તા. ૨૫ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ માગશર સુદ – ૫ મંગળવાર
News of Sunday, 8th November 2026
કાળી ચૌદશે પ્રસિદ્ધ જૈન યાત્રાધામ મહુડી ખાતે શ્રદ્ધાળુઓનું ઘોડાપૂર: ઘંટાકર્ણ મહાવીરના દર્શને ઉમટ્યા ભક્તો
ભગવાનને સોનાનું વરખ ચઢાવવાની વિધિ અને બપોરે ૧૨:૩૯ કલાકે મહાહવનના દર્શન માટે દૂર-દૂરથી યાત્રાળુઓ પહોંચતા સમગ્ર ધામ ભક્તિમય

મહુડી: પ્રસિદ્ધ જૈન યાત્રાધામ મહુડી ખાતે કાળી ચૌદશના પવિત્ર પર્વ નિમિત્તે ભક્તિ, શ્રદ્ધા અને આધ્યાત્મિકતાનો અનોખો માહોલ જોવા મળી રહ્યો છે. પ્રત્યક્ષ ફળ આપનારા દેવ ગણાતા ઘંટાકર્ણ મહાવીર ભગવાનના દર્શન કરવા માટે વહેલી સવારથી જ દેશ-વિદેશથી મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા છે. યાત્રાધામમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટતાં સમગ્ર મંદિર પરિસર 'જય ઘંટાકર્ણ' ના નાદથી ગુંજી ઊઠ્યું છે અને વાતાવરણ ભક્તિમય બની ગયું છે.
કાળી ચૌદશના પર્વને ધ્યાનમાં રાખીને આજે મહુડી ખાતે વિશેષ ધાર્મિક કાર્યક્રમોનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે. વહેલી સવારે શાસ્ત્રોક્ત વિધિ મુજબ ભગવાનની દિવ્ય પ્રક્ષાલવિધિ પૂર્ણ કરવામાં આવી હતી. કાળી ચૌદશના દિવસે ઘંટાકર્ણ મહાવીર ભગવાનના દર્શનનું વિશેષ ધાર્મિક અને આધ્યાત્મિક મહત્વ હોવાથી દૂર-દૂરથી શ્રદ્ધાળુઓ દર્શનાર્થે મહુડી પહોંચી રહ્યા છે. આજે ભગવાનને સોનાનું વરખ ચઢાવવાની વિશેષ ધાર્મિક વિધિ પણ સંપન્ન થશે.
આજના દિવસનું મુખ્ય આકર્ષણ બપોરે ૧૨:૩૯ કલાકે યોજાનાર પવિત્ર અને ચમત્કારિક મહાહવન છે, જેનો પ્રારંભ વિજય મુહૂર્તમાં કરવામાં આવશે. આ હવનમાં મોટી સંખ્યામાં ભક્તો અને દર્શનાર્થીઓ જોડાઈને આહુતિ આપશે અને ભગવાનના આશીર્વાદ મેળવશે. કાળી ચૌદશના પાવન અવસરે મહુડીમાં વહેલી સવારથી જ ભક્તિ, આસ્થા અને ધાર્મિક ઉત્સાહનો માહોલ છવાયેલો જોવા મળી રહ્યો છે.
મહુડી ધામ ખાતે કાળી ચૌદશના દિવસે સુખડીના પ્રસાદનું પણ વિશેષ મહાત્મ્ય રહેલું છે. મહાહવન બાદ અનેક ભક્તો ઘંટાકર્ણ મહાવીર દેવને સુખડીનો ભોગ ધરાવીને પ્રસાદ ગ્રહણ કરશે. ભક્તોની અવિરત ભીડને ધ્યાનમાં રાખીને મંદિર ટ્રસ્ટ અને સ્થાનિક પ્રશાસન દ્વારા દર્શન, લાઈન વ્યવસ્થા, સુરક્ષા અને ટ્રાફિક નિયંત્રણ માટે સઘન પગલાં લેવામાં આવ્યા છે, જેથી તમામ શ્રદ્ધાળુઓ સુખરૂપ દર્શન કરી શકે.
(3:15 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
