News of Sunday, 26th July 2026
કવાંટમાં દીપડાનો ખૂંખાર આતંક: ઘરમાં સૂઈ રહેલી વૃદ્ધાને ઢસડી જઈને ફાડી ખાધી, ગ્રામજનોમાં ભારે રોષ
છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના રાયસિંગપુરા ગામે રાત્રિના સમયે અડાળીમાં સૂતેલા વૃદ્ધ મહિલાને દીપડો જડબામાં દબોચીને જંગલમાં લઈ ગયો, ત્રણ મહિનામાં બીજીવાર માનવભક્ષી હુમલો થતાં ફેલાયો ભય

કવાંટ, : છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના રાયસિંગપુરા ગામે શનિવારની રાત્રે પોતાના ઘરના પાછળના ભાગે અડાળીમાં શાંતિથી સૂઈ રહેલા રાહલીબેન નાયક નામના વૃદ્ધા પર અચાનક ત્રાટકીને એક ખૂંખાર દીપડાએ તેમને મોતને ઘાટ ઉતારી દેતા સમગ્ર પંથકમાં ભારે અરેરાટી વ્યાપી ગઈ છે.
મળતી વિગતો અનુસાર, નરભક્ષી દીપડો વૃદ્ધાને તેમના જ ઘરના પલંગ પરથી જડબામાં દબોચીને અંદાજે એકથી દોઢ કિલોમીટર દૂર જંગલ વિસ્તારમાં ખેંચી ગયો હતો અને ત્યાં તેમનું ભયાનક મારણ કર્યું હતું, જેની સવારે જાણ થતા જ ગામલોકોમાં દોડધામ મચી ગઈ હતી.
આ કરુણ ઘટના અંગે સ્થાનિકોએ રોષ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે આ જ વિસ્તારમાં ત્રણેક મહિના પહેલાં પણ દીપડાએ એક વૃદ્ધ પુરુષ પર હુમલો કરી જીવ લીધો હતો, જેના કારણે હવે ગ્રામજનોમાં ડરનો માહોલ એટલો વધી ગયો છે કે લોકો દિવસના સમયે પણ ઘર બહાર નીકળતા ડરી રહ્યા છે.
ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈને વન વિભાગના ઉચ્ચ અધિકારીઓ અને કર્મચારીઓની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી અને નરભક્ષી દીપડાને ઝડપી પાડવા માટે ગામ તેમજ આસપાસના જંગલ વિસ્તારમાં પાંજરા ગોઠવીને સઘન કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું છે.
છોટાઉદેપુરના ડીસીએફ રૂપક સોલંકીએ આ દુઃખદ ઘટના અંગે દુઃખ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે મૃતકના પરિવારજનોને નિયમોનુસાર વહેલી તકે સરકારી નાણાકીય સહાય મળે તે માટેના તમામ પ્રયાસો ચાલુ છે અને દીપડાને પકડવા માટે ખાસ ટીમો તૈનાત કરાઈ છે.
આ વિસ્તારમાં સતત બની રહેલી માનવ જિંદગીઓ છીનવાઈ જવાની ઘટનાઓને પગલે વન વિભાગ દ્વારા ગામલોકોને રાત્રિના સમયે એકલા ઘર બહાર ન નીકળવાની અને પૂરતી સાવચેતી રાખવાની ખાસ અપીલ કરવામાં આવી છે.
(11:17 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
