<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 28th September 2026

વોટ્‍સએપ પર કંકોત્રી આવી ખોલી તો ખાતું ખાલી

સુપેડી ગામે ડિજિટલ યુગમાં સાયબર ઠગાઈનો એક ચોંકાવનારો કિસ્‍સો સામે આવ્‍યોઃ તલાટીએ ગુમાવ્‍યાં ૬.૫૦ લાખ : શરૂઆતમાં આ ફાઈલ ખૂલી નહોતી પરંતુ ત્‍યારબાદ ફાઈલ ખૂલતાની સાથે જ મોબાઈલ હેક થઈ ગયો હતો

અમદાવાદ તા.૨૮: રાજકોટ જિલ્‍લાના ધોરાજી તાલુકાના સુપેડી ગામમાં એક નિવૃત તલાટી સાયબર ઠગાઈનો ભોગ બન્‍યાં છે. ૭૦ વર્ષીય જયંતિલાલ પ્રાગજીભાઈ ભેસદડીયા નિવૃત્ત તલાટી મંત્રી છે અને પત્‍ની સાથે નિવૃત્ત જીવન વિતાવી રહ્યા છે. તેમને વોટસ્‌એપ પર એક લગ્નની કંકોત્રી એપીકે ફાઈલમાં આવી હતી અને તેમને ખોલવા જતું તેમનું ખાતું ખાલી થઈ ગયું હતું.

શરૂઆતમાં આ ફાઈલ ખૂલી નહોતી પરંતુ ત્‍યારબાદ ફાઈલ ખૂલતાની સાથે જ મોબાઈલ હેક થઈ ગયો હતો. ગઠિયાઓએ ટૂંકા ગાળામાં જ અલગ-અલગ સમયે બે-બે લાખ અને છેલ્‍લે ૫૭ હજાર મળી કુલ રૂ. ૬,૫૭,૦૦૦ની રકમ ઉપાડી લઈને બેંક એકાઉન્‍ટ સાવ ખાલીખમ કરી નાખ્‍યું હતું.

WhatsApp કે સોશિયલ મીડિયા પર કોઈ અજાણ્‍યા નંબર કે ગ્રૂપમાંથી આવતી શંકાસ્‍પદ ફાઈલ કે કંકોત્રીની લિક પર ભૂલથી પણ ક્‍લિક ન કરવું. આવી અજાણી ફાઈલને તાત્‍કાલિક ડિલીટ કરવી અને કોઈપણ શંકાસ્‍પદ ગતિવિધિ જણાય તો તુરંત જ નજીકના પોલીસ સ્‍ટેશન કે સાયબર હેલ્‍પલાઈન ૧૯૩૦ પર જાણ કરવી.

તલાટીનો ફોન હેક થતાં જ તેમના કોન્‍ટેક્‍ટ લિસ્‍ટ અને સુપેડી ગામના તમામ વોટ્‍સએપ ગ્રૂપમાં આ સંદિગ્‍ધ કંકોત્રીની ફાઈલ ઓટોમેટોકલી ફોરવર્ડ થવા લાગી હતી.ગામના આશરે ૩૦૦થી વધુ લોકોના ફોન પર આ વાયરસયુક્‍ત ફાઈલ ફરતી થઈ જતાં લોકોમાં ભારે ગભરાટ ફેલાયો છે. આ મામલે ગામના આગેવાનો અને સ્‍થાનિકો પણ ચિતા વ્‍યક્‍ત કરી રહ્યા છે અને લોકોને ચેતતા રહેવાની અપીલ છે

 

(3:41 PM IST)