News of Tuesday, 21st April 2026
ડેડીયાપાડા તાલુકાના કણબીપીઠા ના ગ્રામજનોએ મતદાન કરવા બે કિમિ દૂર ગંગાપુર ગામે ચાલીને જવું પડે છે
ગામની પ્રાથમિક શાળામાં અલગથી મતદાન મથક ફાળવવામાં આવે તેવી માંગ ઉઠી

(ભરત શાહ દ્વારા ) નર્મદા:ડેડીયાપાડા તાલુકાના કણબીપીઠા ગામને અલગથી મતદાન મથક ફાળવવામાં આવે તેવી ગ્રામજનોમાંથી માંગ ઉઠી છે. અત્યારે મતદારોએ મતદાન કરવા બે કિમિ દૂર ગંગાપુર ગામે જવું પડે છે.
પ્રાપ્ત માહિતી મુજબ ડેડીયાપાડા તાલુકાના કણબીપીઠા ગામના લોકો દ્વારા માંગ ઉઠી છે કે અમોને અલગથી ગામમાં જ આવેલ પ્રાથમિક શાળામાં મતદાન મથક ફાળવી આપવામાં આવે. અત્યારે કણબીપીઠા ગામના લોકોને ગંગાપુર ગામે મતદાન માટે જવુ પડે છે જેના માટે લોકોએ બે કિ.મી. નુ અંતર કાપીને જવું પડે છે જેમાં મોટી ઉંમરના વયોવૃધ્ધ વ્યક્તિઓએ પણ ચાલતા જવું પડે છે. મતદાન મથક બે કિમિ દૂર હોવા છતાં અલગ બુથ ફાળવવામા આવતો નથી. જેના કારણે વયોવૃધ્ધ વ્યક્તિઓ પોતાના મતાધિકાર થી વંચિત રહે છે. 90, 95 કે તેથી મોટી ઉંમરની વ્યક્તિઓ કઈ રીતે ચાલતા જઈ મતદાન કરી શકે...? તેવો સવાલ લોકો દ્વારા પુછાય રહ્યો છે.
કણબીપીઠા ગામ ખાતે 211 જેટલા મતદારો છે ઉપરાંત 9 મતદારોની યાદી ગંગાપુર ગામના વોર્ડમા સામેલ છે. જો એ મતદારો કણબીપીઠા ગામની મતદાર યાદીમાં સામેલ કરવામાં આવે તો 220 જેટલા મતદાતાઓ થાય.ત્યારે 100 મતદારો હોય તો પણ નવો બુથ ફાળવવામા આવતો હોય તો 220 જેટલા મતદાતાઓ હોવા છતાં કણબીપીઠા ગામને અલગ બુથ કેમ ફાળવવામા આવતો નથી......? જો કણબીપીઠા ગામને અલગથી મતદાન મથક ફાળવવામાં નહિ આવે તો આવનાર સમયમાં ગામ લોકો મતાધિકારનો વિરોધ કરે તે નવાઇ નહી.
(12:47 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
