તા. ૧૯ ડિસેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ માગશર વદ – ૧૫ શુક્રવાર
News of Wednesday, 15th July 2026
પતિએ ઘરમાં હિડન માઇક મૂકી પત્નીના કથિત સંબંધો પકડ્યા
જીમની દોસ્તી પ્રેમમાં બદલાઈઃ પત્નીના કથિત લગ્નેતર સંબંધોના આરોપ બાદ પતિએ ઘરમાં ગુપ્ત ઓડિયો રેકોર્ડિંગ ડિવાઇસ લગાવ્યાનો દાવો કર્યો : કોર્ટના આદેશ બાદ હવે સાયબર ક્રાઇમ પોલીસ સમગ્ર મામલે ૩૦ દિવસમાં તપાસ રિપોર્ટ રજૂ કરશેઃ જે બાદ જ આ હાઈપ્રોફાઈલ કેસનું સત્ય બહાર આવશે

અમદાવાદ તા.૧૫: શહેરમાં લગ્નેતર સંબંધ, બ્લેકમેલિગ અને ધમકીઓનો એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જેમાં ૨૭ વર્ષના લગ્નજીવન બાદ પત્નીના કથિત સંબંધો પકડવા માટે પતિએ ઘરમાં ગુપ્ત ઓડિયો રેકોર્ડિગ સિસ્ટમ ગોઠવવી પડી હતી. કુબેરનગરના એક વેપારીએ પત્ની અને તેના જીમ મિત્ર સામે કરેલી અરજીને પગલે અમદાવાદની મેટ્રોપોલિટન કોર્ટે આ મામલાને ગંભીરતાથી લીધો છે. કોર્ટે સાયબર ક્રાઇમ પોલીસને આ સમગ્ર હનીટ્રેપ અને ધમકીના આરોપોની તપાસ કરીને ૩૦ દિવસમાં વિગતવાર અહેવાલ રજૂ કરવા કડક આદેશ કર્યો છે.
અરજદાર વેપારીના જણાવ્યા અનુસાર, તેમના લગ્નને ૨૭ વર્ષ થઈ ચૂક્યા છે અને તેઓ બે સંતાનોના પિતા છે. સુખી સંસારમાં વિખવાદ ત્યારે શરૂ થયો જ્યારે તેમની પત્નીએ ફિટનેસ માટે જીમમાં જવાનું શરૂ કર્યું હતું. જીમમાં તેની મુલાકાત એક વ્યક્તિ સાથે થઈ હતી, જે સમય જતાં નજીકના પ્રેમ સંબંધમાં બદલાઈ ગઈ હતી.
પત્નીના બદલાયેલા વર્તનને કારણે પરિવારને શંકા જતાં પતિએ ઘરમાં ગુપ્ત રીતે ઓડિયો રેકોર્ડિગ ડિવાઇસ લગાવ્યું હતું. આ રેકોર્ડિગમાં પત્ની અને તેના મિત્ર વચ્ચેની આપત્તિજનક વાતચીતો અને શહેર બહાર સાથે ફરવા જવાના પુરાવા કેદ થઈ ગયા હતા, જે હવે કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યા છે. વિવાદ વધતાં વેપારીએ પોતાની સુરક્ષા અને પત્નીના નામે રહેલા બેંક લોકરમાંથી કિમતી દાગીના કે મિલકત સગેવગે ન થઈ જાય તે માટે સિવિલ કોર્ટના દ્વાર ખખડાવ્યા હતા, જ્યાંથી તેમણે લોકર ઓપરેટ કરવા પર મનાઈ હુકમ મેળવી લીધો હતો.
આ કાનૂની કાર્યવાહીથી ઉશ્કેરાઈને પત્નીના કથિત પ્રેમીએ વેપારીને ફોન પર ગંભીર ધમકીઓ આપવાનું શરૂ કર્યું હતું. આરોપ છે કે તે વ્યક્તિએ ઓડિયો રેકોર્ડિગના પુરાવા સોંપી દેવા, સમાધાન કરવા દબાણ કરવા સહિત જાનથી મારી નાખવાની અને ખોટા કેસોમાં ફસાવી દેવાની ધમકીઓ આપી હતી. આ આખી ઘટના સમાજ અને સગા-સંબંધીઓમાં જાહેર થઈ જતાં વેપારી ભારે માનસિક તણાવ અને ડિપ્રેશનમાં સરી પડ્યા હતા.
સ્થાનિક પોલીસ અને સાયબર ક્રાઇમમાં અગાઉ દાદ ન મળતાં આખરે તેમણે કોર્ટનો આશરો લીધો હતો. એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ સમક્ષ ઇન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટ અને ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધવાની માગ કરાઈ હતી. જેને પગલે કોર્ટે સાયબર ક્રાઇમને ૩૦ દિવસમાં તપાસ સોંપી છે, જેનો રિપોર્ટ આવ્યા બાદ જ આ હાઈપ્રોફાઈલ કેસનું સત્ય બહાર આવશે.
(1:23 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
