<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 15th May 2026

અમદાવાદના ફ્તેવાડી વિસ્તારમાં ભયાનક અકસ્માત: ડમ્પરે ટક્કર મારતા ધોળકા જતી એક્ટિવા સવાર યુવતીનું કરૂણમોત

ટક્કર એટલી ભયાનક હતી કે યુવતી ડમ્પરના ટાયર નીચે આવી ગઈ:અકસ્માતને પગલે આસપાસના લોકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા પરંતુ ગંભીર ઈજાઓને કારણે યુવતીએ દમ તોડી દીધો

અમદાવાદના એસ.જી. હાઈવે અને આસપાસના વિસ્તારોમાં ટ્રાફિક અને ભારે વાહનોનો આતંક સતત વધી રહ્યો છે. અમદાવાદના નવા ફ્તેવાડી  વિસ્તારમાં એક હૃદયદ્રાવક અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં એક બેફામ ગતિએ આવતા ડમ્પર ચાલકે એક્ટિવા સવાર યુવતીને કચડી નાખતા તેનું ઘટનાસ્થળે જ કરુણ મોત નિપજ્યું છે.

 

 

મળતી માહિતી મુજબ, આ અકસ્માત બપોરના સમયે ફ્તેવાડીના મુખ્ય માર્ગ પર સર્જાયો હતો. ડમ્પર ચાલકે પોતાની ગફલતભરી રીતે વાહન ચલાવીને રસ્તા પર જતી એક એક્ટિવાને જોરદાર ટક્કર મારી હતી. ટક્કર એટલી ભયાનક હતી કે યુવતી ડમ્પરના ટાયર નીચે આવી ગઈ હતી. આ અકસ્માતને પગલે આસપાસના લોકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા, પરંતુ ગંભીર ઈજાઓને કારણે યુવતીએ દમ તોડી દીધો હતો.

 

અકસ્માતમાં ભોગ બનનાર યુવતીની ઓળખ 20 વર્ષીય કાવ્યા પંડ્યા તરીકે થઈ છે. પ્રાથમિક અહેવાલ મુજબ, કાવ્યા પોતાની એક્ટિવા લઈને અમદાવાદથી ધોળકા રહી હતી, ત્યારે માર્ગમાં કાળમુખા ડમ્પરનો શિકાર બની હતી. એક આશાસ્પદ યુવતીના અકાળે અવસાનથી તેના પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

ઘટનાની જાણ થતા જ સ્થાનિક પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડવાની તજવીજ હાથ ધરી હતી. અકસ્માત બાદ ડમ્પર ચાલક વાહન મૂકી ફરાર થઈ ગયો હોવાની વિગતો મળી રહી છે. આ ઘટનાને પગલે સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. લોકોનું કહેવું છે કે આ વિસ્તારમાં ભારે વાહનોની અવરજવર અને તેમની બેફામ ગતિ વારંવાર અકસ્માતનું કારણ બને છે. પોલીસ હાલ આ મામલે ગુનો નોંધીને ફરાર ડમ્પર ચાલકને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે

(9:47 PM IST)