News of Monday, 20th July 2026
પતિ પંખે લટકતો મળ્યોઃ પત્નીની લાશ જમીન પર પડી હતી
પ્રથમ મેરેજ એનીવર્સરીના બીજા જ દિવસે રહસ્યમય મોત સુરતમાં લગ્નની પ્રથમ વર્ષગાંઠના બીજા જ દિવસે ૨૩ વર્ષના અભય અને ૧૯ વર્ષની દિશાના રહસ્યમય મોતે આખા વિસ્તારને હચમચાવી દીધો

સુરત,તા.૨૦: સુરત શહેરમાં ફરી એક વાર હૃદય કંપાવી દેતી અને રહસ્યમય ઘટના સામે આવી છે. જેમાં કતારગામના ડભોલી ચાર રસ્તા પાસેની કિસ્મત કોલોનીમાં રહેતા દંપતીની લગ્નની પ્રથમ વર્ષગાંઠના બીજા જ દિવસે ૧૯ જુલાઈએ બંનેના મોતે આખા વિસ્તારને સ્તબ્ધ કરી દીધો છે. જેમાં ૨૩ વર્ષનો પતિ અભય ઘરના પંખા સાથે ફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યો, જ્યારે તેની ૧૯ વર્ષીય પત્ની દિશા જમીન પર ચાદર ઓઢેલી મૃત હાલતમાં પડી હતી. આ જોઈને આખા વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે અને અનેક તર્ક-વિતર્ક ચાલી રહ્યા છે. મૂળ ભાવનગરના મહુવા તાલુકાના ખડસલીયા ગામના અભય ગિરીશભાઈ કાતરીયા લિફટ રીપેરિગનું કામ કરતો હતો. એક વર્ષ પહેલાં તેણે ઝારખંડની દિશા આહોજા (૧૯) સાથે કોર્ટ મેરેજ કર્યા હતા. આ બંને પરિવાર સાથે રહેતા હતા.
જેમાં રવિવારે અભયનાં માતા-પિતા કામે ગયા હતા. ઘરમાં માત્ર અભય અને દિશા જ હતાં. આ દરમિયાન અભયે અજાણ્યા કારણોસર પંખા સાથે દુપટ્ટો બાંધીને આત્મહત્યા કરી લીધી હોય તેમ લાગે છે, જ્યારે દિશા જમીન પર ચાદર ઓઢેલી હાલતમાં મૃત મળી આવી. કાકી પિન્કીબેને રૂમનો દરવાજો ખોલતાં જ આ ભયાનક લ્લશ્ય જોઈને સ્તબ્ધ થઈ ગયાં હતા. અને તેમને તરત જ પરિવારને જાણ કરી અને ૧૦૮ને બોલાવી હતી. જેમાં બંનેને મૃત જાહેર કરવામાં આવ્યા હતા.
આ ઘટનાની સૌથી વધુ કરુણ વાત એ છે કે શનિવારે જ આ નવદંપતીની લગ્નની પ્રથમ વર્ષગાંઠ હતી. આ બંને બહાર ફરવા ગયાં હતાં. અભયના કાકા ખાસ કેક અને નવાં કપડાં પણ લાવ્યા હતા. પરંતુ અભયે થાક લાગવાનું કહીને કેક રવિવારે કાપવાનું કહ્યું હતું. કોણે વિચાર્યું હશે કે આ કેક કાપવાના બદલે તેમની જિદગીનો અંત આવી જશે. દિશાની માતાએ પણ દીકરીને સોનાની બુટ્ટી ભેટ આપી હતી.
દિશા જમીન પર ચાદર ઓઢેલી હાલતમાં મળી આવી હોવાથી અનેક શંકાઓ ઊભી થઈ છે. જેમાં શરીર પર કોઈ ઈજા છે કે નહીં, મોત ગૂંગળામણથી કે ઝેરથી થયું છે? આ બધું પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ જ સ્પષ્ટ થશે. જેમાં પોલીસે આ બંનેના મોબાઈલ કબજે કરી લીધા છે અને કોલ્સ-ચેટની તપાસ કરી રહી છે. દિશા તેના માતા-પિતાની એકની એક દીકરી હતી અને અભય પરિવારનો કમાતો યુવાન હતો. જેથી બે પરિવારોમાં આક્રંદ છવાઈ ગયો છે.
(3:59 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
