<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 17th April 2026

"જો રાહુલ ગાંધીના બહેન સાંસદ બની શકે અને લાલુ પ્રસાદ યાદવના પત્ની મુખ્યમંત્રી બની શકતા હોય, તો ગુજરાતની દીકરી કેમ સંસદમાં ન બેસી શકે?"

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ વડોદરામાં આયોજિત એક ચૂંટણી સભાને સંબોધતા મહિલા અનામત બિલનો વિરોધ કરી રહેલા પક્ષોના નેતાઓ પર આકરા પ્રહાર કર્યા

વડોદરા :નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ વડોદરામાં આયોજિત એક ચૂંટણી સભાને સંબોધતા મહિલા અનામત બિલનો વિરોધ કરી રહેલા પક્ષોના નેતાઓ પર આકરા પ્રહાર કર્યા હતા. તેમણે પરિવારવાદ પર નિશાન સાધતા વેધક સવાલ ઉઠાવ્યા હતા, અને ગુજરાતમાં ભાજપના ભવ્ય વિજયનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

 

ચૂંટણી સભામાં હર્ષ સંઘવીએ વિપક્ષોની ટીકા કરતા સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે, "જો મોટા રાહુલ ગાંધીના બહેન અને અખિલેશ યાદવના સાંસદ તથા લાલુ પ્રસાદ યાદવના પત્ની મુખ્યમંત્રી બની શકતા હોય, તો ગુજરાતની સામાન્ય ઘરની દીકરી કેમ સંસદમાં ન બેસી શકે?" તેમણે આ દ્વારા વિપક્ષોની માનસિકતા પર સવાલ ઉઠાવ્યો હતો.

 

વડોદરામાં ભાજપની જીતનો હુંકાર કરતા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ દાવો કર્યો હતો કે ગુજરાતમાં કોંગ્રેસનો પંજો અભરાઈએ ચડશે અને આમ આદમી પાર્ટી (AAP) ના ઝાડુના સૂપડા સાફ થઈ જશે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, હારના ડરથી વિરોધી પક્ષો અત્યારથી જ ઈવીએમ (EVM) પર દોષારોપણ કરવાની તૈયારી કરી રહ્યા છે.

 

પોતાની પાસે આવેલા અનેક સરવેનો હવાલો આપતા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, વડોદરાના લોકો દરરોજ તાયફા કરીને નાટક કરનાર જનસેવકોથી હવે કંટાળી ગયા છે. તેમણે કોંગ્રેસમાં ગયેલા નેતાઓ પર કટાક્ષ કરતા કહ્યું કે, ભલે પાર્ટી બદલીને વિપક્ષમાંથી લડતા હોય, પરંતુ તેઓ બધા જ ઘર ભેગા થવાના છે.

વડોદરામાં હરણીના ભાજપના પૂર્વ કોર્પોરેટર આશિષ જોશી અને પૂર્વ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવની દિકરીઓ કોંગ્રેસના ઉમેદવાર તરીકે ચૂંટણી લડી રહી છે, ત્યારે હર્ષ સંઘવીએ ઉમેર્યું કે લોકો આવા નેતાઓને પૂછે છે કે તેમણે પ્રજાના કામ કરવાને બદલે માત્ર ન્યૂઝ પેપરમાં હેડિંગ બનાવવા જ વિરોધ કર્યો છે.

 

સંબોધનના અંતમાં હર્ષ સંઘવીએ ભાજપના કોર્પોરેશનના ઉમેદવારોને આવતીકાલના કાઉન્સિલર ગણાવીને એક મહત્વની શિખામણ આપતા જણાવ્યું કે, કોર્પોરેટરની એ જવાબદારી છે કે લોકોનો રાતે 2 વાગે પણ નાનામાં નાના કામ માટે ફોન આવે, તો હસતાં મોઢે સારો જવાબ આપીને કામ કરવાનું છે. કોંગ્રેસીઓ ભાજપના મજબૂત કામોથી કંટાળી ગયા છે.

(12:03 PM IST)