News of Monday, 5th October 2026
પાલનપુરમાં ક્રેનની બ્રેક ફેલ થતા ભયાનક અકસ્માત: 10થી વધુ વાહનોનો કચ્ચરઘાણ
પાલનપુર એરોમા સર્કલ પાસે અમદાવાદ હાઇવે તરફથી આવતી ક્રેનની બ્રેક ફેસ થતા 10થી વધુ વાહનો અડફેટે લીધા

બનાસકાંઠા જિલ્લાના પાલનપુર શહેરથી એક મોટા અકસ્માતના સમાચાર સામે આવ્યા છે. પાલનપુરના વ્યસ્ત એરોમા સર્કલ નજીક હાઇવે પર ટ્રાફિક જામની સ્થિતિ વચ્ચે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અમદાવાદ હાઇવે તરફથી પૂરપાટ ઝડપે આવી રહેલી એક ક્રેનની અચાનક બ્રેક ફેલ થઈ ગઈ હતી, જેના કારણે ચાલકે ક્રેન પરથી કાબૂ ગુમાવી દીધો હતો અને અફરાતફરી મચી ગઈ હતી.
બ્રેક ફેલ થયેલી અનિયંત્રિત ક્રેને રસ્તા પર ટ્રાફિક જામમાં ઉભેલા 10 થી વધુ વાહનોને એકસાથે અડફેટે લીધા હતા. આ ભયાનક ટક્કરમાં ટેમ્પો ટ્રાવેલર, અનેક કારો તેમજ એક રીક્ષા સહિતના વાહનોનો ભારે કચ્ચરઘાણ નીકળી ગયો હતો. વાહનોમાં સવાર કેટલાક લોકોને નાની-મોટી ઇજાઓ પહોંચતા તેમને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જોકે, આટલો મોટો અકસ્માત સર્જાવા છતાં સદનસીબે કોઈ મોટી જાનહાની ન થતા સૌએ રાહતનો શ્વાસ લીધો હતો.
પાલનપુરના એરોમા સર્કલ પાસે એકસાથે અનેક વાહનો અકસ્માતનો ભોગ બનતાની સાથે જ આસપાસના લોકોના ભારે ટોળે ટોળાં ઉમટી પડ્યા હતા. ઘટનાને પગલે હાઇવે પર ટ્રાફિકજામની સ્થિતિ સર્જાઈ હતી. બનાવની જાણ થતાં જ સ્થાનિક પોલીસ ત્વરિત ઘટના સ્થળે દોડી આવી હતી અને ક્રેનને હટાવીને ટ્રાફિક પૂર્વવત કરી કાયદેસરની આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
(11:30 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
