News of Monday, 11th May 2026
વડોદરાના ગોત્રી ગાર્ડનમાં વિધર્મી યુવકે હદ વટાવી :યુવતી પર લગ્ન કરવા દબાણ કર્યું: છેડતી કરી હુમલો કર્યો :લોકોએ લમધાર્યો
હિંદુ જાગરણ મંચ અને બજરંગ દળના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ગોત્રી પોલીસ સ્ટેશને એકત્રિત થયા

વડોદરાના ગોત્રી વિસ્તારમાં આવેલા ગાર્ડનમાં ધોળે દિવસે બનેલી એક ઘટનાએ સમગ્ર શહેરમાં ચકચાર મચાવી દીધી છે. એક વિધર્મી યુવકે યુવતી પર હુમલો અને છેડતી કરી હોવાનો મામલો સામે આવ્યો છે.
મળતી માહિતી મુજબ યુવકે યુવતીને વાતચીત કરવા માટે ગોત્રી ગાર્ડનમાં બોલાવી હતી. ત્યાં પહોંચ્યા બાદ યુવકે યુવતી પર લગ્ન કરવા માટે દબાણ કર્યું હતું. જોકે યુવતીએ આ પ્રસ્તાવનો સ્પષ્ટ ઇનકાર કરી દેતા યુવક ઉશ્કેરાઈ ગયો હતો. આવેશમાં આવીને યુવકે યુવતી સાથે છેડતી કરી અને તેના પર હુમલો કર્યો હોવાના ગંભીર આક્ષેપો થયા છે.
ગભરાયેલી યુવતીએ પોતાની રક્ષા માટે બૂમાબૂમ કરતા ગાર્ડનમાં હાજર અન્ય મુલાકાતીઓ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. લોકોએ સમયસૂચકતા વાપરીને યુવકને ભાગતા અટકાવી ઝડપી પાડ્યો હતો. રોષે ભરાયેલા લોકટોળાએ યુવકને સ્થળ પર જ 'મેથીપાક' ચખાડ્યો હતો, જેમાં યુવકને સામાન્ય ઇજાઓ પહોંચી હતી.
બનાવની જાણ થતા જ ગોત્રી પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. આ ઘટનાના સમાચાર પ્રસરતા જ હિંદુ જાગરણ મંચ અને બજરંગ દળના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ગોત્રી પોલીસ સ્ટેશને એકત્રિત થયા હતા. કાર્યકર્તાઓએ આક્રોશ વ્યક્ત કરતા આવી ઘટનાઓ રોકવા માટે કડક કાર્યવાહી અને જાહેર સ્થળો પર સુરક્ષા વધારવાની માંગ કરી છે.
જાહેર બાગ-બગીચામાં પરિવાર અને મહિલાઓ ફરવા આવતા હોય છે, ત્યારે ધોળે દિવસે બનેલી આ ઘટનાએ ગાર્ડનની સુરક્ષા વ્યવસ્થા સામે મોટા સવાલો ઊભા કર્યા છે. હાલ પોલીસ આ મામલે તપાસ કરી રહી છે કે યુવક અને યુવતી વચ્ચે અગાઉ કોઈ સંબંધ હતો કે કેમ અને હુમલા પાછળનું ચોક્કસ કારણ શું છે.
(11:20 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
