News of Friday, 1st May 2026
પત્નીના ચારિત્ર્ય અને માનસિક ત્રાસથી કંટાળીને પતિએ આત્મહત્યા કરી
પત્ની દ્વારા થતા સતત ઘરકંકાસ અને ચારિત્ર્યહીનતાને કારણે દશરથ માનસિક રીતે ભાંગી પડ્યો હતો

અમદાવાદ તા.૧: અમદાવાદના રાણીપ વિસ્તારમાં હૃદયદ્રાવક ઘટના સામે આવી છે, જેમાં એક પરિણીત પુરુષે પોતાની પત્નીના ચારિત્ર્ય અને માનસિક ત્રાસથી કંટાળીને આત્મહત્યા કરી લીધી છે. ૨૨ માર્ચ, ૨૦૨૬ના રોજ બનેલી આ ઘટનામાં દશરથ દેસાઈ નામના વ્યક્તિએ ગળે ફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું હતું. મૃત્યુ પૂર્વે દશરથે અત્યંત દર્દનાક વીડિયો બનાવ્યો હતો અને બે પાનાની સુસાઇડ નોટ પણ લખી હતી, જેમાં પત્ની ભગવતીના અનૈતિક સંબંધો અને આર્થિક છેતરપિડીનો વિગતવાર ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા અને પોલીસને સુસાઇડ નોટ મળતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે.
દશરથ દેસાઈએ પોતાના અંતિમ ૬.૫૧ મિનિટના વીડિયોમાં હૈયું ચીરી નાખે તેવી વ્યથા ઠાલવી હતી. તેણે આક્ષેપ કર્યો હતો કે તેની પત્ની ભગવતીના અનેક પુરુષો સાથે આડા સંબંધો હતા અને જ્યારે પણ તે પત્નીને સમજાવવા જતો ત્યારે ઉલટું પત્ની જ તેને ખોટા કેસમાં ફસાવી દેવાની અથવા પોતે આપઘાત કરી લેશે તેવી ધમકી આપતી હતી. વીડિયોમાં દશરથે ભગવતી ઉપરાંત લસી, મહેશ, ભીખાભાઈ અને સુરેખા નામના વ્યક્તિઓના નામનો પણ ઉલ્લેખ કર્યો છે, જેઓ તેને સતત માનસિક રીતે ટોર્ચર કરતા હતા. પત્ની દ્વારા થતા સતત ઘરકંકાસ અને ચારિત્ર્યહીનતાને કારણે દશરથ માનસિક રીતે ભાંગી પડ્યો હતો.
આ મામલે વધુ ચોંકાવનારો ખુલાસો મૃતકના ભાઈ દેવશીએ કર્યો છે. દેવશીએ જણાવ્યું કે દશરથે વર્ષોની મહેનતથી જે કંઈ કમાણી કરી હતી અને બચત કરી હતી, તે તમામ મિલકત અને રોકડ ભગવતીએ પોતાના નામે કરી લીધી હતી અથવા તો પડાવી લીધી હતી. આર્થિક રીતે પાયમાલ થઈ ગયેલા અને પત્નીના પરપુરુષો સાથેના સંબંધોની જાણ થતા દશરથને જીવવું મુશ્કેલ લાગી રહ્યું હતું. પત્નીની બેવફાઈ અને આર્થિક છેતરપિડીના બેવડા મારને કારણે અંતે દશરથે બે માસૂમ બાળકોની પરવા કર્યા વગર જીવન ટૂંકાવવાનો આકરો નિર્ણય લીધો હતો.
રાણીપ પોલીસે આ મામલે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. આપઘાત બાદ તરત જ પત્ની ભગવતી ફરાર થઈ ગઈ હતી, પરંતુ પોલીસે ટેકનિકલ સર્વેલન્સના આધારે તેને ઝડપી પાડી છે. પોલીસને દશરથના મોબાઈલમાંથી મળેલા પુરાવા અને સુસાઇડ નોટમાં લખાયેલી હકીકત મુજબ ભગવતી વિરુદ્ધ દુષ્પ્રેરણાનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. હાલ પોલીસ સુસાઇડ નોટમાં દર્શાવેલા અન્ય નામોની પણ પૂછપરછ કરી રહી છે. આ ઘટનાએ ફરી એકવાર લગ્નજીવનમાં વધતા જતા અવિશ્વાસ અને સોશિયલ મીડિયાના યુગમાં તૂટતા સંબંધોની કરૂણતાને ઉજાગર કરી છે.
(10:06 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
