News of Monday, 22nd June 2026
અમદાવાદ-વડોદરા હાઈવે, અમરેલી, ભાવનગર, સુરેન્દ્રનગર અને છોટાઉદેપુરમાં સાર્વત્રિક ધોધમાર વરસાદ ખાબક્યો
જેસરના ઉગલવાણ અને સાવરકુંડલાની ધનો નદીમાં પૂર આવતા માર્ગો બંધ થયા: હાઈવે પર વિઝિબિલિટી ઘટતા વાહનોની ગતિ ધીમી પડી:વાવણી લાયક વરસાદથી ખેડૂતોમાં ભારે આનંદ વ્યાપી ગયો

અમદાવાદ:રાજ્યના વાતાવરણમાં મોટો પલટો આવ્યો છે અને રાજ્યના વિવિધ ભાગોમાં સાર્વત્રિક ધોધમાર વરસાદ ખાબક્યો છે. સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત અને આદિવાસી બેલ્ટમાં મેઘ મહેર થતાં લાંબા સમયની ગરમી બાદ વાતાવરણમાં ભારે ઠંડક પ્રસરી ગઈ છે. નદીઓમાં ઘોડાપૂર આવવાથી અને હાઈવે પર વાહનવ્યવહાર ખોરવાવાથી એક તરફ મુશ્કેલી ઊભી થઈ છે, તો બીજી તરફ આ વરસાદ વાવણી લાયક હોવાથી જગતના તાત એવા ખેડૂતોમાં ભારે આનંદની લાગણી જોવા મળી રહી છે.
મધ્ય ગુજરાતના મુખ્ય માર્ગ એવા અમદાવાદ-વડોદરા નેશનલ હાઈવે પર ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. ખાસ કરીને નડિયાદ અને આણંદ વચ્ચે ભારે પવન સાથે વરસાદ ખાબકતાં હાઈવે પર વિઝિબિલિટી ખૂબ જ ઘટી ગઈ હતી, જેના કારણે વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવી પડી હતી અને રસ્તા પર પાણી ભરાવાને કારણે વાહનોની ગતિ ધીમી પડી ગઈ હતી.
અમરેલીના સાવરકુંડલાના વીજપડી, મોદા અને બાઢડા પંથકમાં ભારે વરસાદ થયો છે. અહીંના દાધીયા અને ચીખલી ગામમાં વરસાદના કારણે પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે અને દાધીયા ગામની ધનો નદી બે કાંઠે વહેતી થઈ છે. ખાંભા અને આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વાવણી લાયક વરસાદ થતાં ખેડૂતો ખુશખુશાલ છે.
આ ઉપરાંત, ભાવનગરના જેસરના ઉગલવાણ ગામે ભારે વરસાદથી નદીમાં ઘોડાપૂર આવ્યું છે, જેને કારણે ઉગલવાણથી મોટા આસરાણાનો માર્ગ સંપૂર્ણ બંધ થઈ ગયો છે અને સ્થાનિકોની અવરજવર ખોરવાઈ છે.
સુરેન્દ્રનગર જિલ્લામાં પણ વાતાવરણમાં પલટા બાદ વઢવાણના વડોદ, વસ્તડી, ટુવા અને ટીંબા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં સારો વરસાદ નોંધાયો છે. ભાવનગરના મહુવા તાલુકાના સેદરડા, ખારી, ગળથર, વાઘવદરડા, મોણપર અને બગદાણા સહિતના ગામડાઓમાં વરસાદ આશીર્વાદરૂપ બન્યો છે અને વાવણીની રાહ જોતા ખેડૂતો સક્રિય થયા છે.
આ તરફ પૂર્વ ગુજરાતના છોટાઉદેપુરના કરાલી, ચલામલી અને રંગલી ચોકડી વિસ્તારમાં પણ વરસાદી માહોલ જામતા લોકોને અસહ્ય ગરમીમાંથી મોટી રાહત મળી છે.
(8:56 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
