<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 10th July 2026

અમદાવાદની ભગવાન જગન્નાથજીની રથયાત્રા પહેલાં શહેર પોલીસ દ્વારા પ્રેરણાદાયી પહેલ :સમગ્ર શહેરમાં 'એકતા બાઇક રેલી' યોજાઈ

પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત વિશેષ ઉપસ્થિત રહ્યા અને રેલીનું નેતૃત્વ કર્યું: રેલીમાં મોટી સંખ્યામાં પોલીસ જવાનો અને અધિકારીઓ બાઇક પર સવાર થઈને જોડાયા

અમદાવાદની વિશ્વ પ્રસિદ્ધ ભગવાન જગન્નાથજીની 149મી રથયાત્રાના ભવ્ય આયોજન પહેલાં શહેર પોલીસ દ્વારા એક અત્યંત પ્રશંસનીય અને પ્રેરણાદાયી પહેલ કરવામાં આવી હતી. અમદાવાદ શહેર પોલીસ દ્વારા આજે સમગ્ર શહેરમાં 'એકતા બાઇક રેલી'નું આયોજન કરવામાં આવ્યું હતું, જેનો મુખ્ય ઉદ્દેશ્ય શહેરમાં શાંતિ, સુરક્ષા અને કોમી એખલાસનો સંદેશ ફેલાવવાનો હતો.

આ રેલીનો પ્રારંભ પ્રેમ દરવાજા ચોકીથી થઈને માધુપુરા વિસ્તાર સુધી કરવામાં આવ્યો હતો. રેલીમાં મોટી સંખ્યામાં પોલીસ જવાનો અને અધિકારીઓ બાઇક પર સવાર થઈને જોડાયા હતા. આ આયોજનમાં અમદાવાદ શહેરના પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત વિશેષ ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે રેલીનું નેતૃત્વ કર્યું હતું. રથયાત્રા જેવી સંવેદનશીલ અને પવિત્ર ધાર્મિક યાત્રા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે માટે પોલીસ તંત્ર દ્વારા આ એક આગોતરી તૈયારી અને લોકસંપર્કનો પ્રયાસ હતો.

આ પ્રસંગે વાત કરતા અમદાવાદ શહેરના પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે જણાવ્યું હતું કે, "અમદાવાદની રથયાત્રા એ માત્ર ધાર્મિક ઉત્સવ નથી, પરંતુ તે શહેરની સાંસ્કૃતિક ઓળખ છે. આ રેલી દ્વારા અમે જન-જન સુધી એ સંદેશ પહોંચાડવા માંગીએ છીએ કે શહેરની સુરક્ષા અને શાંતિ એ સૌની સહિયારી જવાબદારી છે. પોલીસ હંમેશા નાગરિકોની સેવામાં તત્પર છે અને અમે ઈચ્છીએ છીએ કે રથયાત્રા દર વર્ષની જેમ આ વખતે પણ એકતાના વાતાવરણમાં સંપન્ન થાય."

શહેરના વિવિધ વિસ્તારોમાંથી પસાર થયેલી આ રેલીને સ્થાનિક નાગરિકોએ પણ ખૂબ જ આવકારી હતી. સુરક્ષાના કડક બંદોબસ્ત વચ્ચે પોલીસનો આ માનવીય ચહેરો જોઈને નાગરિકોમાં પણ સુરક્ષાની ભાવના દ્રઢ બની હતી. રથયાત્રાને અનુલક્ષીને પોલીસની આ 'એકતા બાઇક રેલી'એ માત્ર સુરક્ષાનો સંદેશ જ નથી આપ્યો, પરંતુ તમામ સમુદાયો વચ્ચે ભાઈચારા અને વિશ્વાસનું વાતાવરણ ઊભું કરવામાં પણ મહત્ત્વની ભૂમિકા ભજવી છે. આ પ્રકારના આયોજનોથી તંત્ર અને પ્રજા વચ્ચેના સંબંધો વધુ મજબૂત બને છે.

 

(10:37 PM IST)