<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 10th October 2026

કઠોળ-દાળમાં મોટો ભાવવધારો થતા તહેવારો ટાણે જ મોંઘવારીનો માર

હવે ગુજરાતી થાળી મોંઘી બની ગઈ

અમદાવાદ,તા.૧૦: અલ-નીનોની અસરે સમગ્ર ગુજરાતમાં અને ખાસ કરીને સૌરાષ્ટ્રમાં ઓછો વરસાદ થયો છે અને જળાશયો ખાલી રહ્યા છે. આનાથી કઠોળના ઉત્‍પાદનમાં ઘટાડાની ભીતિ વચ્‍ચે કૃષિ કોમોડીટીમાં જોરદાર તેજી જોવા મળી છે. તહેવારની સીઝન પહેલા કઠોળમાં થયેલા આ ભાવ વધારાએ મધ્‍યમવર્ગની આર્થિક રીતે કમર તોડી નાંખી છે. છેલ્‍લા એકાદ પખવાડીયામાં જ કઠોળ-દાળમાં મોટો ભાવવધારો થતા તહેવારો ટાણે જ લોકોને મોંઘવારીનો માર પડ્‍યો છે. હવે શાકભાજીના ભાવમાં પણ સેન્‍ચુરીના આંક જેટલો ભાવ થતા  રસોડાનુ બજેટ વેરવિખેર થઈ જાય તેવી ભીતિ છે.

આ વર્ષે ઓછા-અનિયમિત વરસાદથી ભાવ ઊચા જ રહેવાની દહેશતથી વેપારીઓ સ્‍ટોક કરવા લાગ્‍યા છેય આ અટકળો વ્‍યક્‍ત થવા લાગી છે. ખાસ કરીને અમદાવાદ અને રાજકોટ માર્કેટયાર્ડ તથા અનાજ-કઠોળ માર્કેટના વેપારીઓએ વાતચીતમાં કહ્યું હતું કે, તહેવારો પહેલાના છેલ્‍લા પંદર દિવસમાં જ શાકભાજી તેમજ કઠોળ સહિતની કૃષિ ચીજોમાં મોટો ભાવવધારો થયો છે. લોકોને તહેવારો મોંઘા પડે તેવી હાલત છે. ખાસ કરીને ની સબ્‍જી તથા તમામ પ્રકારની દાળનો ભાવ હોટેલમાં હવે સામાન્‍ય માણસને પોસાશે નહીં.  હોલસેલ માર્કેટમાં ચણાનો ભાવ પ્રતિકિલો રૂ.૬૦ હતો તે રૂ.૭૫ પર પહોંચ્‍યો છે. ચણાદાળનો ભાવ રૂ.૭૦ રૂપિયાવાળો રૂ.૯૦થી ૯૨ થયો છે. તુવેરદાળનો ભાવ રૂ.૧૧૦-૧૧૫થી વધીને રૂ.૧૩૦-૧૪૫ પર પહોંચ્‍યો છે.

અડદદાળમાં પણ કિલોએ રૂ.૪થી૫નો વધારો થયો છે અને પ્રતિકિલો ભાવ રૂ.૧૩૦થી૧૪૫ પર પહોંચ્‍યો છે. આ ભાવવધારાને કારણે હવે ગુજરાતી થાળી મોંઘી બની ગઈ છે. કઠોળના ચણા ઉપરાંત તુવેરનો ભાવ રૂ.૮૦થી વધીને રૂ.૧૦૦ થયો છે. મગનો ભાવ રૂ.૮૦થી વધીને રૂ.૯૦ થયો છે. રાજકોટમાંથી વેપારીઓએ કહ્યું કે હાલમાં વટાણા, વાલ,રાજમા અને ચોળી સહિત તમામ કઠોળના ભાવ વધી ગયા છે. સામાન્‍ય માણસને મળતી દાળ મોંઘી થઈ છે. અન્‍ય કૃષિ ચીજ પણ મોંઘી થઈ છે. એરંડામાં અસામાન્‍ય તેજી છે તેવી જ રીતે જીરૂનો ભાવ પખવાડીયા પુર્વે સરેરાશ રૂ.૪૦૦૦ હતો તેના રૂ.૪૮૦૦ થયા છે. છેલ્‍લા પખવાડીયામાં પ્રતિ કિલો સરેરાશ રૂ.૮થી રૂ.૧૦ રૂપિયાનો વધારો થયો છે. જીરાસર ચોખાનો હોલનેલ ભાવ પ્રતિકિલો રૂ..૬૦થી રૂ.૭૦, ચોખા કોલમનારૂ.૭૫, બાસમતી મીડીયમના રૂ.૭૫થી૮૦ તથા બાસમતી ટોપ કવોલિટીના રૂ.૧૩૦થી રૂ.૧૮૦ થયા છે.

(10:22 AM IST)