News of Saturday, 19th September 2026
સુરતમાં માનવતા શર્મસાર: સચિન વિસ્તારની ખાડીમાંથી મળી આવ્યો માસૂમ નવજાત બાળકીનો મૃતદેહ!
કોમ્યુનિટી હોલ પાછળ ખાડીમાં માસૂમ શિશુને ફેંકી તસ્કર ફરાર: કળિયુગી માતા-પિતા કે અજાણ્યા શખ્સોને શોધી કાઢવા પોલીસે સીસીટીવી તપાસ્યા

સુરત : સુરત શહેરમાં માનવતાને રંઝાડતી અને હૃદય ધ્રૂજાવી દે તેવી એક અત્યંત કાળજું કંપાવનારી ઘટના પ્રકાશમાં આવી છે. શહેરના સચિન વિસ્તારમાં આવેલા એક કોમ્યુનિટી હોલની પાછળ કબ્રસ્તાન નજીકથી વહેતી ખાડીના પાણીમાંથી એક નવજાત માસૂમ બાળકીનો મૃતદેહ મળી આવતાં સમગ્ર પંથકમાં અરેરાટી સાથે ભારે રોષની લાગણી વ્યાપી ગઈ છે. કોઈ નિર્દયી અજાણ્યા શખ્સો અથવા જન્મ આપનારાઓએ જ પોતાની પાપલીલા છુપાવવા માટે આ માસૂમ બાળકીને ખાડીમાં ફેંકી દીધી હોવાની સ્થાનિકોમાં પ્રબળ આશંકા સેવાઈ રહી છે.
ઘટનાની વિગતો મુજબ, આ વિસ્તારમાં લોકોની અવરજવર સતત રહેતી હોય છે. તે દરમિયાન સુરત મહાનગરપાલિકાના કર્મચારીઓ ત્યાંથી પસાર થઈ રહ્યા હતા ત્યારે લોકોનું ટોળું એકઠું થયેલું જોઈને તેઓ તપાસ અર્થે પહોંચ્યા હતા. ખાડીના પાણીની અંદર તણાઈ આવેલી અને પડી રહેલી નવજાત બાળકીની લાશ જોઈને મનપાના કર્મચારીઓ પણ ચોંકી ઉઠ્યા હતા. બનાવ અંગે તાત્કાલિક સ્થાનિક પોલીસને જાણ કરવામાં આવતાં પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો.
સિવિલ હોસ્પિટલમાં પીએમ અર્થે ખસેડાઈ: પોલીસ દ્વારા હોસ્પિટલોના રેકોર્ડની ચકાસણી
ગંભીરતાને ધ્યાને લઈને પોલીસે ખાડીમાંથી માસૂમ બાળકીના મૃતદેહને બહાર કાઢીને સુરત સિવિલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપ્યો હતો. આ બાળકી કોની છે, તેના જન્મદાતા કોણ છે અને તેને આટલી નિર્દયતાથી કોણ ફેંકી ગયું તે દિશામાં પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. પોલીસે આસપાસના તમામ સીસીટીવી કેમેરાના ફૂટેજ મેળવવાની સાથે નજીકની તમામ હોસ્પિટલોમાં તાજેતરમાં જન્મેલી બાળકીઓનો રેકોર્ડ તપાસવાનું શરૂ કર્યું છે. સ્થાનિકોએ આ અમાનુષી કૃત્ય કરનાર સામે કડકમાં કડક કાર્યવાહી કરવાની માગ કરી છે.
(7:49 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
