News of Sunday, 14th June 2026
વડોદરામાં કળિયુગનો કિસ્સો: સગીર દીકરી પર સાવકા પિતાની કુદ્રષ્ટિ, જાનથી મારવાની ધમકી
માંજલપુર વિસ્તારમાં માતાની ગેરહાજરીનો લાભ ઉઠાવી નરાધમે આચર્યું શર્મજનક કૃત્ય: હિંમત દાખવી પીડિતાની માતાએ પોલીસ સ્ટેશનમાં નોંધાવી એફઆઈઆર

વડોદરા, : સંસ્કારી નગરી વડોદરાના માંજલપુર વિસ્તારમાં એક સાવકા પિતાએ પવિત્ર સંબંધોને લાંછન લગાડતી ઘટનામાં પોતાની જ ૧૪ વર્ષીય સગીર પુત્રીની એકલતાનો ગેરલાભ ઉઠાવી તેના પર વારંવાર શારીરિક અડપલાં કર્યા હોવાની અને આ અંગે કોઈને કહીશ તો જાનથી મારી નાખીશ તેવી ધમકી આપ્યાની આઘાતજનક ફરિયાદ સગીરાની માતાએ માંજલપુર પોલીસ મથકે નોંધાવતા ચકચાર મચી ગઈ છે.
મળતી માહિતી મુજબ, માંજલપુર વિસ્તારમાં એક મહિલાએ બીજા લગ્ન કર્યા. તે પુત્રી અને બીજા પતિ સાથે માંજલપુરમાં ભાડાના મકાનમાં રહે છે. મહિલાને નોકરીએ જવાનું હોવાથી પુત્રી અને પિતા ઘરે એકલા જ રહેતા. આથી પિતાએ પુત્રી પર નજર બગાડી હતી. તેણે દિકરી સાથે શારીરિક અડપલા કરવાનું શરુ કર્યું હતું. તેમજ આ વાત માતાને જણાવશે તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
આ રોજનો ક્રમ બની ગયો હતો. આથી એકવાર સગીરા તેના સાવકા પિતાના ત્રાસથી કંટાળીને સઘળી હકીકત માતાને જણાવી હતી. માતાએ સમગ્ર હકીકત જાણતાં જ તેના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. તેણે આ મામલે હિંમત એકઠી કરીને પોલીસમાં ફરિયાદ નોંધાવાનું નક્કી કર્યુ હતું. મહિલા તુરંત જ માંજલપુર પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરી હતી.
શહેરી વિસ્તારોમાં શ્રમજીવી કે નોકરીયાત વર્ગના પરિવારોમાં બાળકોની સુરક્ષાને લઈને આ ઘટનાએ ગંભીર ચિંતા જગાવી છે. પીડિત સગીરા હાલ સુરક્ષિત આશ્રય હેઠળ છે અને વહીવટી તંત્ર દ્વારા તેનું યોગ્ય કાઉન્સેલિંગ કરવામાં આવી રહ્યું છે. માંજલપુર પોલીસે નરાધમ સાવકા પિતા વિરુદ્ધ પોક્સો (POCSO) એક્ટ તેમજ ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કડક કલમો હેઠળ ગુનો નોંધીને ફરાર આરોપીને ઝડપી પાડવા અલગ-અલગ ટીમો બનાવીને ચક્રો ગતિમાન કર્યા છે.
(11:27 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
