<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 16th May 2026

ગુજરાતમાં હીટવેવનો કહેર યથાવત, આગામી 3 દિવસ તાપમાન 41 ડિગ્રીને પાર રહેવાની આગાહી, સુરેન્દ્રનગરમાં પારો 45.5°C એ પહોંચ્યો

અમદાવાદ સહિત 5 શહેરોમાં 44°C થી વધુ તાપમાન, હીટ સ્ટ્રોકના કેસ વધતાં આરોગ્ય વિભાગ એલર્ટ, કેરળમાં 25-27 મે સુધી ચોમાસું બેસવાની શક્યતા

ગાંધીનગર, તા. 16 : ગુજરાતમાં મે મહિનાની શરૂઆતથી જ કાળઝાળ ગરમીએ જનજીવન અસ્તવ્યસ્ત કર્યું છે. હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં આગામી 3 દિવસ સુધી ગરમીનો પ્રકોપ યથાવત રહેશે અને તાપમાનનો પારો 41 ડિગ્રીથી ઉપર નોંધાશે. અમદાવાદ, ગાંધીનગર, રાજકોટ સહિતના શહેરોમાં તાપમાન 41°C થી 42°C વચ્ચે રહેવાની શક્યતા છે.

 

રાજ્યમાં સૌથી વધુ ગરમી સુરેન્દ્રનગરમાં નોંધાઈ છે, જ્યાં તાપમાન 45.5°C એ પહોંચીને સિઝનનો નવો રેકોર્ડ બનાવ્યો છે. આ પહેલા કંડલા એરપોર્ટ પર 45.2°C તાપમાન નોંધાયું હતું. રાજકોટમાં 41.7°C, અમદાવાદમાં 42°C અને ગાંધીનગરમાં 41°C તાપમાન નોંધાયું છે. છેલ્લા પાંચ દિવસમાં જ પારામાં 2 થી 4 ડિગ્રીનો ઉછાળો આવ્યો છે.

 

આકરી ગરમીને કારણે હીટ સ્ટ્રોક, લૂ લાગવી અને પેટમાં દુખાવાના કેસોમાં વધારો થયો છે. આરોગ્ય વિભાગે તમામ હોસ્પિટલોમાં ખાસ હીટવેવ વોર્ડ અને બેડની વ્યવસ્થા કરી છે. અમદાવાદ માટે હવામાન વિભાગે આગામી 6 દિવસ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. તંત્રએ નાગરિકોને બપોરના સમયે બિનજરૂરી બહાર ન નીકળવા અને પુષ્કળ પાણી પીવાની સલાહ આપી છે.

 

ગરમી વચ્ચે ચોમાસાને લઈને રાહતના સમાચાર છે. હવામાન નિષ્ણાતોના મતે દેશમાં ચોમાસું નિર્ધારિત સમય કરતાં 4 દિવસ વહેલું બેસી શકે છે. કેરળમાં 25 થી 27 મે દરમિયાન ચોમાસાનું આગમન થવાની સંભાવના છે. વહેલા ચોમાસાને કારણે ગુજરાતમાં પણ જૂનના બીજા સપ્તાહથી વરસાદ શરૂ થઈ શકે છે.

 

દરિયાકાંઠાના વિસ્તારોમાં દરિયાઈ પવનને કારણે ગરમીનું જોર ઓછું છે. દ્વારકામાં 30.8°C, વેરાવળમાં 31.4°C અને પોરબંદરમાં 35°C તાપમાન નોંધાયું છે.

(2:18 PM IST)