તા. ૧૫ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૬ રવિવાર
News of Sunday, 15th November 2026
જલારામ બાપાની ૨૨૭મી જન્મ જયંતી : કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખભાઈ માંડવિયાએ દેશ-વિદેશના શ્રદ્ધાળુઓને પાઠવી શુભેચ્છાઓ
વીરપુરની પવિત્ર ભૂમિ પર પ્રગટેલી સેવા અને ભક્તિની અખંડ જ્યોત : PM નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં સરકારની કલ્યાણકારી યોજનાઓ પાછળ પણ સેવા પરમો ધર્મનો આદર્શ રહેલો હોવાનું જણાવ્યું

ભાવનગર : સંત શિરોમણી પૂજ્ય જલારામ બાપાની ૨૨૭મી જન્મ જયંતીના પાવન અવસરે કેન્દ્રીય મંત્રી અને પોરબંદરના સાંસદ ડૉ. મનસુખભાઈ માંડવિયાએ સમસ્ત ગુજરાત અને દેશ-વિદેશમાં વસતા તમામ શ્રદ્ધાળુઓને હૃદયપૂર્વકની ભક્તિભાવ સભર શુભેચ્છાઓ પાઠવી છે. સૌરાષ્ટ્રની પાવન ધરા પર પ્રગટેલા ભક્તિ અને સેવાના પર્યાય સમાન જલારામ બાપાના જીવન અને દર્શનને યાદ કરતા તેમણે માનવસેવાના આદર્શો પર ભાર મૂક્યો હતો.
મંત્રીશ્રીએ પોતાના સંદેશમાં જણાવ્યું હતું કે સનાતન ભારતીય સંસ્કૃતિમાં ગુજરાત અને સૌરાષ્ટ્રની ધરતી અગણિત મહાપુરુષોના તપ અને સેવાથી પવિત્ર થઈ છે. વીરપુર મુકામે જન્મેલા જલારામ બાપાનું નામ સેવા, સમર્પણ અને 'અન્નદાન એ જ મહાદાન'ના પરમ આદર્શ તરીકે ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે અંકિત છે. "દેને કો ટુકડા ભલો, લેને કો હરિ નામ" ના મંત્રને જીવનનો શ્વાસ બનાવીને ભૂખ્યાને ભોજન અને નિરાધારને આધાર આપવાની જે દિવ્ય જ્યોત બાપાએ પ્રગટાવી હતી, તે આજે પણ અખંડ સદાવ્રત રૂપે સમગ્ર માનવજાત માટે પ્રેરણારૂપ છે. બાપાએ નાત-જાત કે અમીર-ગરીબના ભેદભાવ વિના માત્ર દરિદ્ર નારાયણની સેવામાં જ ઈશ્વરના દર્શન કર્યા હતા.
વધુમાં ઉમેરતા તેમણે જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકાર "સબકા સાથ, સબકા વિકાસ" ના મંત્ર સાથે છેવાડાના માનવીના ઉત્કર્ષ માટે કાર્યરત છે, જેના મૂળમાં જલારામ બાપા જેવા મહાન સંતોએ ચીંધેલો સેવા પરમો ધર્મનો ઉદાત્ત આદર્શ રહેલો છે. જલારામ બાપાનું જીવન માત્ર એક સંતનું જીવન નથી પરંતુ તે માનવતા અને કરુણાનું શાશ્વત મહાકાવ્ય છે.
આજના આ પાવન અવસરે માત્ર પૂજા-અર્ચના પૂરતા સીમિત ન રહેતા બાપાના સેવા અને સદાવ્રતના મૂલ્યોને જીવનમાં ઉતારી જરૂરિયાતમંદોની સહાય કરવા સંકલ્પબદ્ધ થવા અપીલ કરવામાં આવી હતી. અંતમાં તેમણે જલારામ બાપાના ચરણોમાં કોટિ કોટિ વંદન કરી દેશવાસીઓના જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિની પ્રાર્થના સાથે સમસ્ત જનતાને 'જય જલારામ' ના નાદ સાથે જન્મ જયંતીની અનંત શુભકામનાઓ પાઠવી છે. (અહેવાલ - મુકેશ પંડિત)
(11:08 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
