<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 12th September 2026

PM-કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ મેળવવા વાર્ષિક e-KYC કરાવવું ફરજિયાત : ચાર સરળ પદ્ધતિઓ દ્વારા પૂર્ણ કરી શકાશે પ્રક્રિયા

૩૧ માર્ચ ૨૦૨૬ પછી e-KYC ન કરાવ્યું હોય પણ સ્ટેટસ "Yes" બતાવતું હોય તેવા ખેડૂતોએ પણ નવેસરથી પ્રક્રિયા પૂર્ણ કરવી પડશે : કૃષિ વિભાગની અપીલ

અશ્વિન વ્યાસ દ્વારા, ગાંધીનગર: કેન્દ્ર સરકાર દ્વારા પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ નોંધાયેલા તમામ ખેડૂત લાભાર્થીઓ માટે આગામી હપ્તાની ચુકવણી પૂર્વે દર વર્ષે બાયોમેટ્રિક e-KYC કરાવવું ફરજિયાત કરવામાં આવ્યું છે. કૃષિ વિભાગની યાદીમાં જણાવ્યા અનુસાર, આ યોજના અંતર્ગત યોગ્ય લાભાર્થીઓને સમયસર સહાય મળી રહે તે હેતુથી હવેથી લાભાર્થીઓએ દરેક નાણાકીય વર્ષના પ્રથમ હપ્તાના રીલીઝ પહેલાં નિયત e-KYC પ્રક્રિયા પૂર્ણ કરવાની રહેશે.

યાદીમાં વધુમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે, તા. ૩૧ માર્ચ, ૨૦૨૬ પછી જે લાભાર્થીઓએ e-KYC કરાવેલ નથી, પરંતુ પોર્ટલ પરના સ્ટેટસમાં "eKYC : Yes" દર્શાવે છે, તેવા તમામ લાભાર્થીઓએ પણ યોજના હેઠળ અવિરત નાણાકીય સહાય મેળવતા રહેવા માટે નવેસરથી e-KYC કરાવી લેવાનું રહેશે.

e-KYC પ્રક્રિયા પૂર્ણ કરવા માટેના ૪ સરળ વિકલ્પો:
ખેડૂત લાભાર્થીઓની સુવિધા માટે વિભાગ દ્વારા e-KYC પૂર્ણ કરવા માટે ચાર અલગ-અલગ પદ્ધતિઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે:
૧. મોબાઇલ એપ મારફતે: ખેડૂતો જાતે જ PM-Kisan મોબાઇલ એપ્લિકેશનમાં “Login” માં જઈ “Beneficiary” વિકલ્પ પસંદ કરીને આધાર નંબર અથવા રજીસ્ટ્રેશન નંબર દાખલ કરી શકે છે. જ્યાં ફેસ ઓથેન્ટિકેશન દ્વારા લોગ-ઇન થઈ પોતાનું તેમજ “e-KYC for other beneficiaries” વિકલ્પ દ્વારા અન્ય ૧૦૦ લાભાર્થીઓનું e-KYC કરી શકશે.
૨. સ્થાનિક અધિકારી મારફતે: ગ્રામ્ય કક્ષાએ ગ્રામસેવક અથવા વિલેજ નોડલ ઓફિસરનો સંપર્ક કરીને પણ ફેસ ઓથેન્ટિકેશન પદ્ધતિથી આ કામગીરી સરળતાથી કરાવી શકાશે.
૩. ઈ-ગ્રામ / CSC સેન્ટર ખાતે: ગામના ઈ-ગ્રામ કેન્દ્ર અથવા નજીકના કોમન સર્વિસ સેન્ટર (CSC) ખાતે રૂબરૂ જઈને બાયોમેટ્રિક પદ્ધતિથી પ્રક્રિયા પૂર્ણ કરી શકાશે.
૪. ખેતીવાડી કચેરી ખાતે: તાલુકા અથવા જિલ્લા ખેતીવાડી કચેરીનો સંપર્ક કરીને પણ આ બાયોમેટ્રિક e-KYC પૂર્ણ કરી શકાશે.

જે ખેડૂત લાભાર્થીઓ અન્ય કોઈ ગામ કે શહેરમાં સ્થળાંતરિત થયા હોય, તેઓ હાલમાં જે સ્થળે વસવાટ કરતા હોય ત્યાંથી જ આ ચારમાંથી કોઈપણ અનુકૂળ પદ્ધતિ અપનાવીને પોતાનું e-KYC સત્વરે કરાવી લે તેવી સત્તાવાર અપીલ કરવામાં આવી છે, જેથી આગામી નાણાકીય સહાય મેળવવામાં કોઈ વિલંબ કે અવરોધ ન સર્જાય.

(12:29 PM IST)