<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 2nd May 2026

ચૂંટણીમાં કોંગ્રેસનો કરૂણ રકાસ થતા હારના કારણો પર પક્ષમાં આંતરિક મંથન શરૂ

હાર બાદ કોંગ્રેસ હાઈકમાન્‍ડ એક્‍શનમાં: હારના કારણોનો અહેવાલ મંગાવ્‍યો આગામી વિધાનસભા ચૂંટણી પહેલા કોંગ્રેસ આ હારમાંથી પાઠ ભણીને બેઠી થાય છે કે પછી પક્ષમાં વધુ ભંગાણ સર્જાય છેઃ સર્વત્ર ચર્ચા

અમદાવાદ તા.૨: રાજ્‍યમાં યોજાયેલી સ્‍થાનિક સ્‍વરાજ્‍યની ચૂંટણીના પરિણામો જાહેર થઈ ગયા છે. સત્તાધારી પક્ષ ભાજપે ભગવો લહેરાવ્‍યો છે, પરંતુ સૌથી ચોંકાવનારા આંકડા મુખ્‍ય વિરોધ પક્ષ કોંગ્રેસ માટે આવ્‍યા છે. કોંગ્રેસના ગઢ ગણાતા વિસ્‍તારોમાં પણ પક્ષને કારમી હારનો સામનો કરવો પડ્‍યો છે. જિલ્‍લા, તાલુકા અને મહાનગર પાલિકામાં એવી સ્‍થિતિ ઉભી થઇ છે જ્‍યાં વિપક્ષ નેતા માટે પણ સ્‍થાન નહી મળે તેવો કારમો પરાજય થયો છે.

સ્‍થાનિક સ્‍વરાજની ચૂંટણીમાં થયેલા પરાજ્‍ય બાદ કોંગ્રેસ હવે મંથન કરશે. કોંગ્રેસને મળેલી હાર પર નેતાઓ બીજી મે થી છઠ્ઠી મે સુધી કોંગ્રેસ કાર્યલાય ખાતે મંથન કરશે. ત્‍યાર બાદ એક રિપોર્ટ તૈયાર કરી દિલ્‍હી હાઇ કમાન્‍ડ સમક્ષ રજૂ કરશે. વિધાનસભા ચૂંટણી પહેલા સ્‍થાનિક સ્‍વરાજ્‍યની ચૂંટણીઓ એક સેમિફાઇનલ ગણાય છે. જે સેમિ ફાઇનલમાં ભાજપ પાર્ટીએ ૯૦ ટકાથી વધુ બેઠક પર કબજો કરી ભગવો લહેરાવ્‍યો છે.

કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા સહિત નેતાઓ મંથન કરશે. બીજી મે ૨૦૨૬ના રોજ દક્ષિણ ગુજરાતના પરિણામ પર ત્રીજી મેના રોજ ઉત્તર ગુજરાતના પરિણામ પર ચોથી મેના રોજ મધ્‍ય ગુજરાતના પરિણામ પર પાંચમી અને છઠ્ઠી મેના રોજ સૌરાષ્ટ્ર ઝોનમાં પરિણામ પર હારના મંથન માટે જિલ્‍લા, તાલુકા પ્રમુખ તેમજ નિરીક્ષકો, વિપક્ષ નેતાઓ, જિલ્‍લા અને તાલુકાના અગ્રણીઓ બેઠકમાં હાજર રહેશે. હાર મુદે તમામ પાસે રિપોર્ટ તૈયાર કરી દિલ્‍હી હાઇ કમાન્‍ડે મોકલશે.

રાજકારણના મેદાનમાં જ્‍યારે ભાજપ માઈક્રો પ્‍લાનિંગ સાથે ઉતરી હતી, ત્‍યારે કોંગ્રેસ હજુ ઉમેદવારો નક્કી કરવામાં અટવાયેલી હતી. પ્રચારમાં આક્રમકતાનો અભાવ અને સોશિયલ મીડિયા પર નબળી પકડને કારણે કોંગ્રેસ યુવા મતદારો સુધી પહોંચી જ ન શકી.

ચૂંટણી પહેલા ઉમેદવારોને તોડજોડથી બચાવવા સેફ રિસોર્ટમાં રાખવાની જે નીતિ અપનાવાઈ, તેણે જનતામાં નકારાત્‍મક સંદેશ આપ્‍યો. મતદારોમાં એ સવાલ ઊઠ્‍યો કે, જે નેતાઓ પરિણામ પહેલા જ ડરી ગયા છે, તે જીત્‍યા પછી જનતાનું રક્ષણ કેવી રીતે કરશે?

ગ્રાઉન્‍ડ લેવલ પર કામ કરતા કાર્યકરોને સતત ઉપેક્ષાનો સામનો કરવો પડ્‍યો છે. ઉપરના સ્‍તરે લેવાતા નિર્ણયો અને કાર્યકરોની લાગણી વચ્‍ચેનું અંતર આ હારમાં સ્‍પષ્ટ દેખાયું. પરિણામે, અનેક બેઠકો પર કોંગ્રેસે લડત આપ્‍યા વિના જ શરણાગતિ સ્‍વીકારી લીધી હોય તેવું પ્રતીત થયું.

હાલ તો હાર બાદ કોંગ્રેસ હાઈકમાન્‍ડ એક્‍શનમાં આવ્‍યું છે અને હારના કારણોનો અહેવાલ મંગાવ્‍યો છે. હવે જોવાનું એ રહેશે કે આગામી વિધાનસભા ચૂંટણી પહેલા કોંગ્રેસ આ હારમાંથી પાઠ ભણીને બેઠી થાય છે કે પછી પક્ષમાં વધુ ભંગાણ સર્જાય છે

(4:12 PM IST)