News of Wednesday, 15th April 2026
વડોદરા મનપા ચૂંટણીમાં હાઈવોલ્ટેજ રાજકીય ડ્રામા: કોંગ્રેસના મજબૂત દાવેદાર ઉમેદવારે ફોર્મ પરત ખેંચતા રોષે ભરાયેલા કાર્યકરોએ પ્રાંત કચેરી બહાર ગાડીના કાચ ફોડ્યા, પથ્થરમારો
ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસે વોર્ડ 15માં ધમાસાણ સર્જાયું : 'ગદ્દાર'ના નારા સાથે કાર્યકરો બેકાબૂ બન્યા, પોલીસ કાફલો દોડ્યો, કોંગ્રેસનો ભાજપ પર દબાણ અને લાલચ આપીને ઉમેદવાર તોડવાનો ગંભીર આક્ષેપ

વડોદરા તા.૧૫:વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણી માટે ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસે ભારે હાઈવોલ્ટેજ ડ્રામા સર્જાયો હતો. વોર્ડ નંબર 15ના કોંગ્રેસના ઉમેદવાર રાકેશ પટેલે અચાનક ઉમેદવારી પાછી ખેંચી લેતાં નારાજ કાર્યકરોએ પ્રાંત કચેરી બહાર જ ઉગ્ર હંગામો મચાવ્યો હતો. ઉશ્કેરાયેલા કાર્યકરોએ ઉમેદવારની ગાડીને ઘેરી લઈ પથ્થરમારો કર્યો હતો અને ગાડીના કાચ ફોડી નાખ્યા હતા. મામલો વધુ બગડે તે પહેલાં પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને પરિસ્થિતિને કાબૂમાં લીધી હતી.
પ્રાપ્ત માહિતી મુજબ રાકેશ પટેલને કોંગ્રેસે વોર્ડ 15થી ટિકિટ આપી હતી અને તેઓ જીત માટે મજબૂત દાવેદાર મનાતા હતા. આજે બપોરે તેઓ અચાનક પ્રાંત કચેરી પહોંચ્યા અને ચૂંટણી અધિકારી સમક્ષ ફોર્મ પરત ખેંચવાની પ્રક્રિયા પૂર્ણ કરી હતી. બહાર ઉભેલા કોંગ્રેસના કાર્યકરોને જાણ થતાં જ તેઓ રોષે ભરાયા હતા. કાર્યકરોએ આક્ષેપ કર્યો કે ભાજપના દબાણ અને પ્રલોભનને કારણે ઉમેદવારે ફોર્મ પાછું ખેંચ્યું છે. 'ગદ્દાર' અને 'વેચાઈ ગયા'ના નારા સાથે કાર્યકરોએ ઉમેદવારની ગાડીને ઘેરી લીધી હતી અને કાચ તોડી નાખ્યા હતા.
ઘટના બાદ ઉમેદવાર રાકેશ પટેલે મીડિયા સમક્ષ જણાવ્યું કે, "મેં અંગત કારણોસર ફોર્મ પાછું ખેંચ્યું છે. મારા પર કોઈનું દબાણ નથી." જોકે કોંગ્રેસ શહેર પ્રમુખે ગંભીર આક્ષેપ કરતા કહ્યું કે, "ભાજપ લોકશાહીની હત્યા કરી રહ્યું છે. અમારા ઉમેદવારોને ડરાવી-ધમકાવીને કે લાલચ આપીને ફોર્મ પાછા ખેંચાવી રહ્યું છે. રાજકોટ, સુરત બાદ હવે વડોદરામાં પણ એ જ રમત રમાઈ રહી છે. અમે ચૂંટણી પંચમાં ફરિયાદ કરીશું."
અત્રે ઉલ્લેખનીય છે કે રાજ્યભરની સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપે અત્યાર સુધીમાં 300થી વધુ બેઠકો બિનહરીફ જીતી લીધી છે. સુરત અને રાજકોટમાં કોંગ્રેસે પોતાના 60થી વધુ ઉમેદવારોને 'સેફ હાઉસ'માં ખસેડવા પડ્યા છે, જેથી તેઓ ફોર્મ પાછા ન ખેંચે. વડોદરાની આ ઘટનાએ રાજકીય ગરમાવો વધારી દીધો છે. પોલીસે ગાડીના કાચ ફોડવાના મામલે અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
(4:10 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
