<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 26th August 2026

કચ્છના પ્રશ્નો-જનતાના હક્કોની લડાઈ ગાંધીનગર સુધી પહોંચશે : અમિત ચાવડાની ગર્જના

ગુજરાત કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા, પ્રવક્તા મનીષ દોશીના કચ્છના બે દિવસના પ્રવાસે રાજકારણ ગરમાવ્યું : ભુજમાં પત્રકાર પરિષદ : પેપર ફૂટવા મુદ્દે વિદ્યાર્થીઓ સાથે, વીજ લાઇનના મુદ્દે ખેડૂતો સાથે અને મુશ્કેલીઓ વિશે સાગરખેડુઓ સાથે સંવાદ

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા.૨૬ : ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ અમિત ચાવડા બે દિવસના કચ્છ પ્રવાસે હતા. અમદાવાદથી મુંદ્રા વિમાન દ્વારા આવ્યા ત્યારે એરપોર્ટ પર જિલ્લા અને શહેર કોંગ્રેસના હોદ્દેદારો દ્વારા તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યા બાદ, તેમણે ભુજ ખાતે એક મહત્વપૂર્ણ પત્રકાર પરિષદને સંબોધિત કરી હતી.                       આ પ્રેસ કોન્ફરન્સમાં તેમણે સ્થાનિક પ્રશ્નો મુદ્દે શાસક પક્ષ ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા. કચ્છની જનતાની સમસ્યાઓ ગાંધીનગર ગૂંજશે એમ પ્રેસ કોન્ફરન્સ દરમિયાન અમિત ચાવડાએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે, "કચ્છ જિલ્લાની જનતાના પ્રશ્નો, સ્થાનિક સમસ્યાઓ અને તેમના હક્કોની આઝાદી હવે માત્ર કચ્છ પૂરતી સીમિત નહીં રહે. 

             ગુજરાત કોંગ્રેસ કચ્છના લોકોનો અવાજ બનીને ગાંધીનગર સુધી પહોંચાડશે અને તેમના અધિકારો માટે વિધાનસભાથી લઈને રસ્તાઓ સુધી મજબૂત લડત લડશે". સ્થાનિક સંગઠનને મજબૂત કરવા પર ભાર: ભુજ ખાતે પત્રકાર પરિષદ પહેલાં તેમણે જિલ્લા કોંગ્રેસ સમિતિની કારોબારી બેઠકમાં પણ ભાગ લીધો હતો. 

               આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ અને સંગઠનની પુનઃરચના અંગે વાત કરતા તેમણે ઉમેર્યું હતું કે, કોંગ્રેસ પાયાના સ્તરે જઈને લોકોને પોતાના તરફ જોડશે. કોંગ્રેસ પક્ષના કાર્યકરોને જનતાની વચ્ચે જઈને તેમના સુખ-દુઃખમાં ભાગીદાર બનવા આદેશ આપવામાં આવ્યા છે. ભાજપના કાર્યકરોનું કોંગ્રેસમાં સ્વાગત કરાયું. ભાજપના શાસનથી નારાજ થયેલા કેટલાક સ્થાનિક અગ્રણીઓ અને ભાજપના કાર્યકરો વિધિવત રીતે કોંગ્રેસ પરિવારમાં જોડાયા હતા, જેમને અમિત ચાવડાએ ખેસ પહેરાવી આવકાર્યા હતા. 

           સ્થાનિક પ્રશ્નો અંગે ઘેરાવની ચીમકી આપી હતી. કચ્છમાં પાણીની અછત, ઉદ્યોગોમાં સ્થાનિક યુવાનોને રોજગારી ન મળવી, અને સરકારી તંત્રમાં વ્યાપેલા કથિત ભ્રષ્ટાચાર, દારૂ અને ડ્રગ્સના વેચાણ જેવા ગંભીર મુદ્દાઓ ઉઠાવીને ભાજપ સરકારની નીતિઓની ટીકા કરી હતી. તેમણે કચ્છ તરફ ભાજપ સરકારની ઉપેક્ષાનો આરોપ પણ મૂક્યો હતો. 

                 પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા અને પ્રદેશ પ્રવક્તા મનીષ દોશીએ પોતાના કચ્છના બે દિવસના પ્રવાસ દરમ્યાન ભુજમાં પેપર ફૂટવા મુદ્દે વિદ્યાર્થીઓ સાથે સંવાદ, દેશલપુર મધ્યે ખેતરોમાંથી વીજ લાઇન પસાર કરવા મુદ્દે રૂબરૂ ખેડૂતો સાથે સંવાદ સાધ્યો હતો. 

             તેમજ ભદ્રેશ્વર (મુન્દ્રા)મા સાગરખેડુઓના પ્રશ્નો જાણી તેમની સાથે સંવાદ સાધ્યો હતો. અત્રે એ ઉલ્લેખનીય છે કે, છેલ્લા કેટલાક સમયથી કચ્છમાં વીજ લાઈનોનો મુદ્દો ભારે વિવાદમાં છે ખેડૂતો આંદોલન કરી ચૂક્યા છે. જ્યારે રાહુલ ગાંધીના છાત્રો કી ગુંજ કાર્યક્રમને ધ્યાને લઈ કોંગ્રેસ પ્રદેશ પ્રમુખનો કચ્છના છાત્રો સાથેનો સંવાદ સૂચક છે.

(9:27 AM IST)