News of Thursday, 23rd July 2026
અમદાવાદમાં ધોધમાર વરસાદે શહેરને પાણી-પાણી કરી દીધું:શેલામા રેસ્ક્યુ માટે ગયેલું ટ્રેકટર પાણીમાં ફસાયું : ક્રેઈનની મદદથી મહિલાનું રેસ્ક્યુ કરાયું
મહિલા સફાઈ કર્મચારીઓનું ક્રેનની મદદથી રેસ્ક્યૂ કરવું પડ્યું. ભારે વરસાદને કારણે વાહનવ્યવહાર ખોરવાયો, વાસણા બેરેજના 20 દરવાજા ખોલાયા

અમદાવાદ શહેરમાં ગુરુવારે સવારથી શરૂ થયેલા ધોધમાર વરસાદે જનજીવનને ગંભીર રીતે પ્રભાવિત કર્યું છે. માત્ર 8 કલાકમાં પડેલા ભારે વરસાદે શહેરના અનેક વિસ્તારોમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જી છે. ખાસ કરીને પશ્ચિમ અમદાવાદમાં રસ્તાઓ નદીમાં ફેરવાઈ ગયા છે, અંડરપાસ પાણીમાં ગરકાવ થઈ ગયા છે અને અનેક વાહનો રસ્તા વચ્ચે જ બંધ પડી ગયા છે. શહેરના વિવિધ વિસ્તારોમાં પાણી ભરાવાના કારણે સામાન્ય લોકો, ઓફિસ જતાં કર્મચારીઓ અને શાળાના વિદ્યાર્થીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. આ વરસાદ દરમિયાન શેલા વિસ્તારમાં બનેલી એક ઘટના સૌથી વધુ ચર્ચામાં રહી. ક્લબ O7 રોડ પાસે પાણીમાં ટ્રેક્ટર ફસાઈ જતાં અંદર બેઠેલી મહિલા સફાઈ કર્મચારીઓનું ક્રેનની મદદથી રેસ્ક્યૂ કરવું પડ્યું હતું.
અમદાવાદના શેલા વિસ્તારમાં આવેલા ક્લબ O7 રોડ પાસે ભારે વરસાદને કારણે રોડ પર એટલું પાણી ભરાઈ ગયું હતું કે સામાન્ય વાહનોની અવરજવર સંપૂર્ણપણે અશક્ય બની ગઈ હતી. સ્થાનિક રહેવાસીઓને સોસાયટી સુધી પહોંચાડવા માટે ટ્રેક્ટરની વ્યવસ્થા કરવામાં આવી હતી, કારણ કે રસ્તા પર પાણીનું સ્તર સતત વધી રહ્યું હતું. પરંતુ પરિસ્થિતિ એટલી ગંભીર બની કે લોકોને સુરક્ષિત રીતે પહોંચાડવા માટે ઉપયોગમાં લેવાતું ટ્રેક્ટર જ પાણીના ઊંડા ખાડામાં ફસાઈ ગયું. ટ્રેક્ટરમાં બેઠેલી 5થી 6 મહિલા સફાઈ કર્મચારીઓ પણ જોખમમાં આવી ગઈ હતી.
થોડા સમય માટે ત્યાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. સ્થાનિક લોકો અને બચાવ ટીમે તાત્કાલિક કામગીરી શરૂ કરી હતી. ક્રેન બોલાવી ટ્રેક્ટરને બહાર કાઢવામાં આવ્યું અને અંદર રહેલી તમામ મહિલા સફાઈ કર્મચારીઓને સલામત રીતે બહાર લાવવામાં આવી હતી. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નહોતી, પરંતુ વરસાદ દરમિયાન રસ્તાઓ પર છુપાયેલા ખાડા કેટલા જોખમી બની શકે છે તેનું આ મોટું ઉદાહરણ બની રહ્યું છે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આંકડા મુજબ માત્ર 8 કલાકમાં સમગ્ર શહેરમાં સરેરાશ 3.5 ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો. જોકે, તમામ વિસ્તારોમાં વરસાદ સમાન રહ્યો નહોતો. બોપલ વિસ્તારમાં સૌથી વધુ સાડા આઠ ઇંચથી વધુ વરસાદ નોંધાતા સ્થિતિ અત્યંત ગંભીર બની ગઈ હતી. અનેક રહેણાંક વિસ્તારોમાં વરસાદી પાણી ઘરો અને સોસાયટીઓના પ્રવેશદ્વાર સુધી પહોંચી ગયું હતું. ઝોન પ્રમાણે જોવામાં આવે તો સૌથી વધુ અસર દક્ષિણ-પશ્ચિમ ઝોનમાં જોવા મળી હતી, જ્યાં સરેરાશ 7 ઇંચથી વધુ વરસાદ નોંધાયો હતો.
ઉત્તર-પશ્ચિમ ઝોનમાં પણ સરેરાશ 5.3 ઇંચ વરસાદ પડતા અનેક માર્ગો પર પાણી ભરાઈ ગયા હતા. પશ્ચિમ ઝોનમાં સરેરાશ 4 ઇંચ વરસાદ નોંધાયો હતો, જ્યારે પૂર્વ અને દક્ષિણ અમદાવાદમાં પણ બપોર બાદ વરસાદનું જોર વધતાં સ્થિતિ વધુ ગંભીર બની હતી.
સતત વરસેલા વરસાદના કારણે શહેરના અનેક મુખ્ય માર્ગો પર વાહનવ્યવહારને અસર પહોંચી હતી. એસ.જી. હાઇવે, આશ્રમ રોડ, 132 ફૂટ રિંગ રોડ સહિતના મહત્વના રસ્તાઓ પર પાણી ભરાઈ જતાં લાંબા ટ્રાફિક જામ સર્જાયા હતા. ઘણા અંડરપાસોમાં પાણી ભરાઈ જતાં તેને તાત્કાલિક બંધ કરવાની ફરજ પડી હતી. અનેક કાર અને બાઈક પાણીમાં બંધ પડી જતા વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.
કેટલીક જગ્યાએ લોકોને પોતાના વાહનો ધક્કો મારીને બહાર કાઢવા પડ્યા હતા. ક્લબ O7 રોડ જેવા વિસ્તારોમાં તો પરિસ્થિતિ એટલી ગંભીર બની ગઈ હતી કે સામાન્ય વાહનોની અવરજવર સંપૂર્ણપણે અટકાવી દેવામાં આવી હતી અને માત્ર જરૂરી બચાવ કામગીરીને જ પ્રાથમિકતા આપવામાં આવી હતી.
શહેરમાં પડેલા ભારે વરસાદ ઉપરાંત ઉપરવાસમાંથી પણ સતત પાણીની આવક થતાં સાબરમતી નદીનું જળસ્તર ઝડપથી વધી રહ્યું છે. આ સ્થિતિને ધ્યાનમાં રાખીને વાસણા બેરેજની સપાટી લગભગ 125 ફૂટ સુધી પહોંચી ગઈ હતી. પાણીનું દબાણ વધતાં બેરેજના 20 દરવાજા ખોલવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. બેરેજમાંથી અંદાજે 6,931 ક્યુસેક પાણી નદીના હેઠવાસમાં છોડવામાં આવી રહ્યું છે. પ્રશાસને નદીકાંઠાના વિસ્તારોમાં રહેતા લોકોને સાવચેતી રાખવાની અપીલ કરી છે અને નીચાણવાળા વિસ્તારોમાં બિનજરૂરી અવરજવર ટાળવા સૂચના આપવામાં આવી છે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા વરસાદી પાણી ઝડપથી કાઢવા માટે શહેરના તમામ પમ્પિંગ સ્ટેશનો પૂર્ણ ક્ષમતાથી ચલાવવામાં આવી રહ્યા છે. વોટર ઓપરેશન ટીમ અને કંટ્રોલ રૂમ દ્વારા સતત પરિસ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે. જ્યાં પાણીનું સ્તર વધુ છે ત્યાં તાત્કાલિક પમ્પિંગ મશીનો મોકલીને પાણી ઉલેચવાની કામગીરી કરવામાં આવી રહી છે. તંત્રનો પ્રયાસ છે કે મુખ્ય માર્ગો પર શક્ય તેટલી વહેલી તકે વાહનવ્યવહાર સામાન્ય થઈ શકે અને લોકોને રોજિંદા જીવનમાં ઓછી મુશ્કેલી પડે.
આ પ્રકારની પરિસ્થિતિમાં સૌથી મોટું જોખમ પાણીની અંદર છુપાયેલા ખાડા અને ખુલ્લા ડ્રેનેજનું હોય છે. બહારથી સામાન્ય દેખાતું પાણી ઘણી વખત ઊંડું હોઈ શકે છે, જેના કારણે વાહનો ફસાઈ જાય અથવા અકસ્માત સર્જાય. નાગરિકોએ ભારે વરસાદ દરમિયાન બિનજરૂરી મુસાફરી ટાળવી જોઈએ. જો રસ્તા પર પાણી ભરાયેલું હોય તો તેની ઊંડાઈનો અંદાજ કર્યા વગર વાહન લઈને પસાર થવાનો પ્રયાસ ન કરવો જોઈએ. અંડરપાસ, નદીકાંઠા અને નીચાણવાળા વિસ્તારોમાં ખાસ સાવચેતી રાખવી જરૂરી છે. તંત્ર દ્વારા જાહેર કરવામાં આવતી સૂચનાઓનું પાલન કરવું અને હવામાનની સ્થિતિ અંગે સતત માહિતી મેળવવી પણ એટલું જ મહત્વપૂર્ણ છે.
(9:37 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
