<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 28th November 2026

ગુજરાતમાં હોમ લોનની બાકી રકમ ₹2.92 લાખ કરોડને પાર: ખાતા ઘટ્યા છતાં લોન વિતરણમાં 22 ટકાનો વધારો

SLBC ડેટા મુજબ સપ્ટેમ્બર 2026ના ત્રિમાસિકમાં ₹19,827 કરોડની નવી હોમ લોન અપાઈ; સરેરાશ લોનની રકમ 67 ટકા વધીને ₹26.41 લાખ થઈ

અમદાવાદ : ગુજરાતમાં નવા હોમ લોન ખાતાઓની સંખ્યામાં લગભગ 27 ટકાનો ઘટાડો નોંધાયો હોવા છતાં બેંકો દ્વારા નવી હોમ લોનના વિતરણમાં વાર્ષિક ધોરણે 22 ટકાનો વધારો થયો છે અને કુલ બાકી હોમ લોનની રકમ વધીને ₹2,92,004 કરોડ પર પહોંચી છે. સ્ટેટ લેવલ બેંકર્સ કમિટી (SLBC)ના આંકડા મુજબ સપ્ટેમ્બર 2026માં પૂરા થયેલા ત્રિમાસિકમાં 75,080 નવા ખાતાઓમાં કુલ ₹19,827 કરોડની નવી હોમ લોનનું વિતરણ કરાયું છે, જ્યારે ગયા વર્ષના સમાન સમયગાળામાં 1,02,709 ખાતાઓમાં ₹16,264 કરોડની લોન અપાઈ હતી.

ખાતાઓની સંખ્યા ઘટવા છતાં લોનના કુલ મૂલ્યમાં વધારો થતાં સરેરાશ લોનની રકમમાં મોટો ઉછાળો આવ્યો છે, જે સપ્ટેમ્બર 2025ના ત્રિમાસિકમાં પ્રતિ ખાતા ₹15.84 લાખ હતી તે વધીને સપ્ટેમ્બર 2026માં ₹26.41 લાખ થઈ છે, એટલે કે એક વર્ષમાં સરેરાશ નવી હોમ લોનમાં લગભગ 67 ટકાનો વધારો નોંધાયો છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર કાચા માલના ભાવમાં સ્થિરતા અને માંગમાં સુધારાને કારણે ત્રિમાસિક દરમિયાન બાંધકામ પ્રવૃત્તિમાં વધારો થયો હતો, જેની સીધી અસર હોમ લોનના વિતરણ પર જોવા મળી હતી.

કુલ બાકી હોમ લોનની સ્થિતિ જોઈએ તો સપ્ટેમ્બર 2026માં બાકી રકમ ₹2,92,004 કરોડ પર પહોંચી છે, જે એક વર્ષ અગાઉ સપ્ટેમ્બર 2025માં ₹2,60,502 કરોડ હતી અને આ રીતે બાકી લોનના મૂલ્યમાં 12.1 ટકાનો વધારો થયો છે.

બાકી હોમ લોન ખાતાઓની સંખ્યામાં માત્ર નજીવો વધારો થયો છે, જે સપ્ટેમ્બર 2025ના 17,54,837 ખાતાઓથી વધીને સપ્ટેમ્બર 2026માં 17,59,223 ખાતાઓ પર પહોંચી છે.

(7:00 PM IST)