News of Tuesday, 2nd June 2026
મહેસાણામાં કોંગ્રેસની બેઠકમાં જાસૂસી કરતા આઈબીના અધિકારીઓ ઝડપાયા?
મોંઘવારી અને નીટ મુદ્દે ઉગ્ર પ્રદર્શનની જાહેરાત કરતા અમિત ચાવડા

રાજકોટઃ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા મહેસાણાના સરદાર પટેલ ભવન ખાતે ઉત્તર ગુજરાત ઝોનની સમીક્ષા બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં મંજૂરી વગર પ્રવેશ કરી જાસૂસી કરતા આઈબીના અધિકારીઓ રંગે હાથ ઝડપાતા ચકચાર મચી ગઈ છે. કોંગ્રેસના નેતાઓએ આક્ષેપ કર્યો છે કે ભાજપ સરકાર વિપક્ષને ડરાવવા સત્તા અને સરકારી તંત્રનો દુરુપયોગ કરી રહી છે. પકડાયેલા અધિકારીઓના મોબાઈલમાંથી જાસૂસી સંબંધિત ગંભીર વિગતો મળી આવી છે. નેતાઓએ મુખ્યમંત્રી અને ગૃહમંત્રીને વિપક્ષની જાસૂસી બંધ કરી પોલીસ-આઈબીને જનતાની સુરક્ષા અને ડ્રગ્સ નાબૂદીમાં લગાવવા અપીલ કરી છે.
પ્રેસ મીડિયાને સંબોધતા ગુજરાત કોંગ્રેસ પ્રમુખ શ્રી અમિતભાઈ ચાવડાએ જણાવ્યું કે, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માત્ર ભાજપ સામે નહીં, પરંતુ પોલીસ, પ્રશાસન અને બુટલેગરોના ગઠબંધન સામે લડાઈ હતી. અધિકારીઓના ભાજપ તરફી વલણ અને નાણાકીય પ્રભાવ સામે કોંગ્રેસના કાર્યકરો મજબૂતાઈથી લડ્યા છે, જ્યારે પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરનારાઓ સામે આંતરિક તપાસ ચાલુ છે.
બેઠકમાં આગામી આક્રમક કાર્યક્રમોની જાહેરાત કરવામાં આવી છે
મોંઘવારી વિરોધઃ આગામી અઠવાડિયાથી સમગ્ર ગુજરાતના તમામ તાલુકા મથકો પર પેટ્રોલ, ડીઝલ અને સીએનજીના ભાવવધારા સામે વિરોધ પ્રદર્શનો થશે.
નીટ પેપર લીક વિરોધઃ નીટ પરીક્ષાના પેપર લીક અને ભ્રષ્ટાચાર સામે યુવાનોના આક્રોશને વાચા આપવા ૪ થી ૧૨ જૂન દરમિયાન તમામ તાલુકા મથકો પર ઉગ્ર પ્રદર્શન કરાશે.
બૂથ સંવાદઃ જુલાઈ મહિનાથી દરેક વિધાનસભા બેઠક દીઠ બૂથ લેવલના કાર્યકરો સાથે સીધો સંવાદ શરૂ કરાશે.
આ બેઠકમાં એઆઈસીસીના મહામંત્રી અને ગુજરાત પ્રભારી મુકુલ વાસનિકજી, પ્રમુખ અમિત ચાવડા, વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા ડો. તુષાર ચૌધરી, સીડબલ્યુસીના સભ્ય જગદીશ ઠાકોર, સહપ્રભારી સુભાષિની યાદવ સહિત મહેસાણા, ગાંધીનગર, અરવલ્લી, સાબરકાંઠા અને બનાસકાંઠા જિલ્લાના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હોવાનું મીડિયા કોર્ડીનેટર અને પ્રવક્તા હેમાંગ રાવલ (મોઃ ૯૮૯૮૩૩૦૩૮) દ્વારા અખબારી યાદીમાં જણાવવામાં આવેલ છે.
(1:26 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
