<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 26th June 2026

મહેસાણા DILR કચેરીના લાયસન્સી સર્વેયર આશિષ કુમાર પરમારે જમીન માપણી માટે રૂા. ૧,૯૦,૦૦૦ની લાંચ માંગી પ્રથમ હપ્તાના રૂા. ૭૦,૦૦૦ સ્વીકારતા એસીબીની ટ્રેપમાં રંગેહાથ ઝડપાયો : જુઓ વિડીયો

નાયબ નિયામક હરેશ મેવાડા અને મદદનીશ નિયામક એ.કે.પરમાર ના માર્ગદર્શનમાં ગાંધીનગર એ.સી.બી. પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સ્પેક્ટર ડી.એ.ચૌધરી અને ની ટીમે સેશન્સ કોર્ટ પાસે જય અંબે નાસ્તા હાઉસ ખાતે ગોઠવ્યું સફળ છટકું

 રાજકોટ:  મહેસાણા જિલ્લાની ડી.આઈ.એ.આર. (DILR) કચેરીમાં ભ્રષ્ટાચારનો વધુ એક મોટો મામલો સામે આવ્યો છે, જેમાં એન્ટી કરપ્શન બ્યુરો (ACB)ની ટીમે સફળ ટ્રેપ કરીને એક લાયસન્સી સર્વેયરને લાંચના નાણાં સ્વીકારતા રંગેહાથ ઝડપી પાડ્યો છે. મહેસાણા સેશન્સ કોર્ટના ગેટ નંબર-૪ પાસે આવેલા જય અંબે નાસ્તા હાઉસ ખાતે ગોઠવવામાં આવેલા લાંચના છટકા દરમિયાન આરોપી આશિષ કુમાર ભીખાભાઇ પરમાર (ઉંમર વર્ષ ૨૭) લાંચની રકમ સ્વીકારતા ઝડપાઈ જતાં સરકારી આલમમાં ભારે ખળભળાટ મચી ગયો છે.

આ કેસની ટૂંકી વિગત એવી છે કે, આ કામના ફરિયાદી એક જાગૃત નાગરિક છે, જેઓની મહેસાણા જિલ્લાના બેચરાજી તાલુકાના સુરજ ગામે સર્વે નંબર-૨૧૦ ની જમીન આવેલી છે. આ જમીનની હિસ્સાદુરસ્તી એટલે કે જમીન માપણી કરાવવાની હોવાથી ફરિયાદીએ મહેસાણા ડી.આઈ.એલ.આર. કચેરી ખાતે કાયદેસરની અરજી કરી હતી. આ અરજીના આધારે મહેસાણા કચેરીના લાયસન્સી સર્વેયર તરીકે ફરજ બજાવતા આરોપી આશિષ કુમાર પરમારે ફરિયાદીનો સંપર્ક કર્યો હતો. આરોપીએ ફરિયાદીની જમીનની માપણી કરી આપીને તેની માપણી શીટો ઓનલાઈન સબમિટ કરવાના અવેજ પેટે કુલ રૂા. ૧,૯૦,૦૦૦/- ની લાંચની માંગણી કરી હતી. ત્યારબાદ આરોપીએ ફરિયાદીને આ લાંચની રકમમાંથી પ્રથમ હપ્તા પેટે રૂા. ૭૦,૦૦૦/- આપવા જણાવ્યું હતું.

જાગૃત ફરિયાદી આ લાંચના નાણાં આપવા બિલકુલ માંગતા ન હોવાથી, તેઓએ ગાંધીનગર એ.સી.બી. પોલીસ સ્ટેશનનો સંપર્ક સાધ્યો હતો અને આરોપી વિરુદ્ધ કાયદેસરની ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદીની આ ફરિયાદના આધારે ગાંધીનગર એ.સી.બી.ની ટીમે વિલંબ કર્યા વિના ૨૫ જૂન ૨૦૨૬ના રોજ મહેસાણા સેશન્સ કોર્ટ પાસે લાંચનું સધન છટકું ગોઠવ્યું હતું. આ છટકા દરમિયાન આરોપી આશિષ કુમાર પરમારે ફરિયાદી સાથે લાંચની માંગણી અંગેની હેતુલક્ષી વાતચીત કરી હતી અને ફરિયાદી પાસેથી પ્રથમ હપ્તાના લાંચના નાણાં રૂા. ૭૦,૦૦૦/- સ્વીકાર્યા હતા. એસીબીની ટીમે તુરંત જ ત્રાટકીને આરોપીને લાંચની સ્વીકારેલી રૂા. ૭૦,૦૦૦/- ની રકમ સાથે રંગેહાથ પકડી પાડી રકમ રિકવર કરી લીધી હતી. આરોપીએ પોતાના રાજ્ય સેવક તરીકેના હોદ્દાનો દુરુપયોગ કરી, ગુનાહિત ગેરવર્તણૂક આચરી હોવાથી તેની સામે ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની અટકાયત કરવામાં આવી છે.

આ સમગ્ર સફળ ઓપરેશન ગાંધીનગર એ.સી.બી. પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સ્પેક્ટર ડી.એ.ચૌધરી તથા ગાંધીનગર એ.સી.બી. ટીમ દ્વારા પાર પાડવામાં આવ્યું હતું. આ ટ્રેપનું સીધું સુપરવિઝન એ.સી.બી. ગાંધીનગર એકમના મદદનીશ નિયામક એ.કે.પરમાર દ્વારા કરવામાં આવ્યું હતું, જ્યારે સમગ્ર ભ્રષ્ટાચાર વિરોધી કાર્યવાહી અમદાવાદ એ.સી.બી.ના નાયબ નિયામક હરેશ મેવાડાના સક્ષમ અને સીધા માર્ગદર્શન હેઠળ સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવી છે.

(1:37 PM IST)