<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 18th May 2026

અમદાવાદ મનપાની સ્ટ્રોમ વોટર કામગીરીમાં કરોડોની ગેરરીતિ :4 અધિકારીઓ સસ્પેન્ડ :કોન્ટ્રાક્ટર કંપની સામે FIR નો આદેશ

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્ટ્રોમ વોટર કામગીરીમાં વિજીલન્સ તપાસ દરમિયાન ગેરરીતિ ખુલતા એડિશનલ સીટીઈજનેર રાજેશ રાઠવા સહિત 4 અધિકારીઓને સસ્પેન્ડ કરાયા

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ભ્રષ્ટાચારી તત્વો અને કામગીરીમાં બેદરકારી દાખવનારાઓ સામે અત્યાર સુધીની સૌથી મોટી અને કડક કાર્યવાહી કરવામાં આવી છે. એએમસીના સ્ટ્રોમ વોટર ડ્રેનેજ (ચોમાસુ લાઈન) નાખવાની કામગીરીમાં મોટા પાયે ગેરરીતિ આચરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. કોર્પોરેશનની વિજીલન્સ તપાસમાં ભ્રષ્ટાચારના પુરાવા મળતા જ તંત્ર દ્વારા એક્શન મોડમાં આવીને 4 મોટા ઉચ્ચ અધિકારીઓને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ (નિલંબિત) કરી દેવામાં આવ્યા છે. આ સાથે જ ગેરરીતિ આચરનાર કોન્ટ્રાક્ટર કંપની સામે ફોજદારી ગુનો નોંધવાનો પણ આદેશ કરાયો છે.

 

એએમસી કમિશનરના આદેશથી વિજીલન્સ વિભાગે તપાસ હાથ ધરી હતી, જેમાં કામગીરીની ગુણવત્તા અને બિલિંગમાં ગંભીર વિસંગતતાઓ અને ભ્રષ્ટાચાર પકડી પાડવામાં આવ્યો હતો. આ કૌભાંડમાં સંડોવાયેલા જે 4 એન્જિનિયરોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

  • રાજેશ રાઠવા – એડિશનલ સિટી ઇજનેર
  • ઉત્કર્ષ ભાભોર – ડેપ્યુટી સિટી ઇજનેર
  • રમેશ બારીયા – આસિસ્ટન્ટ સિટી ઇજનેર
  • અલ્પેશ મકવાણા – આસિસ્ટન્ટ ઇજનેર

 

અમદાવાદ કોર્પોરેશનના ઈતિહાસમાં એકસાથે આટલા ઉચ્ચ કક્ષાના ટેકનિકલ અધિકારીઓ સામે સસ્પેન્શનની ગર્જના થતાં જ સમગ્ર એએમસી પંથક અને એન્જિનિયરિંગ વિભાગમાં ફફડાટ વ્યાપી ગયો છે. સસ્પેન્શનની સાથે જ, જે ખાનગી કંપની-કોન્ટ્રાક્ટર દ્વારા આ ગેરરીતિ આચરવામાં આવી છે, તેની સામે કાયદાનો સકંજો કસવા માટે પોલીસ મથકમાં એફઆઈઆર (FIR) નોંધવાની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. તંત્ર દ્વારા સ્પષ્ટ સંકેત આપવામાં આવ્યો છે કે, જનતાના ટેક્સના પૈસાનો દુરુપયોગ કરનાર કોઈપણ અધિકારી કે કંપનીને બક્ષવામાં આવશે નહીં.

(10:58 PM IST)