News of Saturday, 7th November 2026
આરોગ્ય મંત્રી પ્રફુલભાઈ પાનશેરિયાની અધ્યક્ષતામાં યોજાઈ ઉચ્ચ સ્તરીય બેઠક : ભેળસેળયુક્ત ખાદ્ય પદાર્થો વેચનારા સામે કડક કાર્યવાહીની ચેતવણી
એનાલોગ પનીર, ચીઝ, ડુપ્લીકેટ ઘી અને પામ ઓઈલનો ગેરકાયદે ઉપયોગ કરનારાઓ સામે લેવાશે આકરાં પગલાં : ફૂડ ક્વોલિટી અને સ્વચ્છતાના માપદંડોમાં ગુજરાત દેશમાં બનશે રોલ મોડલ

સુરત: દીપાવલીના પવિત્ર તહેવારો પૂર્વે નાગરિકોના સ્વાસ્થ્યની સુરક્ષા સુનિશ્ચિત કરવાના હેતુથી સુરત ખાતેથી રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલભાઈ પાનશેરિયાના અધ્યક્ષસ્થાને એક ઉચ્ચ સ્તરીય વર્ચ્યુઅલ સમીક્ષા બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં રાજ્યના તમામ જિલ્લાના આરોગ્ય વિભાગ, ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના ઉચ્ચ અધિકારીઓ તેમજ ૧૦૮ સેવાના પ્રતિનિધિઓ જોડાયા હતા. બેઠક દરમિયાન આરોગ્ય મંત્રીએ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા સમગ્ર વર્ષ દરમિયાન કરાયેલી પ્રશંસનીય કામગીરીને બિરદાવી હતી.
ભેળસેળિયા તત્વો સામે કડક કાયદાકીય સિકંજો:
રાજ્યના નાગરિકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરનારાઓ સામે આકરો વલણ અપનાવતાં આરોગ્ય મંત્રી પ્રફુલભાઈ પાનશેરિયાએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે, ડુપ્લીકેટ ઘી, એનાલોગ પનીર, ચીઝ, બટર, ટોમેટો સોસ, કેરીનો રસ અને પામ ઓઈલનો ભેળસેળયુક્ત ઉપયોગ કરતી કંપનીઓ તથા એકમો સામે કડક કાયદાકીય કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ખાસ કરીને પ્લાસ્ટિકના રેપર પર માત્ર 'ઘી' લખીને વેચાતા પામ ઓઇલ આધારિત ઉત્પાદનો સામે કાયદેસરના કેસ દાખલ કરવામાં આવશે.
હોટેલ-રેસ્ટોરન્ટ્સમાં એસઓપી (SOP) અને પોલીસ કાર્યવાહી:
આરોગ્ય મંત્રીએ ઉમેર્યું હતું કે આગામી સમયમાં સ્વચ્છતા અને ફૂડ ક્વોલિટીના મામલે ગુજરાત સમગ્ર દેશ માટે એક શ્રેષ્ઠ ‘રોલ મોડલ’ સાબિત થશે. રાજ્યભરની હોટેલ્સ, રેસ્ટોરન્ટ્સ અને ફૂડ સ્ટ્રીટ્સ પર સ્વચ્છતાના ધોરણો અને SOP નું ચુસ્ત પાલન કરાવવામાં આવશે. વધુમાં, સીલ ખોલીને ખાદ્ય સામગ્રીની હેરાફેરી કરનારા અસમાજિક તત્વો સામે પોલીસ પ્રશાસનના સહયોગથી સીધી એફઆઈઆર (FIR) દાખલ કરાશે.
આરોગ્ય સેવાઓ અને ઈમરજન્સી સુવિધાઓનું આકલન:
વર્ચ્યુઅલ બેઠક દરમિયાન રાજ્યમાં આરોગ્ય સેવાઓને વધુ સુદ્રઢ બનાવવા, ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા હાથ ધરાયેલા સેમ્પલિંગ અને દંડનાત્મક કામગીરીની સમીક્ષા કરવા તેમજ તહેવારો ટાણે ઈમરજન્સી સેવાઓને સજ્જ રાખવા અંગે વિસ્તૃત મંથન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં પ્રાદેશિક નાયબ નિયામકો અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીઓ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.
(7:27 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
