી એક્ટિવ રોકાણકારોની સંખ્યામાં દેશમાં પ્રથમ સ્થાને પહોંચ્યું

ઓક્ટોબરના NSE ડેટા મુજબ 28.1 લાખ એક્ટિવ રોકાણકારો સાથે દેશમાં 19 ટકા હિસ્સો; માસિક ધોરણે 45.3 ટકાના ઉછાળા સાથે ફેબ્રુઆરી 2024 બાદ પ્રથમ વખત નંબર-1 બન્યું

અમદાવાદ : નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE)ના ઓક્ટોબર મહિનાના રાજ્યવાર એક્ટિવ ઇન્વેસ્ટર્સ રિપોર્ટ મુજબ ગુજરાત 28.1 લાખ એક્ટિવ રોકાણકારો સાથે મહારાષ્ટ્રને પછાડીને દેશમાં પ્રથમ સ્થાને પહોંચી ગયું છે. વ્યક્તિગત રોકાણકારોની ભાગીદારીમાં માસિક ધોરણે 45.3 ટકાનો તીવ્ર ઉછાળો નોંધાતા દેશના કુલ એક્ટિવ રોકાણકારોમાં ગુજરાતનો હિસ્સો 19 ટકા થયો છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર ફેબ્રુઆરી 2024માં આ પ્રકારે ડેટા એકત્ર કરવાની શરૂઆત થઈ ત્યારબાદ પ્રથમ વખત ગુજરાત એક્ટિવ રોકાણકારોની સંખ્યામાં દેશનું નંબર-1 રાજ્ય બન્યું છે, જેમાં મહિનામાં ઓછામાં ઓછું એક વખત ટ્રેડિંગ કરનાર રોકાણકારોની ગણતરી કરવામાં આવે છે.

રિપોર્ટ મુજબ રોકાણકારોની ભાગીદારીમાં અત્યાર સુધી મોખરે રહેતું મહારાષ્ટ્ર અંદાજે 23 લાખ એક્ટિવ રોકાણકારો સાથે બીજા સ્થાને સરકી ગયું છે, જ્યાં માસિક ધોરણે 10.4 ટકાનો વધારો થવા છતાં તેનો કુલ હિસ્સો 15.4 ટકા રહ્યો છે.

દેશમાં એક્ટિવ રોકાણકારોની યાદીમાં 12.7 લાખ રોકાણકારો અને 10.1 ટકા હિસ્સા સાથે ઉત્તર પ્રદેશ ત્રીજા સ્થાને રહ્યું છે, જ્યારે ટોચના 10 રાજ્યોમાં ગુજરાતે સૌથી મજબૂત માસિક વૃદ્ધિ નોંધાવી છે.

આ ઉપરાંત રાજસ્થાન અને હરિયાણામાં પણ નોંધપાત્ર વૃદ્ધિ જોવા મળી છે, જ્યાં એક્ટિવ રોકાણકારોની સંખ્યામાં માસિક ધોરણે અનુક્રમે 27.9 ટકા અને 20.8 ટકાનો વધારો નોંધાયો છે.

(6:52 PM IST)