News of Tuesday, 29th September 2026
૧૩મી વેસ્ટ ઝોન શૂટિંગ ચેમ્પિયનશિપમાં રાજકોટના કલ્પનીત રાઠોડે મેળવ્યો બ્રોન્ઝ મેડલ
૧૦ મીટર એર પિસ્તોલમાં ૩૬૭નો સ્કોર કરી સબ-યૂથ, યુથ, જુનિયર અને સિનિયર એમ તમામ કેટેગરીમાં નેશનલ શૂટિંગ ચેમ્પિયનશિપ માટે ક્વોલિફાય કર્યું

રાજકોટઃ અમદાવાદ ખાતે યોજાયેલી ૧૩મી વેસ્ટ ઝોન શૂટિંગ ચેમ્પિયનશિપ-૨૦૨૬માં રાજકોટના યુવા શૂટર કલ્પનીત રાઠોડે ૧૦ મીટર એર પિસ્તોલના સબ-યૂથ મેન્સ વર્ગમાં ૩૬૭નો સ્કોર મેળવી બ્રોન્ઝ મેડલ હાંસલ કર્યો હતો. કલ્પનીતના આ શાનદાર પ્રદર્શનની સાથે તેણે સબ-યૂથ, યુથ, જુનિયર અને સિનિયર એમ બધી જ કેટેગરીમાં નેશનલ શૂટિંગ ચેમ્પિયનશિપ-૨૦૨૬ માટે પણ ક્વોલિફાય કર્યું છે. પિસ્તોલ ઇવેન્ટમાં તેની આ સિદ્ધિ બદલ પિતા કલ્પેશ રાઠોડ, માતા નિતાબેન, કોચ વંદિત પુરોહિત, એસ.એન.કણસાગરા શાળા પરિવાર દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.
આ ચેમ્પિયનશિપનું આયોજન નેશનલ રાઇફલ એસોસિએશન ઓફ ઇન્ડિયા (NRAI) દ્વારા કરવામાં આવ્યું હતું, જયારે સ્પર્ધાનું સંચાલન ગુજરાત સ્ટેટ રાઇફલ એસોસિએશન (GSRA) દ્વારા કરવામાં આવ્યું હતું. દેશના વિવિધ રાજયો જેમાં ગુજરાત સિવાય, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, ગોવા, દિવ, દમણ તથા દાદરા નગર હવેલી તેમજ સર્વિસીસમાંથી આવેલા ખેલાડીઓ વચ્ચે યોજાયેલી સ્પર્ધામાં કલ્પનીતે નોંધપાત્ર પ્રદર્શન કરી પોતાની પ્રતિભાનો પરિચય આપ્યો હતો.
આ ઉપરાંત, પ્રિશા શાહે ૧૦ મીટર એર રાઇફલમાં ૩૮૫નો સ્કોર મેળવી યુથ વિમેન્સ તેમજ જુનિયર અને સિનિયર વિમેન્સ વર્ગમાં ક્વોલિફાય કર્યું હતું. નોશી શાહે ૧૦ મીટર એર રાઇફલ સબ-યૂથ વિમેન્સ વર્ગમાં ૩૬૬નો સ્કોર નોંધાવી નેશનલ ચેમ્પિયનશિપ માટે સ્થાન મેળવ્યું છે. જયારે અંશ જીવાણીએ ૧૦ મીટર એર પિસ્તોલ સબ-યૂથ મેન્સ વર્ગમાં ૩૪૯નો સ્કોર મેળવી ક્વોલિફિકેશન હાંસલ કર્યું છે.
(10:51 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
