News of Friday, 6th November 2026
‘રાજ્યમાંથી દારૂબંધી હટે તો રૂ.૩૦ હજાર કરોડની આવક થાય, નવી શાળાઓ અને હોસ્પિટલો ખૂલે': ધ્રુવિક પટેલનો દાવો
રાજકોટમાં તાજેતરમાં ચકચાર જગાવનારા મહેફિલકાંડ બાદ રાજ્યમાં દારૂબંધીના અમલ અને તેની ઉપયોગિતા સામે ફરી એકવાર મોટો સળવળાટ શરૂ થયો છે બિલ્ડર એસોસિએશનના ઉપપ્રમુખ ધ્રુવિક પટેલે વધુ એક વીડિયો જાહેર કરીને ગુજરાતમાંથી દારૂબંધી હટાવવાની ખુલ્લેઆમ હિમાયત કરી છે

અમદાવાદઃ તા.૬: રાજકોટની સરાઝા હોટેલમાં ઝડપાયેલી હાઇ-પ્રોફાઇલ દારૂ મહેફિલ બાદ ગુજરાતમાં દારૂબંધીના કાયદાની વાસ્તવિકતા અને તેના અમલ સામે ઉઠેલા સવાલો વધુ તેજ બન્યા છે. આ વિવાદ વચ્ચે બિલ્ડર એસોસિએશનના ઉપપ્રમુખ ધ્રુવિક પટેલનો વધુ એક સોશિયલ મીડિયા વીડિયો સામે આવ્યો છે, જેમાં તેમણે ગુજરાતમાંથી દારૂબંધી હટાવી દેવાની ખુલ્લેઆમ હિમાયત કરીને રાજકીય તેમજ સામાજિક વર્તુળોમાં નવો વિવાદ છેડ્યો છે. ધ્રુવિક પટેલે આર્થિક ગણતરીઓ રજૂ કરીને દારૂબંધી હટાવવાથી રાજ્યના અર્થતંત્રને થનારા ફાયદા ગણાવ્યા છે.
વીડિયોમાં પોતાના વિચારો સ્પષ્ટ શબ્દોમાં રજૂ કરતા ધ્રુવિક પટેલે જણાવ્યું હતું કે, ગુજરાતમાં દારૂબંધી માત્ર કાગળ પર રહી ગઈ હોવાની ચર્ચાઓ વચ્ચે સરકારે વ્યવહારુ અભિગમ અપનાવવો જોઈએ. જો રાજ્યમાંથી દારૂબંધી સત્તાવાર રીતે હટાવી લેવામાં આવે તો સરકારની તિજોરીમાં ટેક્સ અને એક્સાઇઝ ડ્યુટી પેટે વાર્ષિક અંદાજે રૂ.૩૦,૦૦૦ કરોડની માતબર આવક થઈ શકે છે. આ રકમનો ઉપયોગ રાજ્યના ખૂણેખૂણે નવી આધુનિક સરકારી શાળાઓ ઊભી કરવા અને ગરીબો માટે નિઃશુલ્ક સારવાર આપતી હોસ્પિટલો-દવાખાના શરૂ કરવા માટે થઈ શકે છે.
ધ્રુવિક પટેલે લોકોને આહ્વાન કરતાં કહ્યું હતું કે, હવે સમય આવી ગયો છે કે સમાજના પ્રબુદ્ધ નાગરિકો, વેપારીઓ અને યુવાનોએ દારૂબંધીની જમીની હકીકત અંગે સરકાર અને સમાજ સામે પોતાના મંતવ્યો ખુલીને રજૂ કરવા જોઈએ. તેમણે ભારપૂર્વક કહ્યું કે, ‘‘મારો સ્પષ્ટ અને અંગત મત છે કે ગુજરાતમાંથી હવે દારૂબંધી સદંતર હટી જવી જોઈએ.'' તેમણે ઉમેર્યું કે જો કાયદેસર રીતે આ છૂટછાટ આપવામાં આવે તો બહારના રાજ્યોમાંથી આવતા ઉદ્યોગપતિઓ, પ્રવાસીઓ અને રોકાણકારો માટે પણ સાનુકૂળ વાતાવરણ બનશે.
બિલ્ડર એસોસિએશનના ઉપપ્રમુખે દાવો કર્યો હતો કે દારૂબંધી હટવાથી ગુજરાતના હોસ્પિટાલિટી, ટુરિઝમ અને રિયલ એસ્ટેટ સેક્ટરને મોટો બૂસ્ટ મળશે. પડોશી રાજ્યો કે કેન્દ્રશાસિત પ્રદેશોમાં જે કરોડો રૂપિયા ગુજરાતના નાગરિકો ખર્ચી આવે છે, તે સમગ્ર મૂડી રાજ્યના સ્થાનિક બજારોમાં જ ફરતી થશે, જેનાથી નાના-મોટા તમામ વેપાર-ધંધાઓને આર્થિક વેગ મળશે.
રાજકોટ મહેફિલકાંડ બાદ એક પછી એક વાયરલ થઈ રહેલા નિવેદનો અને વીડિયોથી દારૂબંધીના સમર્થકો અને વિરોધીઓ વચ્ચે સોશિયલ મીડિયા પર જોરદાર ચર્ચા શરૂ થઈ છે.
(3:45 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
