News of Wednesday, 15th July 2026
ખેડાના કપડવંજમાં કાળજું કંપાવતી ઘટના: નર્મદા કેનાલમાં માતાએ બે માસૂમ સંતાનો સાથે મોતની છલાંગ લગાવી
ઘટનાસ્થળે ફાયર બ્રિગેડની કામગીરીમાં વિલંબ થતાં સ્થાનિકોમાં રોષ: લાપતા માતા-પુત્ર અને પુત્રીની શોધખોળ માટે તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે પ્રયાસો શરૂ

કપડવંજ: ખેડા જિલ્લાના કપડવંજ પંથકમાંથી પસાર થતી નર્મદા મુખ્ય કેનાલ ફરી એકવાર કરુણ અને ગમગીન ઘટનાનું સાક્ષી બની છે. પ્રાપ્ત વિગતો અનુસાર, મહુધા તાલુકાના મહીસા ગામની એક પરિણીત મહિલાએ પોતાના બે માસૂમ બાળકો સાથે કેનાલના ઊંડા અને વહેતા પાણીમાં ઝંપલાવીને પોતાની જીવનલીલા સંકેલી લેતા સમગ્ર વિસ્તારમાં ભારે અરેરાટી વ્યાપી ગઈ છે.
ઘટનાની વિગતે વાત કરીએ તો, મહીસા ગામના વતની ભાવનાબેન ચૌહાણ નામના મહિલા પોતાના ૬ વર્ષના પુત્ર પિયુષ અને ૪ વર્ષની પુત્રી નિત્યાને સાથે લઈને કપડવંજ નજીકની નર્મદા કેનાલ પાસે પહોંચ્યા હતા. કોઈ અગમ્ય કારણોસર કે માનસિક તણાવને પગલે ભાવનાબેને પોતાના બંને માસૂમ બાળકો સાથે કેનાલમાં મોતની છલાંગ લગાવી દીધી હતી. કેનાલના પાણીનો પ્રવાહ તેજ અને ઊંડો હોવાથી ત્રણેય વ્યક્તિઓ ગણતરીની મિનિટોમાં જ પાણીમાં ગરકાવ થઈ ગયા હતા.
આસપાસમાંથી પસાર થતા રાહદારીઓ અને સ્થાનિક ગ્રામજનોએ આ કરુણ દ્રશ્ય જોતાં જ બૂમાબૂમ કરી મૂકી હતી અને તાત્કાલિક સ્થાનિક પોલીસ તથા ફાયર બ્રિગેડને જાણ કરી હતી. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને કપડવંજ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી આવી હતી. જોકે, નહેરના પાણી ઊંડા હોવાને કારણે અને ફાયર બ્રિગેડની ટીમ પાસે નિષ્ણાત તરવૈયાઓનો અભાવ હોવાને કારણે બચાવ કામગીરીમાં વિલંબ થયો હતો, જેને લઈને હાજર રહેલા લોકોમાં તંત્રની બેદરકારી સામે ભારે રોષ જોવા મળ્યો હતો.
આ ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને આસપાસના ગામના સ્થાનિક તરવૈયાઓની મદદથી માતા અને બંને બાળકોની શોધખોળ હાથ ધરવામાં આવી છે. હાલમાં સમાચાર લખાય છે ત્યાં સુધી ત્રણેય વ્યક્તિઓની કોઈ ભાળ મળી નથી. આટલું મોટું અને કરુણ પગલું ભરવા પાછળનું ચોક્કસ કારણ હજુ અકબંધ છે, જે અંગે પોલીસ દ્વારા સઘન તપાસ શરૂ કરવામાં આવી છે. આ દુર્ઘટનાને પગલે મૃતક મહિલાના પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે અને આખા મહીસા ગામમાં સન્નાટો છવાઈ ગયો છે.
(10:47 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
