<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 5th May 2026

એલ.ડી. ઇજનેરી કોલેજના અધ્‍યાપકોને વસ્‍તી ગણતરી કાર્યથી મુકત રાખવા લાગણી

શૈક્ષણિક કાર્ય પરની સંભવિત માઠી અસર નિવારવા

અમદાવાદ તા.પઃ વસ્‍તી ગણતરી-૨૦૨૭ની કામગીરી માટે એલ. ડી. ઈજનેરી કોલેજના અંદાજે ૯૦ જેટલા અધ્‍યાપકોને સુપરવાઈઝર તરીકે નિયુક્‍ત કરવામાં આવતા કોલેજના નિયમિત શૈક્ષણિક કાર્ય પર પ્રતિકૂળ અસર થવાની ચિંતા ઉઠી છે. આ અંગે સંબંધિત સત્તાવાળાઓ સમક્ષ રજૂઆત કરવામાં આવી છે.

એલ. ડી. ઈજનેરી કોલેજ રાજ્‍યની અગ્રણી સરકારી ઇજનેરી સંસ્‍થાઓમાંની એક છે, જ્‍યાં BE, ME, MCA તેમજ વકિર્ંંગ પ્રોફેશનલ્‍સ સહિતના અભ્‍યાસક્રમોમાં ૬૦૦૦થી વધુ વિદ્યાર્થીઓ અભ્‍યાસ કરે છે. એટલા મોટા શૈક્ષણિક માળખાને સંભાળવા માટે અધ્‍યાપકોની સતત હાજરી અને સક્રિય સંકલન આવશ્‍યક ગણાય છે.

હાલમાં અધ્‍યાપકો GTU પરીક્ષાઓ સંબંધિત જુનિયર અને સિનિયર સુપરવિઝન, પ્રેક્‍ટિકલ-વાઇવા, ઉત્તરવહી મૂલ્‍યાંકન અને પેપર સેટિંગ જેવી અગત્‍યની ફરજો બજાવી રહ્યા છે. તેની સાથે ACPC પ્રવેશ પ્રક્રિયા, ડોકયુમેન્‍ટ વેરિફિકેશન, હેલ્‍પ સેન્‍ટર, એવેરનેસ કેમ્‍પેઇન તેમજ DDCET અને PGCET જેવી પ્રવેશ પરીક્ષાઓમાં પણ તેમની મહત્‍વપૂર્ણ જવાબદારીઓ છે.

આ ઉપરાંત NBA એક્રેડિટેશન, PG ડિસર્ટેશન માર્ગદર્શન, સમર અને સોશિયલ ઇન્‍ટર્નશિપ, ઇન્‍ડસ્‍ટ્રીયલ ટ્રેનિંગ, હોસ્‍ટેલ વહીવટ, ૮મા સેમેસ્‍ટરના ઇન્‍ટર્નશિપ ઇવેલ્‍યુએશન અને પ્‍લેસમેન્‍ટ જેવી કામગીરી પણ ચાલુ છે. આવી પરિસ્‍થિતિમાં લાંબા ગાળાની વધારાની સરકારી ફરજ સોંપવાથી વિદ્યાર્થીઓના શૈક્ષણિક હિતો પર અસર થવાની શકયતા વ્‍યક્‍ત કરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે તાજેતરમાં AMC ચૂંટણી દરમિયાન અંદાજે ૬૬ જેટલા અધ્‍યાપકોને Zonal Officer અથવા Assistant Zonal Officer તરીકે ૨૧ દિવસ સુધી ફરજ બજાવવી પડી હતી, જેના કારણે તેઓ સંસ્‍થામાં નિયમિત હાજર રહી શકયા નહોતા. આવતી કાલમાં ફરી ચૂંટણી ફરજો અને વસ્‍તી ગણતરી જેવી જવાબદારીઓ જોડાય તો શૈક્ષણિક વ્‍યવસ્‍થા વધુ પ્રભાવિત થવાની આશંકા દર્શાવવામાં આવી છે.

આથી એલ. ડી. ઈજનેરી કોલેજના અધ્‍યાપકોને વસ્‍તી ગણતરી-૨૦૨૭ની સુપરવાઈઝર ફરજમાંથી મુક્‍ત રાખવા અથવા તેમની નિમણૂક અંગે પુનર્વિચાર કરવા માંગ ઉઠી છે. શૈક્ષણિક અને સંસ્‍થાકીય જવાબદારીઓને પ્રાથમિકતા આપવામાં આવે તો વિદ્યાર્થીઓ, સંસ્‍થા અને શૈક્ષણિક વ્‍યવસ્‍થાના હિતો વધુ સારી રીતે જળવાઈ શકે તેવી લાગણી વ્‍યક્‍ત કરવામાં આવીછે.

(3:55 PM IST)