News of Friday, 18th September 2026
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસે ગુજરાતમાં ૭૧ હજારથી વધુ દીકરીઓનું ઐતિહાસિક HPV રસીકરણ : કેન્સરમુક્ત ભવિષ્ય આપવા યોજાયું ભવ્ય અભિયાન - આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરિયા
૧૬ સપ્ટેમ્બર સુધીમાં ૬.૨૫ લાખથી વધુ કિશોરીઓને સુરક્ષાકવચ અપાયું : ૧ ઓક્ટોબર ૨૦૨૬ સુધીમાં બાકી રહેલી ૧.૪૬ લાખ દીકરીઓને આવરી લેવાનો રાજ્ય સરકારનો મક્કમ નિર્ધાર

અશ્વિન વ્યાસ દ્વારા, ગાંધીનગર: દરેક ઘરની દીકરી એ ફક્ત એક પરિવારનું નહીં પરંતુ સમગ્ર સમાજનું ભવિષ્ય છે અને તેને નિરોગી તેમજ સુરક્ષિત રાખવી એ સૌની સામાજિક-નૈતિક જવાબદારી છે. મહિલાઓમાં જોવા મળતા ગર્ભાશયના મુખના કેન્સર (સર્વાઇકલ કેન્સર) જેવા ગંભીર રોગથી દીકરીઓને બચાવવા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ રાષ્ટ્રવ્યાપી HPV રસીકરણ અભિયાન શરૂ કર્યું છે, જેને મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે ગુજરાતમાં અત્યંત નિષ્ઠાપૂર્વક આગળ ધપાવ્યું હોવાનું આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરિયાએ જણાવ્યું છે.
સમગ્ર દેશમાં ગુજરાત પ્રથમ ક્રમાંકે:
આરોગ્ય મંત્રી પાનશેરિયાએ વિગતો આપતાં કહ્યું કે, ૧૬ સપ્ટેમ્બર ૨૦૨૬ સુધીમાં રાજ્યની ૬.૨૫ લાખથી વધુ દીકરીઓને રસીનું સુરક્ષાકવચ આપવામાં આવ્યું છે. માત્ર ૩ મહિનામાં જ પાત્રતા ધરાવતી કિશોરીઓને HPV રસી આપીને ગુજરાતે દેશભરમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે. સૌથી મહત્વની બાબત એ છે કે આટલા મોટા પાયે રસીકરણ છતાં આડઅસરનો એક પણ કિસ્સો સામે આવ્યો નથી, જે આ રસીની સંપૂર્ણ સુરક્ષા અને અસરાકારકતા સાબિત કરે છે.
વડાપ્રધાનના જન્મદિવસે ૭૧ હજારથી વધુ રસીકરણ:
રાજ્ય સરકારની કામગીરીને ધ્યાને રાખી કેન્દ્ર સરકારે ૭ સપ્ટેમ્બરના રોજ ગુજરાતને HPV રસીના ૨.૭૨ લાખથી વધુ ડોઝ ફાળવ્યા છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે શરૂ કરાયેલી પુનઃ રસીકરણ ડ્રાઈવ અંતર્ગત એક જ દિવસમાં રાજ્યની ૭૧,૮૯૪ દીકરીઓનું ઐતિહાસિક રસીકરણ સફળતાપૂર્વક પૂરું કરાયું હતું.
૧ ઓક્ટોબર સુધીનો લક્ષ્યાંક:
૧૭ સપ્ટેમ્બર ૨૦૨૬થી શરૂ થયેલા આ અભિયાનમાં ૧૪ વર્ષ પૂરા કરનારી તમામ ૧.૪૬ લાખ કિશોરીઓને ૧ ઓક્ટોબર ૨૦૨૬ સુધીમાં રસી આપવાનો મક્કમ લક્ષ્યાંક નિર્ધારિત કરાયો છે.
વાલીઓને ખાસ અનુરોધ અને વિનામૂલ્યે સુવિધા:
સરકાર અને આરોગ્ય તંત્રની નિષ્ઠા સાથે આ અભિયાનની સાચી સફળતા વાલીઓના હાથમાં હોવાનું જણાવતા મંત્રીએ વાલીઓને મેગા ડ્રાઇવનો લાભ લેવા અપીલ કરી છે. આ રસી રાજ્યની તમામ મેડિકલ કોલેજ હોસ્પિટલો (MCH), જિલ્લા અને સબ-ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલો (DH/SDH), તેમજ CHC અને PHC સેન્ટરો પર ૧૪ વર્ષની તમામ કિશોરીઓ માટે સંપૂર્ણપણે વિનામૂલ્યે ઉપલબ્ધ છે.
(1:19 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
